Aapnu Gujarat
ગુજરાત

રીક્ષાના પિકઅપ-પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવાની તૈયારી

શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રીક્ષાઓનાં આડેધડ પાર્કિંગ પણ જવાબદાર હોઇ હાઇકોર્ટે આ મામલે કરેલા નિર્દેશો બાદ રાજય સરકાર અને અમ્યુકો તંત્ર તેમ જ પોલીસ-ટ્રાફિક તંત્રએ હવે શહેરના ઓટોરીક્ષાચાલકોને ઓડિયો-વીડિયો તાલીમ આપવાની દિશામાં ગંભીર કવાયત હાથ ધરી છે. સાથે સાથે રીક્ષાચાલકો સાથે ચર્ચા વિચારણા કરી તેમને વિશ્વાસમાં લઇને શહેરના વિવિધ વિસ્તારોમાં પિક અપ પોઇન્ટ અને પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પિક અપ પોઇન્ટ અને રિક્ષા સ્ટેન્ડ આઇડેન્ટીફાય કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં માર્ગો પર રીક્ષાચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસે હવે રીક્ષાચાલકોના આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું આજથી શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસીએશનના અગ્રણીઓ સાથે ભેગાં મળી શહેરનાં દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઇન્ટની જગ્યા નક્કી કરવાની દિશામાં કવાયત આરંભી છે. શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રીક્ષા છે. જો કે, નોંધાયેલી રજિસ્ટર્ડ રીક્ષાનો આંકડો માત્ર ૬૦,૦૦૦ જ મનાઇ રહ્યો છે. રીક્ષાચાલકોનાં ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઇકોર્ટમાં ઊઠ્‌યો હતો જેને લઇ હવે શહેરમાં ૧૦,૦૦૦ જેટલા રીક્ષા પિકઅપ પોઇન્ટ બનાવવામાં આવશે. આ અંગે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને રીક્ષાચાલકોને સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રીક્ષા માટે પિકઅપ પોઇન્ટ નક્કી કરીશું. ચાર રસ્તા પર પ૦ મીટરને છોડીને કઇ જગ્યાએ કેટલી રીક્ષાને ઊભી રાખવા માટે પરમિશન આપવી તે બાબત નક્કી કરવામાં આવશે. અલગ અલગ જગ્યાએ ૧૦,૦૦૦ પિકઅપ પોઇન્ટ નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. રીક્ષા સ્ટેન્ડનાં સાઇનબોર્ડ અને રીક્ષા ઊભી રાખવાના પાર્કિંગ પોઇન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે. પિક અપ પોઇન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી જ રિક્ષાચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રીક્ષાચાલક એસોસીએશનના હોદ્દેદારોનું માનવું છે કે, અગાઉ પણ રીક્ષાઓ માટે પિક અપ પોઇન્ટની દરખાસ્ત થયેલી છે પરંતુ તેની અમલવારી થઇ શકી નથી. હજુ પણ દસ હજાર પિક અપ પોઇન્ટ નક્કી કરવાની વાત છે તે પૂરતી નથી. ટ્રાફિક પોલીસ અને અમ્યુકો સત્તાવાળાઓએ આ પિક અપ પોઇન્ટનો આંક હજુ વધારવો જોઇએ કે જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકોને રીક્ષા સેવાનો લાભ મળી રહે.

Related posts

ગુજરાતના ૧૭ શહેરોમાં ડીઝલ ૧૦૦ને પાર

editor

રિવરફ્રન્ટથી ઉડનાર સી પ્લેન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

aapnugujarat

દક્ષિણ પશ્ચિમ મોનસુન સમગ્ર રાજ્યમાં પહોંચ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1