Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં દક્ષિણ ગુજરાતના ૧૧ જિલ્લાઓની અનુસૂચિત જાતિ પેટા યોજનાની કામગીરીની મંત્રીશ્રીએ કરી સમીક્ષા

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમારે અનુસૂચિત જાતિઓ માટેની વિવિધ લોકકલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓ સમાજના જરૂરતમંદો સુધી પહોંચાડવા અધિકારીઓને અનુરોધ કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમારે આજે વડોદરામાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના અસરકારક અમલીકરણ અર્થે દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને દાહોદ સહિત ૧૧ જિલ્લાઓની કામગીરીની વર્ષ ૨૦૧૬-૧૭ની સમીક્ષા કરી હતી. અનુસૂચિત જાતિઓની વિવિધ યોજના હેઠળ મધ્ય/દક્ષિણ ગુજરાતમાં નાણાંકીય જોગવાઇઓ સામે સો ટકા કામગીરી કરવા બદલ મંત્રીશ્રીએ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ માનવીય અભિગમ અને સંવેદનાઓ સાથે સમાજના નબળા વર્ગના લોકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અનુરોધ કરી અધિકારીઓને ગામડાઓની મુલાકાત વેળાએ અનુસૂચિત જાતિ વસતિ ધરાવતા વિસ્તારની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણવા જણાવ્યુ હતું. મંત્રીશ્રી પરમારે ૨૦૦ થી વધુ વસતિ ધરાવતા અનુસૂચિત જાતિના ગામોમાં આરોગ્ય કેમ્પો યોજવાનું સૂચન કરી દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ઝીંગા ઉછેર કેન્દ્ર શરૂ કરવા અંગેના શક્યાતદર્શી અહેવાલ મોકલી આપવા જણાવ્યુ હતું.

મંત્રીશ્રીએ એટ્રોસીટીના કેસોમાં કાયદાની જોગવાઇઓ મુજબ સત્વરે કામગીરી હાથ ધરવા અધિકારીઓને જણાવ્યુ હતું. અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકશ્રી કે.ડી.કાપડીયાએ જણાવ્યુ કે રાજ્યની ૬.૪૩ કરોડ વસતિ પૈકી ૪૦.૭૪ લાખ અનુસૂચિત જાતિની વસતિ છે. દક્ષિણ ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની ૧૬.૫૪ ટકા વસતિ ધરાવે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાચા મકાનમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને પાકા આવાસો મળે તે માટેનું સઘન આયોજન કરવા તેમણે અધિકારીઓને જણાવ્યુ હતું.

આ બેઠકમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષશ્રી પ્રવિણભાઇ પંડ્યા, નાયબ સચિવશ્રી કમલેશ શાહ, સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષો, જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો, સમાજ કલ્યાણ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

પંચમહાલમાં કમૌસમી વરસાદ

editor

મૂકબધિર મહિલા પર દુષ્કર્મ કેસમાં કલાર્કને ૧૦ વર્ષ કેદ

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર માટે રૂપાણી સરકારે એક્શન પ્લાન જાહેર કર્યો

editor

Leave a Comment

UA-96247877-1