Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભાજપની બુથ વિસ્તારક યોજનાનો ફાગવેલથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપા ૧૫૦ થી વધુ બેઠકો મેળવશે એવો નિર્ધાર વ્યકત કર્યો છે. કોંગ્રેસને આડેહાથે લેતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ માટે સત્તા હજારો ગાઉ દૂર છે. હાલમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફાફાં મારી રહી છે. ભૂતકાળમાં કેન્દ્રમાં કોંગ્રેસના શાસનમાં દર માસે એક નવું કૌભાંડ થતું હતું. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં પ્રમાણિક અને ઇમાનદારીના શાસનની પ્રજાને સાચે જ અનુભૂતિ થઇ રહી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડા જિલ્લામાં ભાથીજી મહારાજની વીરભૂમિ એવા પાવન સ્થાનક ફાગવેલથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય વિસ્તારક યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ફાગવેલમાં ઘેરઘેર ફરીને ભાજપાના સંનિષ્ઠ કાર્યકર તરીકે લોકો સાથે સંવાદ કરી કેન્દ્ર/રાજય સરકારની યોજનાકીય સિધ્ધિઓની જાણકારી આપી હતી. ફાગવેલ ભાથીજી મંદિરના ટ્રસ્ટી ઉદેસિંહ રાઠોડ મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં હજારો કાર્યકરો સાથે ભાજપામાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ખેસ પહેરાવી તેમનો ભાજપામાં આવકાર કર્યો હતો.વીર સાવરકર જન્મજયંતિથી ગુરૂજીની પૂણ્યતિથિ તા.૦૫ જુન સુધી ભાજપાની વિસ્તારક યોજના યોજાઇ રહી છે. એવી જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નવ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ૪૮૦૦૦ કાર્યકરો ગુજરાતના તમામ ૪૮૦૦૦ બુથમાં ઘેરઘેર જઇને લોકસંપર્ક કરશે. છેવાડાના માનવીના ઉત્થાન માટે જીવન ખપાવી દેવનાર એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મશતાબ્દિ વર્ષની ભાજપા દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ગરીબ કલ્યાણ વર્ષમાં કેન્દ્ર/રાજય સરકારની પ્રજાકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવા માટે વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે ભાજપાના કાર્યકરો વિસ્તારક બુથમાં જઇને સંપર્ક સંવાદ અને સમન્વય દ્વારા પેઇજ પ્રમુખની રચના સાથે બુથ સમિતિ બનાવવા વિવિધ વર્ગના લોકોને મળવા જેવી કામગીરી કરશે.ગુજરાત ભાજપાના હજારો કાર્યકરો સંનિષ્ઠ અને સમર્પિત ભાવથી વ્યકિતથી મોટું દળની વિભાવનાથી કેન્દ્ર/રાજયમાં ભાજપાની સરકારની સિધ્ધિઓ ઘેરઘેર પહોંચાડાશે.ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો મંત્ર આપી સમગ્ર દેશ અને દુનિયાને નવી રાહ ચીંધી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં દેશની સવાસો કરોડ જનતામાં અનેરા વિશ્વાસનો સંચાર થયો છે અને ‘‘મેરા દેશ બદલ રહા હૈ, વિકાસ હો રહા હૈ’’ની સાચે જ દેશવાસીઓને અનુભૂતિ થઇ રહી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની જનતાએ સાચા ખોટાના લેખા-જોખાં કરી મૂલ્યનું રાજકારણ સમજી સમગ્ર રાષ્ટ્રનું હિત વિચારી એક માત્ર ભાજપા પર વિશ્ર્‌વાસ મુકયો છે. જનતા જનાર્દન આગામી ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવશે તેવો વિશ્ર્‌વાસ તેમણે વ્યકત કર્યો હતો.પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર સાહેબે ગુજરાતની ધરતી પરથી સ્વરાજ માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના દલિતો-પીડિતો, શોષિતો અને વંચિતોની આશા-આકાંક્ષાઓ ભાજપાની સરકારે પરિપૂર્ણ કરી સુશાસનની અનુભૂતિ સાથે પ્રધાનમંત્રીનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કર્યો છે.સાંસદ અને ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ દેવુંસિંહ ચૌહાણે સૌનો આવકાર કરતાં જણાવ્યું કે બુથ વિસ્તારક યોજના થકી ભાજપાના લાખો કાર્યકરો ઘેરઘેર ફરી કેન્દ્ર/રાજય સરકારની સિધ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. શ્રી ચૌહાણે ઉમેર્યું કે કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ વિસ્તારમાં લોકોને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા રૂા.૨૬ કરોડની ફાગવેલ-લુસન્દ્રા યોજનાનું કામ પૂર્ણ થયું છે. જેને પરિણામે ૧૫૦ ગામોને પીવાનું પાણી મળી રહેશે. સુજલામ્‌ સુફલામ્‌ કેનાલ દ્વારા રૂા.૩૦ કરોડના ખર્ચે જલોયા-સાવલી તળાવોમાં પાણી ભરવામાં આવશે. ઉપરાંત રૂા.૧૭૮ કરોડના ખર્ચે શેઢી શાખા નહેરનું નવીનીકરણ કરાશે. જેથી પાણીની વહન શકિત ત્રણ ગણી વધીને ૧૮૦૦ કયુસેક થશે.ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની ફાગવેલની આ બલિદાનની ભૂમિથી ભાજપાનો બુથ વિસ્તારક યોજનાનો પ્રારંભ થયો છે. જે એક ઐતિહાસિક ઘટના છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૦૨ માં રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ પાવન ભૂમિથી ગુજરાત ગૌરવયાત્રા આરંભી હતી. દેશના ૭૦ ટકા ભૂ-ભાગમાં આજે ભાજપાનો ભગવો લહેરાઇ રહયો છે.

Related posts

વસ્ત્રાલમાં રહેતા બિઝનેસમેન સાથે ૨.૯૫ કરોડની છેતરપીંડીના કેસમાં તપાસ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે

aapnugujarat

સાયલા પાસેથી દારૂના ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચની ફરી એકવાર છબિ ખરડાઇ

aapnugujarat

ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1