Aapnu Gujarat
ગુજરાત

જસદણ ચુંટણી : ભાજપમાંથી બાવળિયા દ્વારા ભરાયેલું ફોર્મ

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી ભાજપમાંથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા, ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બીજીબાજુ, કોંગ્રેસ તરફથી જસદણ બેઠક પર તેનો સત્તાવાર ઉમેદવાર જાહેર કરી શકાયો નથી. બીજીબાજુ, કુંવરજીની સામે આજે કોંગ્રેસમાંથી ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી પત્ર ઉપાડયું હતું. લલિત વસોયાની એન્ટ્રીથી હવે જસદણનું રાજકારણ વધુ ગરમાયું છે. જો કે, ભાજપને અંધારામાં રાખવા માટે કોંગ્રેસની આ રાજકીય વ્યૂહરચના પણ હોઇ શકે એવુ મનાઇ રહ્યું છે. કોંગ્રેસમાંથી અન્ય પાંચ ઉમેદવારોએ ફોર્મ ઉપાડયા હતા. છેલ્લી ઘડીયે જે ઉમેદવાર સત્તાવાર નક્કી થશે ત્યારબાદ બાકીના ઉમેદવારો પોતાનુ ફોર્મ પાછુ ખેંચી લે અથવા ડમી ઉમેદવારની ભૂમિકા ભજવે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહી, બાવળિયાએ આજે સ્થાનિક મંદિરમાં દર્શન પણ કર્યા હતા અને દરગાહમાં ચાદર ચઢાવી હતી. ફોર્મ ભર્યા બાદ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના નિશાન પર તેઓ જંગી બહુમતીથી જસદણ બેઠક પરથી જીતી જશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આજે કુંરવજી બાવળિયા સહિત ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી. જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેકફૂટ પર ધકેલવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી છે. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજીબાજુ, કોંગ્રેસ દ્વારા કોઈપણ ઉમેદવારને હજુ સુધી સત્તાવાર ઉમેદવારીનું મેન્ડેટ આપવામાં આવ્યું નથી. છતાં ભાજપના કુંવરજી બાવળિયાની ઉમેદવારી બાદ, ભોળા ગોહિલે પણ ફોર્મ ઉપાડયું હતું અને પોતે પ્રદેશના આદેશથી ફોર્મ લીધું હોવાનું કહેતા રાજકારણ ગરમાયુ હતું. જો કે ભોળા ગોહેલ બાદ અવચર નાકિયા, ગજેન્દ્ર રામાણી, ધીરુભાઈ શીંગાળા, ઉપરાંત મનસુખ ઝાપડીયા સહિતના દાવેદારોએ ફોર્મ ઉપાડ્‌યા હતા. આ તમામે પણ હાઇ કમાન્ડે પ્રદેશ કક્ષાએથી સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જસદણ ખાતે કોળી સમાજના અધિક મતને લઈને કુંવરજી બાવળીયાને ટિકિટ આપવામાં આવી છે. જે મુજબ કોંગ્રેસ પણ અવચર નાકિયાને ટિકિટ આપે તેવી સંભાવના છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદ ડો. મનસુખ ઝાપડિયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ આખરી સમયમાં પોતાની પસંદગીનો કળાશ કોના ઉપર ઢોળશે તેના પર સૌ-કોઈની મીટ મંડાયેલી છે.

Related posts

रजवाडी ठाठ के साथ भगवान जगन्नाथजी की रथयात्रा निकली

aapnugujarat

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

aapnugujarat

સુરેન્દ્રનગરમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1