Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં વરસાદી કહેર : ખારિયા ગામનાં એક જ પરિવારનાં ૧૭ લોકોનાં મૃતદેહ મળ્યાં

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તબાહીનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. ભારે વિનાશ અને ભારે નુકસાન હવે જોવા મળી રહ્યું છે. ધારણા પ્રમાણે જ બનાસકાંઠા જિલ્લાના થરાના ખારિયા ગામે એક જ પરિવારના ૧૭ લોકોના મોતના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો છે. હજુ સુધી જિલ્લામાંથી ૨૫થી વધારેના મૃતદેહ મળી આવ્યા છે. ખારિયા ગામમાં છ ભાઈના પરિવાર એક સાથે રહેતો હતો. પુરમાં ફસાઈ ગયા બાદ તેમના મોત થયા હતા. આ પરિવારમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા હાથ લાગી છે. પરિવારનો તંત્રનો સંપર્ક સાધવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પુરના પાણી ઉતર્યા બાદ આસપાસના ગામના લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિમાં હજુ સુધી હજારો પશુઓના પણ મોત થઇ ચુક્યા છે. પુરના પાણી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ઉતર્યા બાદ હજુ મૃતદેહ હાથ લાગે તેવી દહેશત પ્રવર્તી રહી છે. મહેસુલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા આજે કહ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદમાં હજુ સુધી ૧૨૩ના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠામાં ૨૯ના મોત થઇ ચુક્યા છે. ૧૦૮૯ પશુના મોત થયા છે. ૫૦૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે. બનાસકાંઠાના ૪૭૮ ગામડાઓમાં હજુ વિજળી ડુલ છે. પુરગ્રસ્તોની મદદમાં એરફોર્સ, એનડીઆરએફ સહિતની ટીમો લાગેલી છે. બનાસકાંઠા ખારિયા ગામના ઠાકોર પરિવારના ૧૭ સભ્યોના મૃતદેહ મળ્યા છે જ્યારે રાણકપુર ગામમાં ત્રણ લોકોના અને અણદાપુરા ગામના બે લોકોના મૃતદેહ સહિત ૨૫ના મૃતદેહ હાથ લાગ્યા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં હજુ ગામો હજુ સંપર્ક વિહોણા છે. તમામના મૃતદેહ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. અહીં બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. અમીરગઢ અને ધાનેરામાં હળવો વરસાદ થયો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતી હાલમાં સર્જાયેલી છે. ભારે વરસાદ બાદ પુરની સ્થિતી વચ્ચે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના પાણી જેમ જેમ ઉતરી રહ્યા છે તેમ તેમ ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો સપાટી પર આવી રહ્યા છે. નુકસાનના આંકડા પણ ખુલી રહ્યા છે. બનાસકાંઠામાં તો ચોમેર તબાહીની સ્થિતી જોવા મળી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં બીજા ૧૦ હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી ચુકી છે. હજુ સુધી ૫૦ હજાર લોકોનુ સ્ળળાંતર કરવામાં આવી ચુક્યુ છે. મોતનો આંકડો ૧૨૩થી ઉપર પહોંચી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પરિસ્થિતની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઇકાલે મંગળવારના દિવસે ગુજરાત પહોંચ્યા હતા. મોદીએ અમદાવાદ વિમાની મથકે તરત જ સંબંધિત અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે ગુજરાતમાં પુરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મોદી હેલિકોપ્ટરથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતના પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે નિકળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા હતા.
સવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રત્યક્ષરીતે મળીને ગુજરાતની અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ અંગે મોદીને માહિતી આપી હતી. ત્યારબાદ જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ સ્થિતિનો ચિતાર મેળવી લેવા પુરગ્રસ્ત વિસ્તાર ઉત્તર ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો. મોદી રૂપાણીની સાથે જ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા. હવાઈ નિરીક્ષણ બાદ મોદીએ અધિકારીઓ સાથે એકવાર બેઠક યોજી હતી. તમામ મદદ કરવાની મોદીએ ખાતરી આપી હતી. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે હાલત ખરાબ થયેલી છે. મોદીએ હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ૫૦૦ કરોડની સહાય તરત જ જાહેર કરી હતી.

Related posts

યુવાનોને રમત-ગમત ક્ષેત્રે વધારે પ્રોત્સાહનો અપાશે : ઈશ્વરસિંહ પટેલ

aapnugujarat

સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતિના દિને રક્તદાન શિબિર યોજાઈ

aapnugujarat

વેરાવળમાં કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1