Aapnu Gujarat
બ્લોગ

રાસાયણિક શસ્ત્રો હતાં અને રહેશે

જૂની ને જાણીતી કહેવત છે કે પ્રેમ અને યુદ્ધમાં કંઈપણ થઈ શકે. યુદ્ધ કરનારાઓની માનસિકતા એવી જ હોય છે કે યેનકેન પ્રકારે સામી વ્યક્તિને માત કરવી. યુદ્ધ થાય છે જ એને માટે કે સામા પક્ષની વિરોધી વ્યક્તિઓને ખતમ કરી નાખવી. જમીન અને માલમિલકત પર પોતાનું રાજ ચલાવવું. જ્યાં સુધી સત્તાની લાલસા રહેશે ત્યાં સુધી યુદ્ધ રહેશે અને ત્યાં સુધી ખતરનાક આયુધોનો ઉપયોગ પણ થતો જ રહેશે. પહેલાં લડાઈઓ તીરકામઠાંથી થતી હતી. તે સમયે પણ તીર કામઠાને ઝેરી કરવા, આગ વરસાવતા કરવા એવી અનેક યુક્તિઓ વપરાતી જ હતી. આજે બોમ્બમાં રસાયણોનો ઉપયોગ કરીને પોતાના પક્ષની ખુવારી કર્યા સિવાય સામી પાર્ટીને સરળતાથી ખતમ કરી દઈ શકાય છે.
કેમિકલનો ઉપયોગ યુદ્ધમાં ન કરવાના કરાર પર ૧૯૨૫ની સાલમાં પ્રથમ વિશ્ર્‌વયુદ્ધ બાદ જીનીવા પ્રોટોકોલમાં મોટાભાગના દેશોએ સહી કરી હતી. જો કે તે છતાં યુદ્ધમાં રાસાયણિક અને જૈવિક શસ્ત્રોનો ઉપયોગ થયો જ છે. વિજ્ઞાનની શોધ માનવજાતની ઉપયોગિતા માટે થતી હોય છે, પરંતુ તેનો દૂરપયોગ પણ માનવજાત યુદ્ધ દરમિયાન કરતા અચકાતી નથી. આ શસ્ત્રોના પરિણામ પર કોઈનો કાબૂ નથી રહેતો. મોટેભાગે તેમાં સામાન્ય નિર્દોષ નાગરિકો જેમાં બાળકો અને સ્ત્રીઓનો પણ સમાવેશ હોય તેમણે પણ ભોગવવું પડતું હોય છે. ગયા અઠવાડિયે મંગળવારે સિરિયામાં ઉપયોગ કરવામાં આવેલા રાસાયણિક શસ્ત્રમાં ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને તેમાં મોટેભાગે બાળકોને અસર થઈ હતી. તે સિવાય બીજા અનેક લોકોને કેમિકલની અસર થતાં માનસિક-શારીરિક તકલીફો ભોગવવી પડી રહી છે.
પ્રથમ વિશ્ર્‌વયુદ્ધ વખતે મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની અસરથી લાખો અમેરિકન લોકો ભયભીત બન્યા હતા. તો ક્લોરિન અને મસ્ટર્ડ ગેસને કારણે ૯૦ હજાર સૈનિકો મૃત્યુ પામ્યા હતા. અમેરિકા અને રશિયા પાસે આ રાસાયણિક શસ્ત્રોનો અઢળક જથ્થો હોવાનું મનાય છે. જો કે તેનો વપરાશ થતો નથી એટલું સારું છે. ૧૯૮૦ની સાલમાં ઈરાન-ઈરાક યુદ્ધ વખતે ઈરાકે કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. (૧૯૮૦-૮૮) સદ્દામ હુસેને ૧૯૮૮ની સાલમાં કુર્દીસ નાગરિકો સામે પણ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. ઈરાનના ૧ લાખ સૈનિકોને કેમિકલ શસ્ત્રની અસર થઈ હતી. જેમાંથી કેટલાક જે જીવિત રહ્યા છે તે તો હજી પણ તેનું પરિણામ ભોગવી રહ્યા છે તો તેમાંથી ૨૦ હજાર સૈનિકો તો તાત્કાલિક મૃત્યુ પામ્યા હતા. યુદ્ધ પુરું થાય ત્યારબાદ પણ કેમિકલની અસરો પૂરી થતી નથી. ચામડી, ફેફસાં અને રક્તને આ રસાયણો અસર કરે છે અને જીવનભર વ્યક્તિઓને તકલીફ આપ્યા કરે છે. એન્થ્રેક્સનો પણ જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. રસાયણ દ્વારા ગેસ મુક્ત હવામાં ભળી જાય તો તે ક્યાં? કેટલી વ્યક્તિઓને હાનિ પહોંચાડશે તે કહી શકાતું નથી. તેને ક્ધટ્રોલ કરવો અશક્ય બની જાય છે. સિરિયામાં થયેલા રાસાયણિક હુમલાએ દરેકને ચોંકાવી દીધા છે. વરસોથી સિરિયામાં સિવિલવોર ચાલી રહી છે. આ યુદ્ધમાં હજારો-લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને જે જીવે છે તે સતત ભય અને અશાંતિમાં જીવી રહ્યા છે.
