Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીએ ૬૧મા જન્મદિવસનો પ્રારંભ પૂર પ્રભાવિત નાણોદરના ગ્રામજનો સાથે સંવાદ કરીને કર્યો 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ૬૧મા જન્મદિવસનો આજે પ્રારંભ બનાસકાંઠાના અતિવૃષ્ટિ પ્રભાવિત નાણોદર ગામના ગ્રામજનો સાથે તેમની ખબરઅંતર પૂછીને અને આ અતિવૃષ્ટિમાં તેમને સરકારી તંત્ર દ્વારા મળેલ બચાવ રાહત-સહાયની વિગતો મેળવીને કર્યો હતો.

અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા અને પાટણમાં રાહતકાર્યોના માર્ગદર્શન માટે પાંચ દિવસ પાલનપુરમાં જ રોકાણ કરી રહેલા શ્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે આ નાણોદરના ગ્રામજનો વચ્ચે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે હું નરમાં નારાયણ જોઉ છું, તેથી મારો જન્મદિવસ આ આપત્તિગ્રસ્ત ગ્રામજનો વચ્ચે મનાવવાની મને તક મળી છે.

મુખ્યમંત્રીશ્રીએ નાણોદરના અસરગ્રસ્તોને તેમને મળેલી સહાય-રાહતની વિગતો મેળવતા જણાવ્યું કે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રની સતર્કતા અને અગમચેતીના કારણે આટલા ભારે વરસાદ અને પૂર છતાં પણ મોટી જાનહાનિ નિવારી શકાઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ રેલ નદીમાં આવેલા ભારે પૂરે બનાસકાંઠામાં જે તારાજી સર્જી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ રેલ નદીના પ્રવાહને કચ્છ અને કચ્છના રણ તરફ લઈ જવાની શક્યતાઓ તપાસવા તજજ્ઞોને શક્યતાદર્શી અહેવાલનું કામ સોંપવા વિચાર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ અતિ ભારે વરસાદનો ભોગ બનેલા બનાસકાંઠા અને પાટણમાં રાજ્ય સરકારે ઘરવખરી સહાય અને પશુ મૃત્યુ સહાયના ધોરણો વધુ ઉદાર બનાવ્યા છે તેની વિગત આપતા ઉમેર્યું કે હવે ઘરવખરી સહાય પેટે રાજ્ય સરકાર રૂ. ૩,૮૦૦ના બદલે રૂ. ૭,૦૦૦ની સહાય આપવાની છે તેમજ દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુદીઠ રૂ. ૩૦,૦૦૦ના બદલે રૂ. ૪૦,૦૦૦ આપવાની છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ધારાસભ્યો પરબતભાઈ, નાગરજીભાઈ, કેશાજી ચૌહાણ, મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી વગેરે ભારે વરસાદ થયો ત્યારથી જ પ્રજાની સાથે તેમની પડખે રહીને આ વિપદામાં સહાયરૂપ થયા છે. અમે પલાયનવાદી જનપ્રતિનિધિઓ નથી, એમ તેમણે માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું.

આ વેળાએ આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ સચિવશ્રીઓ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતાં.

Related posts

વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ શહેરના ભીમ તળાવને ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

રામપુરા ગામે ટ્રેકટરના ઝગડામાં હુમલો કરાયો

editor

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના દર્દીઓની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1