Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી

મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં પોતાના પર ચડી ગયેલાં દેવાં અને કરજથી પરેશાન ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી નાખી છે, તેમાં આત્મહત્યા કરનાર એક ખેડૂત નવનાથનાં પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની માગ સરકારે નહીં સ્વીકાર્યા બાદ તેમણે આ પગલું ભર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ખેડૂતો કરજ માફી જેવી છ માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે અને આજે તેમના આંદોલનનો સાતમો દિવસ છે. ખેડૂતોના આંદોલનના કારણે રાજ્યમાં દૂધ, શાકભાજી અને ફળો જેવી ચીજવસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે.
નાસિક, નવી મુંબઈ જેવી મોટી મંડીઓમાં કામકાજ ઠપ થઈ ગયું છે.મહારાષ્ટ્રના નાસિકમાં દ્રાક્ષની ખેતી કરતા કિસાન નવનાથે આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આ વર્ષે ભારે નુકસાન થયું હતું. નવનાથે પરિવારના દાગીના ગીરવે મૂકીને બેન્કમાંથી રૂ. ચાર લાખની લોન લીધી હતી. પરિવારજનોનું કહેવું છે કે ખેડૂત આંદોલન પર સરકારે કોઈ નિર્ણય નહીં કરતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
એ જ રીતે નાંદેડના ખેડૂત પરમેશ્વર (ઉં.વ. ૪૦) અને સતારાના સુરેશ શંકરે (ઉં.વ.૩૮)એ દેવાથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. બીજી બાજુ વર્ધાના ૫૬ વર્ષના ખેડૂત બલિરામ ઈંગલે દેવાથી પરેશાન થઈને પોલીસ સ્ટેશનમાં જ ગળાફાંસો ખાઈ લીધો છે. એક અહેવાલ અનુસાર છેલ્લા બે દાયકામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૪,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
ખેડૂતોની માગણી છે કે તેમનાં દેવાં માફ કરવામાં આવે. આ ઉપરાંત ઉત્પાદનખર્ચથી ૫૦ ટકા વધુ લઘુતમ ટેકાના ભાવ તેમની ઉત્પાદક ચીજવસ્તુઓથી મળે. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ખેડૂતો માટે પેન્શન યોજના દાખલ કરવામાં આવે. આ ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજની લોન મળે અને દૂધનો ભાવ વધારીને પ્રતિલિટર રૂ. ૫૦ કરવામાં આવે. માઈક્રો ઈરિગેશન ઈક્વિપમેન્ટ માટે સંપૂર્ણ સબસિડી મળે.દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ ખેડૂતોની લોન ૩૧ ઓક્ટોબર સુધીમાં માફ કરી દેવામાં આવશે. આ માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ૧.૦૭ કરોડ ખેડૂતોને દેવાં માફીની આ યોજનાનો લાભ મળશે.

Related posts

મોદી મંત્રીમંડળે પોક્સો એક્ટને કડક બનાવ્યો

aapnugujarat

ગોરખપુરમાં બાળકોના મોત મુદ્દે અખિલેશના ટિ્‌વટને લઇ વિવાદ છેડાયો

aapnugujarat

If opposition dares then promise to bring back Article 370 in elections : PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1