૧૯૯૩ની સાલમાં ફરી રાસાયણિક શસ્ત્રોને નષ્ટ કરવા માટેની આચારસંહિતા ઘડવામાં આવી. આ આંતરરાષ્ટ્રીય કરાર પર લગભગ દુનિયાના દરેક દેશોએ સહી કરી, પરંતુ સિરિયા જેવા કેટલાક દેશોએ તેમાં સહમતિ નહોતી આપી. ૨૦૧૧ની સાલથી સિરિયામાં સિવિલવોર શરૂ થઈ અને રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ પણ શરૂ થયો. સિરિયન સરકાર અને ઈસ્લામિક સંગઠન બન્નેએ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનું પરીક્ષણમાં સાબિત થયું હતું. એટલે હાલમાં થયેલો રાસાયણિક હુમલો આમ તો નવાઈ વાત નથી. તે છતાં વાત એ છે કે ૨૦૧૩માં અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે સિરિયાએ ગ્લોબલ કેમિકલ વોચડોગ સમક્ષ પોતાના દરેક રાસાયણિક શસ્ત્રોને જાહેર કરી તેને ૨૦૧૪ની સાલ સુધીમાં નાશ કરી દેવાના હતા એવું નક્કી થયું હતું. સિરિયામાં ૨૭ રસાયણિક શસ્ત્ર ઉત્પાદન સગવડો હતી તેમાંથી ૨૪ને નષ્ટ કરી દેવામાં આવી હતી. બાકીની ત્રણ હજી નાશ નહોતી થઈ કારણ કે સિરિયામાં અશાંત વાતાવરણ હોવાનું કહેવાય છે. જો કે એવું પણ નોંધાયું છે કે સિરિયાએ પોતાના રાસાયણિક શસ્ત્રોનું ઉત્પાદન પૂર્ણપણે જાહેર નહોતું કર્યું. ૨૦૧૬ની સાલમાં પણ નાના પાયે આ કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ થતો રહ્યો હોવાનું કહેવાય છે. યુનાઈટેડ નેશનનું કહેવું છે કે ૨૦૧૩ની સાલ બાદ આ વખતનો એટેક સૌથી મોટો છે. જેમાં ૭૦થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામી છે અને હજારો વ્યક્તિઓને એક યા બીજી રાસાયણિક અસર હેઠળ સારવાર અપાઈ રહી છે. આ એટેકમાં બે ગેસનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. સરીન અને ક્લોરિન ગેસ. જો કે ખાતરી હોવા છતાં હજી સાબિત થવું બાકી છે કે આ એટેક સિરિયન સરકારે જ કર્યો હતો.
યુદ્ધમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. જો કે ત્યારે તેની માત્રા કદાચ આ જ જેટલી ઘાતક નહીં હોય કારણ કે આજે વિજ્ઞાન અને ટૅક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. રાસાયણિક શસ્ત્રો હવા, પાણી અને ખોરાકને ઝેરી કરી શકે છે. જેટલું ઘાતક રસાયણ અને જેટલો વધુ માત્રામાં તેનો ઉપયોગ એટલી જ વધુ ખુવારી થવાની શક્યતા રહેલી હોય છે. એટલે જ દરેક દેશો ઈચ્છે છે કે તેના પર નિયંત્રણ રાખવામાં આવે. જો કે તે છતાં સત્તા અને શક્તિનું સંગઠન કામ કરી જાય છે. વિશ્ર્‌વના દેશો વચ્ચે પણ સત્તાનું રાજકારણ રમાતું હોવાથી તેનો અમલ થઈ શકતો નથી. ઉત્તર કોરિયામાં પણ કેમિકલ શસ્ત્રોનું ઉત્પાદન થતું હોવાના સમાચારો વારંવાર બહાર પડે છે. ઉત્તર કોરિયા પાસે કેમિકલ શસ્ત્રોનો મોટો ભંડાર હોવાની શક્યતા નકારી શકાતી નથી.
પાકિસ્તાને પણ ૧૯૯૩માં રાસાયણિક શસ્ત્રો નષ્ટ કરવાની અને ફરી તેનું ઉત્પાદન નહીં કરવાના કરાર પર સહી કરી છે. તે છતાં હાલમાં જ તેણે બલોચ અને પસ્તુન જાતિ જે સ્વતંત્ર થવાની માગણી કરી રહી છે તેમના પર પાકિસ્તાની લશ્કરે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનું સાબિત થયું છે. પાણીમાં ઝેર ભેળવી દેવું કે ખોરાકને નષ્ટ કરવો કે ઝેરી રસાયણયુક્ત બનાવવા એ બધું તો સદીઓથી યુદ્ધનો એક ભાગ રહી ચૂક્યું છે. માણસ બીજી વ્યક્તિ સાથેના યુદ્ધમાં કેટલી હદે ખતરનાક થઈ શકે છે તેની કોઈ સીમા નથી રહી. આ રસાયણો વ્યક્તિને મારી ન નાખે તો ય તડપાવીને જીવાડે એવા હોય છે. માનવીય ધોરણ હેઠળ આ ક્રૂરતાની પરાકાષ્ઠા છે એવું કહી શકાય. કુદરતી આફતમાં પૃથ્વી નષ્ટ થાય તેની સામે આપણે કશું કરી ન શકીએ, પણ માનવસર્જિત ઝેરી રસાયણો માનવોની જાતિ તો નષ્ટ કરી રહી છે પણ પૃથ્વીના વાતાવરણને પણ ઝેરી બનાવી રહી છે.
