Aapnu Gujarat
ગુજરાત

રાજયના કોન્ટ્રાકટર્સની હડતાળ આખરે મુલત્વી

ગુજરાત રાજયના તમામ કોન્ટ્રાકટર્સની હડતાળ તા.૫મી ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત સરકાર તરફથી કોન્ટ્રાકટર્સની માંગણીઓ સંદર્ભે મળેલી હૈયાધારણ અને હાલની અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં જાહેર રસ્તા, પુલ તથા મિલકતોને પારાવાર નુકસાન થયું છે અને પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે તે વિકટ સંજોગોને ધ્યાનમાં લઇને ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન તરફથી તેમની અચોક્કસ મુદતની હડતાળ તા.૫મી ઓગસ્ટ સુધી મુલત્વી રાખવાનું નક્કી કરાયું છે અને રાજયના તમામ કોન્ટ્રાકટરોને તેમના કામો ચાલુ કરી દઇ તેમાં લાગી જવા સૂચના અપાઇ છે. રાજયભરના કોન્ટ્રાકટરોની હડતાળ હાલ પૂરતી સમેટાતા હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોડ, રસ્તા, હાઇવે અને પુલોના સમારકામ અને રીસરફેસના કામો ધમધમતા થશે.આ અંગે ગુજરાત રાજય કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના તમામ જિલ્લા કોન્ટ્રાકટર્સ એસોસીએશનના હોદ્દેદારોની એક મહત્વની બેઠક રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે તા.૨૪-૭-૨૦૧૭ના રોજ યોજાઇ હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવા તથા મુખ્ય ઇજનેર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કોન્ટ્રાકટરોના પ્રશ્નો અંગે લગભગ ત્રણેક કલાક સુધી લંબાણપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી તા.૫મી ઓગસ્ટને રાજ મળનારી જીએસટી કાઉન્સીલની મીટીંગમાં જાહેર બાંધકામના કામોમાં ૧૮ ટકા જીએસટી દર ઘટાડવા અંગે અને ચાલુ કામોમાં કપાત જૂના ટેક્ષના દર ચાલુ રહે તેવી દરખાસ્ત કરવામાં આવેલ છે. વર્ક કોન્ટ્રાકટ પરનો જીએસટી દર ઘટવાની શકયતા છે, અન્યથા સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય લેશે. આ હૈયાધારણ બાદ રાજય સરકાર તરફથી કોન્ટ્રાકટરોને તેમની હડતાળ ત્યાં સુધી મુલત્વી રાખવાનો અનુરોધ કરાયો હતો. સરકાર તરફથી રોયલ્ટી અને અન્ય પડતર પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નોમાં સરકારે સંમંતિ દર્શાવી છે. ઉપરાંત, નવા તમામ ટેન્ડરોની કાઉન્સીલની મીટીંગ તા.૫મી ઓગસ્ટના નિર્ણય પછી રાખવાની સૂચના પણ નાયબ મુખ્યમંત્રી તરફથી અપાઇ હતી. સરકાર તરફથી મળેલી આ હૈયાધારણને પગલે તેમ જ રાજયમાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતના વિકટ સંજોગોમાં જાહેર રસ્તા, પુલ અને મિલ્કતોને થયેલા નુકસાનને લઇ જાહેરજનતા અને પૂરગ્રસ્ત વિસ્તારના લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે માનવતાના કારણે જિલ્લા પ્રમુખો અને અગ્રણી કોન્ટ્રાકટરોની બેઠકમાં હડતાળને તા.૫મી ઓગસ્ટ સુધી મોકૂફ રાખી કામો ચાલુ રાખવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. કુદરતી પ્રકોપમાં બાંધકામ વ્યવસાયમાં આફતમાં કામે લાગી જઇ, ફરજ બજાવવા સર્વે કોન્ટ્રાકટરોને ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

ધ્રાંગધ્રામાંથી ડિગ્રી વગર ક્લીનીક ચલાવતા તબીબને ઝડપી પાડ્યો

editor

ગુજરાતમાં ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવાનાં કામનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રીમાંડવિયા

aapnugujarat

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1