Aapnu Gujarat
ગુજરાત

નરોડા પાટિયા : રાજકુમાર સહિત ત્રણને દસ વર્ષની કેદ

ચકચારભર્યા નરોડા પાટિયા કેસમાં નીચલી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા પી.જે.રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડઅ એમ ત્રણેય આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વના ચુકાદા મારફતે દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ત્રણેય દોષિતને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ સર્જાયેલ કોમી રમખાણોમાં અમદાવાદમાં નરોડા પાટીયા કાંડ સર્જાયો હતો. જેમાં ૯૭ લોકોના મોત થયા હતા. આ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, ત્યાર બાદ એપ્રિલમાં હાઇકોર્ટે ૧૪ આરોપીઓને દોષિત અને ૧૧ને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં નીચલી કોર્ટ દ્વારા અગાઉ ત્રણ આરોપીઓએ ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમાલ અને પી.જે.રાજપૂતને નિર્દોષ ઠરાવાયા હતા, તે ત્રણેય આરોપીઓને હાઇકોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને આ ત્રણ આરોપીઓ પૂરતી સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ એ.એસ.સુપહીયાની ખંડપીઠે ત્રણેય આરોપીઓને દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. નીચલી કોર્ટમાં ચાલેલા ટ્રાયલ દરમ્યાન કોઈ સાક્ષીએ રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ ભરવાડનું નામ આપ્યું ન હતું અને તેને પગલે નીચલી કોર્ટે ત્રણેયને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. જો કે, નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા કરાવવા ફરિયાદપક્ષ અને સરકારપક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલોની સુનાવણી દરમ્યાન પોલીસ સાહેદો દ્વારા આ ત્રણેય આરોપીઓની ભૂમિકાને લઇ મહત્વની જુબાની આપવામાં આવી હતી અને તેને ધ્યાને લઇ હાઇકોર્ટે ઉપરોકત ત્રણેય આરોપીઓને સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ નરોડા પાટિયાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ કેસમાં સીટ સ્પેશ્યલ કોર્ટના ડેઝીગ્નેટેડ જજ ડો.જયોત્સનાહબેન યાજ્ઞિકે ડો.માયાબહેન કોડનાનીને ૨૮ વર્ષની જેલ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા સહિત કુલ ૩૨ આરોપીઓને ૧૪થી ૨૧ વર્ષ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી, જયારે ૨૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. સીટ સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદાથી નારાજ ડો.માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ દ્વારા તેમની સજાના હુકમને પડકારતી જુદી જુદી અપીલો ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ હતી, તો, સામે પક્ષે આરોપીઓની સજા વધારવા અને નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા કરાવવા માટે સરકારપક્ષ તરફથી તેમ જ ફરિયાદી અસરગ્રસ્તપક્ષ તરફથી પણ અપીલો દાખલ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે ડો.માયાબહેન કોડનાનીની અપીલ ગ્રાહ્ય રાખી તેમને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજાનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો અને તેમને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આરોપી બાબુ બજરંગીની અપીલ અંશતઃ ગ્રાહય રાખી હતી અને તેમને જીવે ત્યાં સુધી જેલના બદલે ૨૧ વર્ષની જન્મટીપની સજા કરી છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયેલા ૨૯ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા હતા અને ત્રણેયને દસ-દસ વર્ષની આકરી સજા ફટકારી હતી. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકર અને ગૌરાંગ વ્યાસ હાજર રહ્યા હતા. ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચમાં ૫૮ નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના જઘન્ય હત્યાકાંડના બહુ જ ગંભીર, ખતરનાક અને ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડયા હતા. ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન ગત તા.૨૮-૨-૨૦૦૨ના રોજ હજારો લોકોના તોફાના ટોળાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના લોકો પર જઘન્ય હુમલો કર્યો હતો, જેમાં ૯૭ લોકોના મોત નીપજયા હતા. જેમાં ૩૫ બાળકો, ૩૬ મહિલાઓ અને ૨૬ પુરૂષોનો સમાવેશ થતો હતો.

(અનુસંધાન નીચેના પાને)

Related posts

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબની ૧૪મીએ ભવ્ય રથયાત્રા

aapnugujarat

अहमदाबाद शहर को वैश्विक दर्जा लेने में महात्मा गांधीजी की यादें और शहर की पोल मददरूप हो गई

aapnugujarat

કડી શહેરમાં રામ મંદિર ભૂમિ પૂજનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1