માણસોની માનસિકતામાં રહેલું ઝેર બહાર વાતાવરણને ઝેરી બનાવી રહ્યું છે. સત્તા મેળવવાની લાલચે હજારો-લાખો નિર્દોષ વ્યક્તિઓને તડપાવીને મારવા એે અમાનવીય કૃત્ય છે. આ રાસાયણિક શસ્ત્રો જેમની પાસે હશે તે બીજાઓને નષ્ટ કરી, તેમને ભયમાં રાખીને પોતાના હાથમાં જ સત્તા રાખવા માગે છે.મરેલો હાથી સવા લાખનો સંયુક્ત રાષ્ટ્રસંઘે આમ તો આવા હથિયારો પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે જગતના આગેવાન કહેવાતા દેશો આવા શસ્ત્રો રાખી શકતા નથી કે નથી વિકસાવી શકતા. ભારત જેવા પોતાને શાંતિપ્રિય ગણાવતા દેશો પણ આવા હથિયારોમાં હાથ ન નાખે એ સ્વાભાવિક છે. પણ જે દેશો કોઇની સાડાબારી રાખતા નથી, જેમના શાસકો પર પહેલેથી જ અમેરિકા સહિતના વૈશ્રિ્‌વક શાંતિસેનાનીઓની નજર છે, જેમના પર બંડખોર હોવાની છાપ છે એ બધા દેશો પહેલું કામ આવા હથિયારો વિકસાવાનું કરે છે. આવા હથિયારો કોઇ દેશ પાસે હોય અને ખોટા હાથમાં જતા રહે તો આખા જગતની ઊંઘ હરામ થઇ જાય.
જીવતો હાથી લાખનો અને મરેલો સવા લાખનો, એવું જ કેમિકલ વેપન્સમાં થાય છે. કેમિકલ વેપન્સ હોવા એ જીવતા હાથી સમાન છે. તો તેનો નાશ કરવો એ મરેલા હાથી જેવું છે. એટલે કેમિકલ વેપન્સ તૈયાર કરવા કે ખરીદવા કે મેળવવા તો સરળ છે, સાચવવા પણ સરળ છે. પરંતુ જ્યારે નાશ કરવાનો આવે ત્યારે ભલભલાને પરસેવો છૂટી જાય છે! તેને દાટી શકાતા નથી, પાણીમાં ફેંકી શકાતા નથી, સળગાવી શકાતા નથી, કે ક્યાંય સ્ટોર કરી શકાતા નથી.
સિરિયામાં વરસોથી ચાલતા આંતરિક ખટરાગને કારણે એકાદ લાખ લોકોનાં મોત થયા હોવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો અંદાજ છે. અત્યારે સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે સિરિયાના ૭૦ લાખ જેટલા લોકો કાં તો બેઘર છે કાં તો બેઘર થવાની તૈયારીમાં છે. સતત થતો રોકેટમારો, ગોળીબાર, વિસ્ફોટ વચ્ચે તેમની જિંદગીમાં સુખ-ચેન રહ્યું નથી. પરિણામે એ લોકો સિરિયા છોડવા તૈયાર છે. ર૦ લાખ લોકોએ તો છોડી પણ દીધું છે.
એકલા સિરિયાને શા માટે દોષ? અગાઉ કહ્યું એમ રાસાયણિક હથિયારોની શરૂઆત સમૃદ્ધ દેશોએ કરી છે.
ઇરાક કે સિરિયા જેવા દેશોએ નહીં. ર૦૦૩માં અમેરિકાએ મોટા પાયે ઇરાક પર હુમલો કરી ગલ્ફ વિસ્તારને લોહીલુહાણ કર્યો હતો. પણ ત્યાંથી ખાસ કંઇ હથિયારો મળ્યા ન હતા. બીજી તરફ અમેરિકા પોતે વિયેટનામની નિર્દોષ પ્રજા પર અડધી સદી પહેલાં એજન્ટ ઓરેન્જ સહિતના ઘાતક હથિયારોનો ઉપયોગ કરી ચૂકયું છે. માટે વિયેટનામમાં આજે પણ બાળકો લૂલા-લંગડા, અન્ય શારીરિક ખોડ ધરાવતા જન્મે છે. રશિયાએ નિર્દોષ અફઘાની પ્રજા પર ૧૯૯૧માં ઘાતક કેમિકલ હથિયારોનો પ્રયોગ કર્યો હતો.

Related posts

કર્ણાટકમાં ગુજરાતવાળી થશે

aapnugujarat

રસ્તા પર કચરો ખાતી ગાયોનો ઉપાય ક્યારે..??

aapnugujarat

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1