Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

ગાંધીનગર નજીક અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે શિક્ષણ અને પોષણના આ નવનિર્મિત પ્રકલ્પોનો ગુજરાતના સામાન્ય માનવીને મોટો લાભ થશે. આ સંદર્ભે તેમણે કહ્યું કે જ્યાં મા અન્નપૂર્ણા દેવીની પૂજા થતી હોય ત્યાં કુપોષણને કોઈ અવકાશ ન હોઈ શકે, કુપોષણ માટે પોષણનું અજ્ઞાન જવાબદાર હોય છે. કોરોના મહામારીને કારણે દુનિયામાં અન્નના ભંડારો ખુટી રહ્યા છે ત્યારે ભારતનો ખેડૂત દુનિયાભરને ભોજન-પોષણ પુરૂ પાડવા માટે સક્ષમ છે તેની નોંધ વૈશ્વિક ફલક પર લેવાઈ છે.વડાપ્રધાનએ સ્પષ્ટપણે જણાવ્યું કે ધન-ધાન્યની દેવી મા અન્નપૂર્ણા પ્રત્યેની અગાઢ જન આસ્થાની પરિપાટીએ જ આપણે મા અન્નપૂર્ણાની કેનેડામાં રહેલી મૂર્તિને કાશી પરત લાવ્યા છીયે. આવી ડઝનથી પણ વધુ પૌરાણિક મૂર્તિ-ચીજવસ્તુઓ, પાછલા સાત-આઠ વર્ષોમાં વિદેશોમાંથી ભારત પરત લાવ્યા છીયે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અડાલજના નવનિર્મિત શિક્ષણ સંકુલનો ઉલ્લેખ કરી રાજ્યના યુવાનોને સ્કિલ ડેવલોપમેન્ટ થકી ‘ઇન્ડસ્ટ્રી ૪.૦ (ઔદ્યોગિક વિકાસના ચોથા તબક્કા)’ માટે સજ્જ બનાવવાનું આહ્વાન કરતા કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રી ૪.૦’ માટે ગુજરાત ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રથમ ફાર્મસી કોલેજની સ્થાપનાથી લઇ રાજ્યમાં ફાર્મા ઉદ્યોગના મોટા પાયે વિકાસનું દ્રષ્ટાંત સમજાવ્યું હતું.પ્રધાનમંત્રીએ હાલના દિવસોમાં ગુજરાતના વિવિધ વિકાસ અનુષ્ઠાનોમાં સહભાગી થવાની તક મળી રહી છે તે અંગે હર્ષ વ્યક્ત કરી, રાજ્યના ધાર્મિક સામાજિક સંગઠનોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે યોગદાનનો મહિમા વર્ણવ્યો હતો. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની સરાહના કરતાં કહ્યું કે તેમના નેતૃત્વમાં ગુજરાત નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વિકાસ માટેની આધુનિક વિચારધારા અને પાયાના કામો તરફની જવાબદારીનું ધ્યાન શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષતા છે. ગુજરાત રાજ્યને ભૂપેન્દ્રભાઇના રૂપમાં ઉમદા નેતૃત્વ મળ્યું છે, આ નેતૃત્વમાં ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ નવી ઊંચાઇઓ પાર કરશે. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વેક્સિનેશનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નડાબેટ, ગબ્બર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસનધામોમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં થઇ રહેલા વિકાસ કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું કે, શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિકાસ પ્રકલ્પો સમાજના સર્વાંગી કલ્યાણનો ધ્યેય પાર પાડશે. સરકારના પ્રયાસોમાં સામાજિક સંગઠન શક્તિ જોડાય ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ મંત્રમાં સૌના પ્રયાસનો ભાવ પણ ઉમેરાય છે.મુખ્યમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત, અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સામાજિક શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની હિમાયત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે જે કહ્યું તે કરવું એવી કાર્યસંસ્કૃતિ શ્રી નરેન્દ્રભાઈએ વિકસાવી છે. ૨૦૧૯માં આ છાત્રાલય અને ભોજનાલયના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયા હતા. આજે તેમના જ વરદ હસ્તે આ પ્રકલ્પોનું લોકાર્પણ થઈ રહ્યું છે.મુખ્યમંત્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીનું સવિશેષ મહત્વ સમજાવતા કહ્યું કે ધનધાન્યના અખૂટ ભંડાર ભરી આપતી આપણી જમીન પણ મા અન્નપૂર્ણા દેવી સમાન છે. આવી આપણી જમીન તેમજ માનવના સુસ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉપાય છે.મુખ્યમંત્રીએ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્યધામનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ અભિયાનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. રાજ્યના તમામ ડાયાલિસિસ કેન્દ્રો પર વિનામૂલ્યે ડાયાલિસિસ સુવિધા તેમજ વન નેશન વન ડાયાલિસિસ અંતર્ગત રાજ્યમાં એક સાથે ૩૧ નવા ડાયાલિસિસ કેન્દ્રો ગયા મહિને શરૂ કર્યાંનો ચિતાર તેમણે આપ્યો હતો.સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગુજરાતના લોકોની દાન-સખાવતની વૃત્તિ અને સેવા-કલ્યાણની પ્રવૃત્તિ ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને બિરદાવી હતી. આ પ્રસંગે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ચેરમેન અને સાંસદ શ્રી નરહરીભાઈ અમીને ટ્રસ્ટની સમાજસેવાની પ્રવૃત્તિઓ વિશે સૌને અવગત કર્યા હતા. આ અવસરે સાંસદ એચ. એસ. પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, જનસહાયક ટ્રસ્ટ અને સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, દાતાશ્રીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ….

Related posts

CM pays condolences on the demise of Gujarati writer and litterateur Father Valles

editor

जेतपुर डीवायएसपी की कार लावारिस हालत में मिली

aapnugujarat

ગાંધીનગર ખાતે પત્રકારોનું સંગઠન બનાવવા બેઠકનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1