Aapnu Gujarat
ગુજરાત

રાજકોટ શહેરમાં રીલ્સ અપલોડ કરવા બાબતે મિત્રએ કરી મિત્રની હત્યા

કોરોના પછી યુવાનોમાં જીમમાં કસરત માટે જવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને તેની સાથે સાથે હાલના સમયમાં રીલ્સ બનાવવાની ઘેલછા એ મોટા ભાગના યુવાનોની એક કુટેવ બની ગઈ છે અને તેના કારણે ગંભીર અસરો થવાની અનેક ઘટના સામ આવી છે, આવું જ કંઈક થયું છે રાજકોટના ઉપલેટામાં. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીમ જતા બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરવા બાબતે થયેલી તકરારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં મિત્રએ જ મિત્રની છરીના ૧૯ જેટલા ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવારે રાત્રે બનેલી હત્યાની ઘટનામાં ૨૯ વર્ષીય યુવાનને જીમમાં સાથે આવતા તેના જ ૧૯ વર્ષીય મિત્રએ છરીના ૧૯ ઘા ઝીંકી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જે બનાવમાં પોલીસે હત્યારા મિત્ર વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા (ઉ.વ.૧૯) નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, નક્ષત્ર બિલ્ડિગમાં આવેલ બોડી ફિટનેસ જીમમાં મૃતક અને આરોપી સાથે જીમમાં જતા હતા. ૧૦ દિવસ પૂર્વે બન્ને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થઇ હતી અને ૩ દિવસ પહેલા મૃતકે આરોપીને ધોલધપાટ કરી હતી, જેનો ખાર રાખી આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ ૧૯ જેટલા છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૃતકનાં પિતા નાથાભાઇ ગોવિંદભાઇ ભાદરકાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો આશિષ છેલ્લા બે વર્ષથી નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાના અરસામા તે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે તેણે જીમમા કસરત કરવાના કપડા કાળુ ટ્રેક પેન્ટ તથા આછા બ્લ્યુ જેવા કલરનું ટી શર્ટ પહેરેલ હતું. આશિષના ઘરેથી ગયા બાદ હું ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા માટે ગયો હતો અને સાંજના આઠેક વાગ્યાના અરસામા ઘરે પરત આવ્યો હતો.આ સમયે અમારા જ્ઞાતિના ભાવેશભાઇ ડેરનો ફોન આવ્યો હતો. જેમાં આશિષને ઉપલેટા સરકારી દવાખાને લાવ્યા હોવાનું જણાવતા હું તાત્કાલિક ત્યાં જ પહોંચ્યો હતો. ત્યાં ભાવેશભાઈ ડેર ઉપરાંત અમારા સમાજના ઘણા માણસો તથા બોડી ફીટનેસ જીમવાળા કેયુરગીરી અરવિંદગીરી ગોસ્વામી હાજર હતાં. આ હાજર માણસો પૈકી કેયુરગીરી જીમવાળાના કહેવાથી મને જાણવા મળ્યું કે, સાંજના આઠ વાગ્યાના અરસામા આશિષ જીમમાંથી કસરત કરીને બહાર જવા માટે નીકળ્યો ત્યારે જીમની સીડીના ફર્સ્ટ ફ્લોરની ચોકડી પર જીમમાં આવતા વિનય ઉર્ફે સુજુ હિતેષભાઇ ધામેચાએ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કર્યો હતો.
જેમાં સુજુએ છરીથી આશિષને છાતીના ભાગે ૩ ઘા તથા પેટના ભાગે ૧૬ જેટલા ઘા મારતા આશિષ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો. છરી તેના પેટના ભાગે ઘૂસી જતા જીમમાં હાજર વ્યક્તિઓ પૈકી યશવંતભાઇ, શ્રીરામભાઇ, વિજયગીરી, યશ વાઘેલા અને કેયુરભાઇ સાથે મળીને આશિષને પ્રથમ જે તે સ્થિતિમાં જ ઉચકીને નજીકમાં જ આવેલ ડો. મોડીયા સાહેબના દવાખાને લઈ ગયા હતાં. જોકે, ત્યાં ડોક્ટર હાજર નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સમાં લઈ આશિષને ડો. કણસાગરા સાહેબના દવાખાને લઈ ગયા હતાં. ત્યાં ડોકટરે આશિષને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આથી આગળની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલે લઈ જવાનું કહેતા આશિષને અહીં સરકારી હોસ્પિટલે લાવ્યા હોવાનું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, નાથાભાઈ ભાદરકાને સંતાનમાં એક પુત્ર આશિષ અને એક પુત્રી છે. ત્યારે શનિવારે સાંજે બનેલી હત્યાની ઘટનાથી ભાદરકા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા તેમજ બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Related posts

दौरी से पशु-पक्षी को बचाने के लिए करूणा अभियान

aapnugujarat

ચૂંટણી પ્રચાર વેળા હવામાં ફાયરીંગ કરવાનાં કેસમાં મંત્રી બચુ ખાબડના આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર રાખ્યાં

aapnugujarat

જુઓ ​​​​​​​દશામાની મૂર્તિઓની આવી દશા, લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી

editor
UA-96247877-1