Aapnu Gujarat
ગુજરાત

દલિત વિરોધી મોદી સરકારનો બહિષ્કાર કરવા જીગ્નેશની ચિમકી

દલિતોને વરઘોડો નહી કાઢવા દેવાના વિવાદમાં આજે દલિત યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઝુકાવ્યું હતું અને આ સમગ્ર મામલે ભાજપ સરકાર અને પોલીસ તંત્રને આડાહાથે લીધા હતા. મેવાણીએ દલિતોનો બહિષ્કાર કરનારી દલિત વિરોધી ભાજપ સરકારનો હવે ગુજરાત સહિત દેશભરમાં સામાજિક બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. જેના ભાગરૂપે આગામી તા.૧૮મી મેના રોજ સાણંદની નાની દેવકી ગામ અને તા.૨૨મી મેના રોજ કડીના લ્હોર ગામે વિશાળ દલિત સંમેલન બોલાવવામાં આવ્યું છે. અરવલ્લીના મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લ્હોર, પ્રાંતિજના બોરીયા અને વડાલીના ગાજીપુર ગામે દલિતોના લગ્નપ્રસંગમાં વરઘોડો નહી કાઢવા દેવા બદલ અને ઉલ્ટાનું પોલીસ તંત્ર દ્વારા દલિતોને જ ટાર્ગેટ બનાવી થઇ રહેલા અત્યાચારને લઇ આજે અમદાવાદમાં જીગ્નેશ મેવાણીએ એક મહત્વની મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં દલિતોને વરઘોડો નહી કાઢવા દેવાની સામે આવેલી પાંચથી છ ઘટનાઓ ગુજરાત માટે કલંકિત અને શરમજનક છે. ભાજપ સરકારના કુશાસનમાં હવે દલિતો માટે ગુજરાત જાણે નર્કસમાન બની રહ્યું છે. આટલી ગંભીર ઘટનાઓ ઘટવા છતાં હજુ સુધી રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના દલિત ધારાસભ્યો કે નેતાઓ એકપણ શબ્દ બોલ્યા નથી અને માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને દલિતો પર અત્યાચાર નહી કરવા અનુરોધ સુધ્ધાં કર્યો નથી. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિતોના મિત્ર બન્યા નથી. એટલું જ નહી, આટલી ગંભીર ઘટનાઓ છતાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી કે ભાજપના નેતાઓએ હજુ સુધી એકપણ ગામની મુલાકાત લીધી નથી. મેવાણીએ ખંભીસરના કિસ્સામાં દલિતોને ગાળો ભાંડનાર અને બેહૂદુ વર્તન કરનાર અરવલ્લી ડીવાયએસપી ફાલ્ગુની પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને તેમની વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધવા માંગણી કરી હતી. મેવાણીએ દલિતોના અત્યાચાર મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માર્ગો પર ફરી ચક્કાજામ કરવાથી લઇ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવવા સુધીની લડતની ચીમકી ઉચ્ચારી હતી.
દલિત આગેવાન માર્ટિન મેકવાને કહ્યું કે,પાંચેય ગામમાં પહેલીવાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે કાઢવા દીધો નહોતો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યો હતો. જેથી સમગ્ર મામલામાં સરકાર અને પોલીસની મિલીભગત સ્પષ્ટ થાય છે.

Related posts

કડી હિન્દુ યુવા વાહિની દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

editor

સ્ત્રી મિત્રને પાઠ ભણાવવા પ્લેન હાઇજેકની ધમકી આપનાર બિરજુ સલ્લાને આજીવન કારાવાસની શક્યતા

aapnugujarat

कांग्रेस से सभी पद से इस्तीफा दे दिया है, सदस्य पद से नहीं : अल्पेश ठाकोर द्वारा हाईकोर्ट में हलफनामा में खुलासा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1