Aapnu Gujarat
બિઝનેસ

અદાણી ઈન્ફ્રા 325 કરોડમાં અમદાવાદ સ્થિત અનિલ લિમિટેડનો પ્લોટ ખરીદશે

અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સે અનિલ લિમિટેડ (Anil Ltd)ની અમદાવાદના બાપુનગર સ્થિત જમીન હસ્તગત કરવા માટે બિડ જીતી છે. અદાણી ગ્રૂપની કંપની 325 કરોડ રૂપિયામાં 1.45 લાખ ચોરસ મીટર જમીન એક્વાયર કરશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અદાણી ઈન્ફ્રા.એ આ સોદા માટે અત્યાર સુધીમાં 70 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના ઓર્ડર મુજબ બાકીના 255 કરોડ રૂપિયાની ચુકવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. બજારના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાપુનગર એરિયામાં આવેલા આ વિશાળ પ્લોટ પર એક મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરશે.

અનિલ લિમિટેડ સામે લિક્વિડેશનની પ્રક્રિયા શરૂ થયા પછી આ જમીન વેચાઈ રહી છે. અનિલ લિમિટેડ સામે ઓક્ટોબર 2018માં લિક્વિડેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને તેના ભાગરૂપે જમીન વેચાણનું કામ ચાલુ છે. અગાઉ વેસ્ટકોસ્ટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સે આ પ્લોટ માટે 375 કરોડ રૂપિયાની બિડ કરી હતી, પરંતુ તે પેમેન્ટ કરી શકી ન હતી. તેના કારણે હરાજી રદ કરવામાં આવી હતી. ત્યાર પછી નવેસરથી હરાજી થઈ હતી જેમાં અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 325 કરોડની બિડ સાથે વિજેતા બિડર તરીકે ઉભરી આવી હતી.

અનિલ લિમિટેડના લિક્વિડેટર આર ચી ચૌધરીએ જણાવ્યું કે, “તાજેતરના ઓર્ડરમાં NCLTએ અદાણી ઈન્ફ્રાને બાકીના 225 કરોડની ચુકવણી કરવા જણાવ્યું છે. રાજ્યના ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી જપ્તી ઉઠાવી લેવામાં આવી છે તેવું કન્ફર્મેશન લિક્વિડેટર તરફથી મળી જાય ત્યાર પછી આ ચુકવણી કરવાની રહેશે. અમને આશા છે કે ટૂંક સમયમાં આ ટ્રાન્ઝેક્શન થઈ જશે.”

તેમણે જણાવ્યું કે અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ દ્વારા લિક્વિડેટર મારફત સિક્યોર્ડ ક્રેડિટર્સ અને કામદારોને 325 કરોડની ચુકવણી કરવામાં આવશે. આ ચુકવણી IBC (ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ) 2016ના સેક્શન 53 તથા NCLTની અમદાવાદ બેન્ચના ઓર્ડર મુજબ કરવામાં આવશે.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ આ વિશે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. અદાણી ઈન્ફ્રા અનિલ લિમિટેડનો જે પ્લોટ ખરીદવા જઈ રહી છે તે સારી સ્થિતિમાં છે અને અનિલ સ્ટાર્ચ રોડ બહુ જાણીતો છે. સૂત્રોએ કહ્યું કે અદાણી ઈન્ફ્રા આ મોકાની જમીન પર એક મહત્ત્વાકાંક્ષી રિયલ્ટી પ્રોજેક્ટ શરૂ કરે તેવી શક્યતા છે. એક્વિઝિશન પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી આ પ્રોજેક્ટને એક સાથે નહીં પરંતુ તબક્કાવાર ડેવલપ કરવામાં આવશે.

Related posts

સેબીની સૌથી મોટી કાર્યવાહી, એનએસઈને ફટકાર્યો ૧૧૦૦ કરોડનો દંડ

aapnugujarat

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૯૫ પોઇન્ટ સુધી સુધારો

aapnugujarat

US-चीन के ट्रेड वॉर से कॉटन में भारी गिरावट, भारत में बेचैनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1