Aapnu Gujarat
ગુજરાત

વકીલોની વિવિધ માંગને લઇ બીસીઆઇની મોદીને રજૂઆત

રાજયના બજેટમાં વકીલોના વેલ્ફેર માટે બજેટની વિશેષ ફાળવણી સહિતની વિવિધ માંગણીઓને લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત દેશભરના વકીલઆલમ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાના અધ્યક્ષસ્થાન હેઠળ મળેલી દેશના વિવિધ રાજયોની બાર કાઉન્સીલના ચેરમેન, વાઇસ ચેરમેન, દેશની તમામ હાઇકોર્ટ એસોસીએશનના પ્રમુખ સહિતના પદાધિકારીઓની મળેલી બેઠકમાં રાજયકક્ષાએ વકીલઆલમની વિવિધ માંગણીઓ સંદર્ભે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કરવા સહિતના કાર્યક્રમોના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જે મુજબ, ગુજરાત બાર કાઉન્સીલના નેજા હેઠળ તા.૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ ગુજરાતમાં વિવિધ જિલ્લા તાલુકા કક્ષાએ જુદા જુદા વકીલમંડળો દ્વારા ઉપરોકત માંગણીઓ મુદ્દે ઠરાવ પસાર કરી સ્થાનિક સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરાશે એમ અત્રે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં દેશના પંદર લાખ વકીલો માટે કોર્ટમાં જરૂરી બેઠક વ્યવસ્થા, ચેમ્બરની સુવિધા, લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી, મહિલા અને પુરૂષ વકીલો માટે અલાયદા શૌચાલયની વ્યવસ્થા, રાજયના બજેટમાં વકીલો માટે જોગવાઇ, વકીલો અને તેમના વારસદારોને વીમાકવચની સુરક્ષા, જુનીયર ધારાશાસ્ત્રીઓને પાંચ વર્ષ સુધી માસિક રૂ.દસ હજારનું લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ પરત્વે વડાપ્રધાન સુધી રજૂઆત પહોંચાડવાનું નક્કી થયું હતું. વડાપ્રધાનને વકીલોની આ માંગણીઓ અંગે જાણ તો કરી જ દેવાઇ છે પરંતુ દેશના વિવિધ રાજયોમાં વકીલઆલમ દ્વારા આ માંગણીઓ સંદર્ભે જરૂરી ઠરાવ પસાર કરી અને તે પણ જે તે રાજયના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને ઉદ્દેશતું આવેદનપત્ર સ્થાનિક સત્તાવાળાને સુપ્રત કરવાનું નક્કી થયું હતું. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૧મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં વિવિધ વકીલમંડળો દ્વારા વકીલ આલમની ઉપરોકત માંગણીઓ અંગે ઠરાવ પસાર કરી જે તે જિલ્લા કલેકટરો અને તાલુકા કક્ષાએ સ્થાનિક મામલતદારોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. આ ઠરાવની નકલ જે તે સંસદસભ્યો, ડિસ્ટ્રીકટ જજ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત બાર કાઉન્સીલને પણ મોકલાશે. ત્યારબાદ તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટ બાર એસોસીએશન સહિતના તમામ બાર એસોસીએશનના હોદ્દેદારો તરફથી રાજયના રાજયપાલને ઉપરોકત માંગણીઓ સંદર્ભે ઠરાવ પસાર કરી રજૂઆત પહોંચાડશે.

Related posts

ત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : અમદાવાદમાં યોગી આક્રમક અંદાજમાં દેખાયા

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

editor

વડોદરા જિલ્લાની આંગણવાડીઓ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ૨૬૦૯૧ કુમાર-કન્યાઓએ મેળવ્યો પ્રવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1