Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાની આંગણવાડીઓ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ૨૬૦૯૧ કુમાર-કન્યાઓએ મેળવ્યો પ્રવેશ

તાજેતરમાં યોજાઇ ગયેલા બે દિવસના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ દરમિયાન જિલ્લાના ૯૧૬ ગામોની આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ મળીને ૨૬૦૯૧ કુમાર-કન્યાઓએ સરસ્વતી સાધના શરૂ કરવા અને આગળ ધપાવવા માટે પ્રવેશ મેળવતા, આ આયોજનને ઉલ્લેખનીય સફળતા મળી છે. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું અને તેમના ઉપરાંત સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભારતીય સનદી, વન અને પોલીસ સેવાના તેમજ સચિવાલય સેવાના ઉચ્ચાધિકારીઓએ શાળાઓ-આંગણવાડીઓમાં જઇને પ્રવેશાર્થીઓને આવકારવાની સાથે, પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવેશ મેળવનારાઓને પાઠ્ય પુસ્તકો, દફતરો સહિત શિક્ષણ ઉપયોગી સાધન સામગ્રી અને આંગણવાડીઓના બાળકો માટે રમકડાંઓનું વિતરણ મહાનુભાવોએ કર્યું હતું. ધો.૩થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાની સાથે, પર્યાવરણ રક્ષણ અને જતનના સંસ્કારોનું સિંચન કરવા માટે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ મેળવનારાઓમાં ૮૨ દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. હવે પછી તા.૨૨ અને ૨૩મી જૂન, ૨૦૧૮ના રોજ વડોદરા શહેર વિસ્તાર અને જિલ્લાની ચાર નગરપાલિકાઓના વિસ્તારોની શાળાઓમાં કન્યા કેળવણી સહ પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી મળેલી જાણકારી પ્રમાણે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીઓમાં ૩૦૮૦ છોકરાઓ અને ૩૦૨૯ છોકરીઓ મળીને કુલ ૬૧૦૯ ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રારંભ માટે દાખલ કરવામાં આવ્યા. જ્યારે પહેલા ધોરણમાં ૭૦૫૩ કુમાર અને ૬૯૯૮ કન્યાઓ મળીને કુલ ૧૪૦૫૧ સરસ્વતી સાધકો શાળાઓમાં દાખલ થયાં. જ્યારે અભ્યાસ છોડી દિધો હોય એવા ૦૫ વિદ્યાર્થીઓનો પુનઃપ્રવેશ થયો. જ્યારે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર ૭૩૭૨ કુમાર અને ૫૬૧૨ કન્યાઓ મળીને કુલ ૧૨૯૮૪ કિશોર-કિશોરીઓને નવમા ધોરણમાં આવકારીને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું.

ગ્રામીણ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં દૂરના વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત અને સમયસર આવવાનું પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ૬૮ શાળાઓમાં વિદ્યાર્થી પરિવહન સેવાનો મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો. શાળાઓને રૂા. ૮.૮૯ લાખથી વધુ રકમનું રોકડ અને સાધન સુવિધા દાન મળ્યુ હતું.

મહિલા સાક્ષરતા દર ૫૦ ટકાથી ઓછો હોય તેવા તાલુકાઓમાં નબળા વર્ગો અને પરિવારોની છોકરીઓને શાળાઓમાં પ્રવેશ અપાવવા અને શિક્ષણ ચાલુ રાખવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટે ૧૮૮ વિદ્યાર્થિનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડસનું વિતરણ કરાયું. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ગ્રામજનોએ સારી એવી સંખ્યામાં ભાગ લીધો જેના લીધે આ પ્રસંગ શિક્ષણમાં લોકસહભાગીદારીનો ઉત્સવ બની રહ્યો છે.

Related posts

સાબરકાંઠા પોલીસે બીજુડા ગેંગના ત્રણ શખ્સો ઝડપ્યા

editor

અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે

aapnugujarat

અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1