Aapnu Gujarat
ગુજરાત

ચોમાસાને લઇને કોર્પોરેશન તંત્ર એકશનમાં : કામો ઝડપી

અમદાવાદ શહેરમાં નગરજનો હવે મેઘરાજાની પધરામણીની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે ત્યારે બીજીબાજુ, ચોમાસાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિ-મોન્સુન એકશન પ્લાનને સફળ બનાવવા છેલ્લી ઘડીના કામો આટોપવામાં પડયું છે અને અધિકારીઓને આ માટે જરૂરી સૂચનાઓ પણ આપી દીધી છે ત્યારે અમ્યુકો તંત્રના સહયોગમાં શહેરના વિવિધ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતા અને આગેવાનો પણ પોતપોતાના વિસ્તારોમાં ચોમાસાને લગતી કામગીરી અને એકશન પ્લાનને અંતિમ તબક્કાનો ઓપ આપી રહ્યા છે. શહેરમાં નવા વાડજ વોર્ડમાં તો, ભાજપના સ્થાનિક આગેવાનોએ આ વખતે એક હકારાત્મક પહેલ રજૂ કરી ચોમાસા પહેલાં વિસ્તારની તમામ કેચપીટ, ગટરો-મેનહોલની સફાઇ, પેવરબ્લોકનું કામ, રસ્તાઓનું લેવલીંગ સહિતની કામગીરી પરિપૂર્ણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. નવાવાડજ વોર્ડની આ કાયાપલટ માટે નારણપુરાના ધારાસભ્ય અને રાજયના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, નવા વાડજ વોર્ડ ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી, બુથ પ્રુમખ ગોવિંદ નંદવાણી અને આઇટી સેલ ઇન્ચાર્જ હરેશ ગીડવાણી સહિતના મહાનુભાવોએ છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનથી માંડી જાગૃતિ રેલીઓ અને અનેકવિધ કાર્યક્રમો યોજી વિસ્તારના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટેના નોંધનીય પ્રયાસો કર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઇ પટેલ તરફથી તેમના બજેટમાંથી માતબર રકમ પણ વિસ્તારના કામો પૂર્ણ કરવા ફાળવી દીધી છે. તો બીજીબાજુ, તાજેતરમાં જ અમ્યુકો સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકની કોથળીઓ-થેલીઓ, પાણીના પાઉચ અને ચાની પ્લાસ્ટીકની પ્યાલીઓ પર મૂકાયેલા પ્રતિબંધને સાચા અર્થમાં સફળ બનાવવા નવા વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી, બુથ પ્રમુખ ગોવિંદ નંદવાણી અને આઇટી સેલના ઇન્ચાર્જ હરેશ ગીડવાણી સહિતના આગેવાનો અને સ્થાનિક ભાજપ કાર્યકરોએ સમગ્ર વિસ્તારમાં ફરીને આ ચોમાસામાં પ્લાસ્ટિકની થેલીઓ, ચાની પ્લાસ્ટિકની પ્યાલીઓ અને અન્ય કચરાને લીધે ગટરો-મેનહોલ ભરાય નહી કે ચોકઅપ ના થાય તે માટે નાગરિકોને સમજાવ્યા હતા. ભાજપના આ આગેવાનોએ વિસ્તારના પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર જઇ જઇને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા અને તેને જાહેરમાં કે ગટરો, મેનહોલ અને કેચપીટની આસપાસ નહી ફેંકવા અનોખી જાગૃતિ ઝુંબેશ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના વરસાદમાં આવા પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલીઓ, ચાની પ્લાસ્ટિકની પ્યાલીઓના કારણે મોટાભાગે શહેરની ગટરો, કેચપીટ અને મેનહોલ ઘણીવાર ચોક અપ થઇ જતા હોય છે અને તેના કારણે પાણીનો પ્રવાહ અટકી જવાથી વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આવી સમસ્યાઓ ના સર્જાય તે માટે નવા વાડજ વોર્ડના ભાજપના ઉપરોકત આગેવાનોએ આ વખતે અનોખી પહેલ કરી હતી. નવા વાડજ વોર્ડની જેમ શહેરના અન્ય વોર્ડોમાં પણ આવી કામગીરી હાથ ધરાઇ છે પરંતુ નવા વાડજ વોર્ડ ભાજપના આગેવાનોએ પહેલી બાજી મારી છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કુલ ૪ર,પ૧૧ કેચપીટ અને ૧,૪૩,૯ર૧ મેનહોલ હોઇ તેની સફાઇનો બીજો રાઉન્ડ પૂર્ણ કરાયો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના તત્કાળ નિકાલ માટે નવા ૬પ૮૦ કેચપીટ બનાવાયા હોઇ બંને રાઉન્ડ મળીને કુલ પ૭,૦૦૦થી વધુ કેચપીટની સફાઇ કરાઇ હોવાનો તંત્રનો દાવો છે. શહેરના મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહિતના સત્તાધીશોએ ચોમાસાને લઇ આગોતરી બેઠક યોજી સંબંધિત અધિકારીઓને મહત્વની સૂચનાઓ પણ જારી કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

ગુજરાતમાં ટાઇફોઇડનાં કેસોમાં ૫૫૭ ટકા સુધીનો વધારો

aapnugujarat

રો રોથી ૩૬૦ કિમી યાત્રા ૩૧ કિલોમીટરમાં ફેરવાઈ

aapnugujarat

એસટીમાં કડંકટરોની ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટનો સ્ટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1