Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ખાતાની ફાળવણી મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદઃ કુમારસ્વામી

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ડ્રામાનો ભલે અંત આવ્યો હોય, પરંતુ કોંગ્રેસ અને જેડી-એસ વચ્ચે ખાતાની ફાળવણીને લઈને રસ્સા ખેંચ હજુ યથાવત્‌ છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે જણાવ્યું કે તેમની પાર્ટી અને ગઠબંધનના સહયોગી કોંગ્રેસ વચ્ચે ખાતાની ફાળવણીને લઈને કેટલાક મતભેદ છે, પરંતુ એવું કંઈજ નથી જેનાથી સરકાર જોખમમાં આવે.
કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ રાજ્યની વિધાનસભામાં બહુમત પુરવાર કરી લીધા બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સાથે કેબિનેટ વિસ્તરણ અને ખાતા ફાળવણી મુદ્દે ચર્ચા માટે શનિવારે દિલ્હી રવાના થયા હતા. કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જી પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર સહિત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. એચડી કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘જેડી-એસ અને ગઠબંધનના સહયોગી કોંગ્રેસ વચ્ચે ખાતાની ફાળવણીને લઈને કેટલાક મતભેદ છે, પરંતુ સરકાર પર કોઈ જોખમ નથી. હું આને પ્રતિષ્ઠાનો મુદ્દો નહીં બનાવું અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશ. પ્રદેશ કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ હાઈકમાન્ડની મંજૂરી બાદ જ કેબિનેટનું વિસ્તરણ કરાશે.’ સૂત્રોના મતે, કુમારસ્વામીએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા, ઉપ મુખ્યમંત્રી પરમેશ્વર અને કર્ણાટકના પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી.
કુમારસ્વામી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળવા દિલ્હી નથી જઈ રહ્યા તે અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું કે, ‘પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ મોવડીમંડળની મંજૂરી લેવાની છે, આ જ કારણથી તેઓ દિલ્હી જઈ રહ્યા છે. તેઓ પરત ફરશે ત્યારબાદ કેબિનેટ વિસ્તરણમાં સરળતા રહેશે.
અગાઉ નક્કી થયા મુજબ કેબિનેટમાં કોંગ્રેસના ૨૨ અને જેડી-એસના ૧૨ મંત્રીઓને સ્થાન મળશે.’ નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભામાં ગઠબંધન દ્વારા બહુમત પુરવાર કર્યા બાદ કેબિનેટ દરજ્જા માટે કોંગ્રેસ અને જેડી-એસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ હતી. કર્ણાટક કોંગ્રેસના કેટલાક નેતા શનિવારે કેબિનેટમાં સ્થાન અને ખાતા માટે મોવડીમંડળ સાથે ચર્ચા કરવા દિલ્હી રવાના થયા હતા.

Related posts

ઓસ્ટ્રેલિયાની વિઝા પ્રોસેસ ઝડપી બની : 16થી 21 દિવસમાં વિઝા મેળવી શકાશે

aapnugujarat

વીરભદ્રસિંહના ફાર્મ હાઉસને ટાંચમાં લેવાયું : રિપોર્ટ

aapnugujarat

એનઆઇએ આતંકીઓ દ્વારા હુર્રિયતને ફંડિંગ કરવાની તપાસ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1