આજકાલ ગોસિપની ગલીઓમાં એક નવા કપલની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે મનોરંજન જગતના સિતારાઓ એકબીજાના પ્રેમમાં પડે કે, રાઈટર-ડાયરેક્ટરના પ્રેમમાં અભિનેતા કે અભિનેત્રી પડ્યા હોય તેવી કેટલીય પ્રેમકહાણીઓ જાણીતી છે. ક્રિકેટરો અને બોલિવુડ અભિનેત્રીઓના અફેર અને તેમના લગ્ન પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા છે. પરંતુ રાજકારણી અને અભિનેતા કે અભિનેત્રી વચ્ચેના પ્રેમપ્રકરણના કિસ્સા ઓછા જોવા મળે છે. હાલ આવા જ એક કપલની ચર્ચા ખૂબ થઈ રહી છે. આ કપલ છે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chaddha) અને બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra). ગત મહિને પરિણીતી અને રાઘવ મુંબઈમાં સાથે જોવા મળ્યા ત્યારથી જ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. હવે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. અટકળો છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા છેલ્લા થોડા દિવસોમાં અવારનવાર દિલ્હી અને મુંબઈમાં સાથે જોવા મળી ચૂક્યા છે. તાજેતરમાં જ પરિણીતી ચોપરા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી ત્યારે તેની રિંગ ફિંગર પર સિલ્વર બેન્ડ જોવા મળી હતી. એવામાં ચર્ચા ચાલી રહી છે કે, પરિણીતી અને રાઘવે સગાઈ કરી લીધી છે. કપલે પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી છે અને હવે આ વર્ષના અંત સુધીમાં બંને લગ્નના તાંતણે બંધાઈ જશે.
ઈન્ડિયા ટુડેના અહેવાલમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, “પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ થઈ ગઈ છે. બંનેએ પરિવારની હાજરીમાં જ સગાઈ કરી હતી. બંનેના પરિવારો આ સગપણથી ખૂબ ખુશ છે. બંને ઓક્ટોબર કે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. પરિણીતી અને રાઘવને લગ્નની કોઈ ઉતાવળ નથી. બંને હાલ પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને લગ્ન પહેલા તેઓ કામ પૂરું કરી દેવામાં માગે છે.”
રસપ્રદ વાત એ છે કે, પરિણીતીની પિતરાઈ બહેન અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ જ સમયગાળા દરમિયાન ભારત આવવાની છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 દરમિયાન જીયો મામી ફેસ્ટિવલ યોજાવાનો છે જેમાં ભાગ લેવા માટે પ્રિયંકા ભારત આવવાની છે. તે આ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે. એવામાં પરિણીતીના લગ્ન આ સમયગાળાની આસપાસ લેવાઈ શકે છે. પ્રિયંકા ચોપરા એપ્રિલની શરૂઆતમાં ભારતમાં હતી ત્યારે પ્રિયંકા અને રાઘવે તેની સાથે મુલાકાત કરી હતી તેવી અટકળો છે. પ્રિયંકા ચોપરા પોતાની વેબ સીરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે ભારત આવી હતી.
પરિણીતી અને રાઘવની નિકટના કેટલાક લોકો તેમના અફેર પર મહોર લગાવી ચૂક્યા છે. આપના સાંસદ સંજીવ અરોરાએ બંનેને અભિનંદન પાઠવતું ટ્વિટ કર્યું હતું. તો સિંગર અને એક્ટર હાર્ડી સંધુએ પણ પરિણીતી અને રાઘવ કપલ હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, હજી સુધી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ મુદ્દે મૌન સેવી રાખ્યું છે. તેઓ જાહેરમાં સંબંધ સ્વીકારી પણ નથી રહ્યા કે નકારતા પણ નથી. તેઓ ફક્ત એક સ્મિત આપીને વાત ઉડાવી દે છે.
પરિણીતી ચોપરા હવે ફિલ્મ ‘ચમકીલા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિંગર-એક્ટર દિલજીત દોસાંજ પણ દેખાશે. ઈમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં આ ફિલ્મ બની રહી છે. આ સિવાય પરિણીતી ચોપરા અક્ષય કુમાર સાથે પણ એક ફિલ્મમાં દેખાવાની છે.