Aapnu Gujarat
ગુજરાત

વોર્ડ પ્રમુખની બબાલમાં શહેર કોંગ્રેસમાં જોરદાર ભડકો

શહેરના વિવિધ વોર્ડ પ્રમુખોની નિમણૂંક અને ફેરફાર મામલે શહેર કોંગ્રેસમાં આજે અચાનક ભડકો જોવા મળ્યો હતો. ખાસ કરીને ચાંદખેડા અને લાંભા વોર્ડના કોંગી નેતાઓ સેંકડો કાર્યકરો સાથે પ્રદેશ કોંગ્રેસની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહી, એકસાથે ૫૦૦ જેટલા કાર્યકરો અને સ્થાનિક આગેવાનોએ સામૂહિક રાજીનામાં ધરી દેતાં પ્રદેશ કોંગ્રેસમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. છેવટે કાર્યકરો અને આગેવાનોની નારાજગી અને આક્રોશ જોઇ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેમની લાગણી કોંગ્રેસ પક્ષના મોવડીમંડળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી અને સમગ્ર મામલો થાળે પાડયો હતો. જો કે, કોંગ્રેસના સેંકડો કાર્યકરોના હોબાળા અને સામૂહિક રાજીનામાને પગલે સ્થાનિક રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતું. અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ પ્રમુખની નિમણૂંકમાં કરાયેલા ફેરફાર અને નવી નિમણૂંકોને લઇ ઉગ્ર આક્રોશ અને ભારે નારાજગી સાથે શહેર કોંગ્રેસના ૫૦૦ કાર્યકર્તાઓ આજે એકસાથે રાજીનામું આપવા પ્રદેશ કોંગ્રેસની કચેરીએ પહોંચ્યા હતા. ખાસ કરીને ચાંદખેડા અને લાંભા વોર્ડના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા હતા. આજે બપોરે પાલડી સ્થિત રાજીવગાંધી ભવનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ચીમકી ઉચ્ચારતા પહોંચ્યા હતા અને પોતાના સામૂહિક રાજીનામા ધરી ખેસ ઉતરવાની ખુલ્લી ધમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના સેંકડો કાર્યકરોનો હોબાળા અને સૂત્રોચ્ચારને પગલે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના સ્થાનિક નેતાઓએ દરમ્યાનગીરી કરી હતી અને તેઓને સમજાવ્યા હતા. એટલું જ નહી, સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની આ નારાજગી પક્ષના મોવડીમંડળ સુધી પહોંચાડવા અને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી. આમ કરી, પ્રદેશ આગેવાનોએ સમગ્ર મામલો અને વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચુકી છે ત્યારે કોંગ્રેસમાં દર વખતની જેમ ચૂંટણી પહેલાં સપાટી પર આવતાં આંતરિક કલહ અને વિખવાદની ઘટના આજે ફરી એકવાર સામે આવતાં કોંગ્રેસના નેતાઓ ચિંતાતુર બન્યા હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકસભાની ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવાની મથામણમાં જોતરાયા હતા.

 

Related posts

अबडासा में अब १३ इंच बारिश से हालात खराब

aapnugujarat

રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થઈ

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં નવા સારથી-૪ સોફ્ટવેરને લઇ કામ ઠપ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1