Aapnu Gujarat
ગુજરાત

જીતુ વાઘાણીના વાણી વિલાસ બાદ IT સેલની ચુપ્પી : પક્ષના જ નેતાઓ તેમનાથી નારાજ

ગુજરાત

પોતાની જીભનો કેવી રીતે ઉપયોગ કરવો એ ઘણી વખત રાજકારણના નશામાં ચૂર અમુક રાજકારણીઓ ભૂલી જતાં હોય છે, અને ક્યારેક એવી બફાટ કરી દેતા હોય છે, કે એમને કારણે આખી પાર્ટીએ તેનો ભોગ બનવું પડે છે. એવી જ એક ઘટના રાજકોટમાં પણ બની હતી. થોડા દિવસ અગાઉ ગુજરાતનાં શિક્ષણમંત્રી બોલવામાં બોલી ગયા હતા કે, જે લોકોને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તેઓ બીજા રાજ્ય જઈ શકે છે. પરંતુ જ્યારે જીતુ વાઘાણીને પોતાની ભૂલનો અહેસાસ થયો એના 24 કલાકમાં જ તેમણે હાથ પણ જોડી લીધા હતા. પરંતુ કહેવાય છે ને, કે એક વખત તીર મ્યાનમાંથી છૂટ્યા બાદ પાછું આવતું નથી, તેવી જ રીતે મોઢામાંથી કાઢેલી વાચા બોલાઈ ગયા બાદ પછતાવો સિવાય કશું બચતું નથી. અને આ સંદર્ભે પણ કંઈક એવું જ જીતુ વાઘાણી સાથે થયું છે.

ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં કથળી રહેલા શિક્ષણની નિરંતર ટીકા કરી રહ્યા છે. જેનો જવાબ આપવા જતા જીતુ વાઘાણીની જીભ લપસી ગઈ હતી અને જાહેરમાં જ બોલી પડ્યા હતા, કે જે લોકોને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તેઓ બીજા રાજ્યમાં જતા રહે, જીતુ વાઘાણીનું આ વિવાદાસ્પદ નિવેદન એટલું બધુ વાયરલ થયું કે એમના જ પક્ષના કેટલાક સભ્યો એમનાથી નારાજ થઈ ગયા છે.

સમગ્ર ગુજરાતમાં જીતુ વાઘાણીની ટીકા થઈ રહી છે. ભાજપના ટોચના નેતાઓ પણ જીતુ વાઘાણીના આ વિવાદાસ્પદ નિવેદનથી નારાજ થઈ ગયા છે. દરેક રાજકીય પક્ષમાં ભાજપના IT સેલને સૌથી વધારે મજબૂત માનવામાં આવે છે. મુદ્દો ગમે એટલો ગંભીર કેમ ન હોય ભાજપનું IT સેલ સરકાર બચાવવા માટે ખડે પગે ઊભું રહી જાય છે. અને સોશિયલ મીડિયા પર પણ 24 કલાક સક્રિય રહે છે.

પરંતુ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન મામલે તેમણે પણ મૌન ધારણ કરી લીધું છે. જો કે, IT સેલ પણ ઉપરથી મળેલા આદેશ અનુસાર જ કાર્ય કરતું હોય છે, તેથી તેમણે આદેશ અનુસાર મૌનવ્રત પાળવું જરૂરી બની ગયું છે. થોડાક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપના ટોચના નેતાઓ એ બાબત જાણે છે કે, વાઘાણીના આ પ્રકારના નિવેદનથી વિધાનસભાની ચૂંટણીમાં એક નકારાત્મક અસર ઊભી થઈ શકે છે. તેથી જ IT સેલને નિષ્ક્રિય રાખીને ડેમેજ કંટ્રોલ કરવા માટે સંપૂર્ણ જવાબદારી જીતુ વાઘાણીને આપી દીધી છે. આ બાબતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સોસોદિયા પણ પાછળ રહ્યા નથી, તેમણે આ માહોલનો સંપૂર્ણ ફાયદો ઊઠાવ્યો છે. મનીષ સિસોદિયાએ પત્રકારોને એવું જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં શિક્ષણ માટે શું કામ થયું એ હું જોવા માગું છું.

મનીષ સિસોદિયા સોમવારે પોતે ગુજરાતની શાળાઓની મુલાકાત લેવાના છે. તેમણે જણાવ્યું હતું કે તેમને પાક્કી ખાતરી છે કે, ગુજરાત સરકારે કંઈને કંઈક તો કામ કર્યું હશે. અને જો કોઈ કામ નહીં કર્યું હોય તો ગુજરાતની પ્રજા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનાદેશ આપશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના નિવેદન મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતને ટૂંકડે ટુકડે રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતના ગૌરવ માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. એવું વધુમાં તેમણે જણાવ્યું હતું.

Related posts

વટવામાં યુએલસીની ફાજલ જમીનોનો કબજો મેળવવા સામે મનાઈ

aapnugujarat

મારા ૩૬ કટકા થશે તો પણ હું ‘કમલમ’ તરફ નહીં જાઉં : વિક્રમ માડમ

aapnugujarat

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૨૪,૦૦૦ કરોડથી વધુ રકમનો સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો

editor

Leave a Comment

UA-96247877-1