દેશના અર્ધલશ્કરી દળ સીઆરપીએફના જવાનોની અમાનૂષી હત્યા કર્યા બાદ માઓવાદી નક્સલવાદીઓએ હવે બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને ધમકી આપી છે કે એમણે ગયા માર્ચમાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાનોનાં પરિવારજનોને આર્થિક સહાય શા માટે કરી.‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર, ડાબેરી ઝોકવાળા ત્રાસવાદી નક્સલવાદીઓએ એક ફરફરિયા દ્વારા એમનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને સેલિબ્રિટી વ્યક્તિઓને અપીલ કરી છે કે તેઓ માઓવાદીઓના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવે. નક્સલવાદીઓ એવું ઈચ્છે છે કે સેલિબ્રિટી વ્યક્તિઓ લઘુમતી કોમની તરફેણ કરે, કારણ કે એમને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે એવું તેઓ માને છે. નક્સલવાદીઓનું કહેવું છે કે એમના હુમલાઓમાં જાન ગુમાવનાર લશ્કરી સૈનિકોને સમર્થન કરવાને બદલે સેલિબ્રિટી વ્યક્તિઓ નક્સલવાદીઓને ટેકો આપે.આ ધમકી પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓઈસ્ટ)ના છત્તીસગઢ એકમે આપી છે.અક્ષય કુમાર અને સાઈના નેહવાલને ધમકી આપતું નક્સલવાદીઓનું એક ફરફરિયું છત્તીસગઢના બસ્તરમાં જોવા મળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સુકમા જિલ્લાના હુમલામાં જાન ગુમાવનાર પ્રત્યેક ૧૨ સીઆરપીએફ જવાનોનાં વારસદારોને રૂ. ૯ લાખ દાનમાં આપ્યા છે.અક્ષયની જેમ સાઈના નેહવાલે પણ શહીદોનાં પરિવારોને આર્થિક મદદ કરી છે. એણે પ્રત્યેક ૧૨ જવાનના પરિવારોને રૂ. ૫૦ હજારની મદદ કરી છે.
અક્ષય કુમારે તો એનાથી પણ આગળ વધીને કેન્દ્ર સરકાર પાસે એક પોર્ટલ શરૂ કરાવ્યું છે ભારતવીર.કોમ આ વેબસાઈટની મુલાકાત લઈને નાગરિકો શહીદોનાં પરિવારોને રકમ સીધી જ દાનમાં આપી શકે છે.