Aapnu Gujarat
ગુજરાત

પતિ પત્ની વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવા કોર્ટ પહોંચ્યો

સુરત શહેરના પુના વિસ્તારમાં રહેતા એક ૩૮ વર્ષીય વ્યક્તિએ શુક્રવારે સ્થાનિક કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેણે કોર્ટમાં માંગણી કરી હતી કે, ઈરથન ગામની તેની ૩૩ વર્ષીય પત્ની પર કથિત બળાત્કારનો કેસ નોંધવામાં આવે. પોલીસ દ્વારા તેની ફરિયાદના આધારે એફ.આર.આઈ નોંધવામાં ન આવતા તે કોર્ટમાં પહોંચ્યો હતો. ફરિયાદી કમલેશ કે જે એકાઉન્ટિંગના વ્યવસાયમાં છે, જેણે પોતાની પત્ની અને તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની સરલા (નામ બદલ્યું છે) પહેલેથી જ પરિણીત છે અને તેણે આ વાતની જાણ તેને કરી નહોતી.
ફરિયાદીએ પોતાની અપીલમાં કહ્યું કે, આરોપીઓએ કાવતરુ રચ્યું હતું અને મહિલાને અપરિણીત તરીકે ખોટી રીતે રજૂ કરી હતી અને છૂટાછેડા લીધા વિના ફરિયાદી સાથે છેતરપિંડીથી લગ્ન કરાવી દીધા હતા. આરોપી મહિલાએ ફરિયાદીને તેની કાયદેસરની પત્ની હોવાનું માનીને છેતર્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સહમતિ મેળવી હતી તથા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ફરિયાદીની અપીલને ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ફોજદારી અરજી તરીકે સ્વીકારી હતી અને આગમી સુનાવણી ૧૧ એપ્રિલના રોજ હાથ ધરાશે. ફરિયાદી કમલેશે તેના વકીલો શૈલેષ પાવર અને જતીન વાંઝવાલા મારફતે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીએ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬, ૧૦૭, ૧૦૮, ૧૨૦ બી અને અન્ય હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી હતી. આ સિવાય ફરિયાદીએ વળતરની પણ માગ કરી છે. ફરિયાદીના વકીલ પવારે કહ્યું કે, આ એક ખાનગી ફરિયાદ છે અને અમે આ કેસને સાબિત કરવા માટે મહત્વપૂર્ણ પુરાવા પણ રજૂ કર્યા છે. કમલેશ અને સરલાના લગ્ન મે ૨૦૧૦માં થયા હતા. આ એક અરેન્જ મેરેજ હતા. લગ્ન બાદ તેઓ ઓગસ્ટ ૨૦૧૯ સુધી સાથે રહ્યા હતા. આ દરમિયાન તેઓને બે બાળકો પણ થયા હતા, પરંતુ કમલેશને જાણવા મળ્યું કે, સરલાએ તેના પ્રેમી સાથે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા.
ફરિયાદીએ અપીલમાં એવું પણ કહ્યું છે કે, પત્નીના લગ્નેત્તર સંબંધો અંગે શંકા જતા કમલેશે જાતે જ આ મામલે તપાસ શરુ કરી હતી. એ પછી કમલેશે સરલાના ઓડિયો કોલ રેકોર્ડિંગ, કોલ ડેટા રેકોર્ડિંગ અને અન્ય પુરુષ સાથે લગ્નનું પ્રમાણપત્ર એકત્ર કર્યું. એટલું જ નહીં તેણે તેના નાના પુત્રનો ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે મેચ થયો નહોતો.
કમલેશની ફરિયાદ બાદ પોલીસની પૂછપરછમાં સરલા અને તેના માતા-પિતાએ જણાવ્યું કે, તેણીનીએ નવસારીની કોર્ટમાં અગાઉના પતિથી છૂટાછેડા લીધા હતા. પરંતુ જ્યારે કમલેશે નવસારી કોર્ટમાં આરટીઆઈ દાખલ કરીને છૂટાછેડાની વિગતો માંગી ત્યારે ખબર પડી કે આરોપી મહિલા અને તેના પતિએ ક્યારેય છૂટાછેડા માટે અરજી કરી નથી.

Related posts

બિનઅનામત વર્ગ માટે આર્થિક અનામતના અમલની માંગણી : અમિત ચાવડાએ ગૃહમાં મહત્વની માંગણી ઉઠાવી

aapnugujarat

भगवान जगन्‍नाथ की 142वीं रथयात्रा: सुरक्षा में होगी एनएसजी कमांडो की तैनाती

aapnugujarat

૯૮ લાખની દિલધડક લૂંટનો મામલો : સીએમએસ કંપનીના કર્મી પિયુષ પરમારની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1