Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં જીએસટીના દાયરામાં આવતા સસ્તાં થશે : ધર્મેન્દ્ર પ્રધાન

ડીઝલના ભાવ ઐતિહાસિક રીતે ટોચની સપાટીએ પહોંચ્યા બાદ અને પેટ્રોલના ભાવ પાંચ વર્ષમાં સર્વાધિક સપાટીએ પહોંચી ગયા બાદ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવી જશે અને ત્યાર બાદ આ બંને ઇંધણના ભાવ આપોઆપ ઘટી જશે.
તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં લાવવાની સરકારની કોશિશો પૂરજોશમાં ચાલી રહી છે. પાટનગર દિલ્હીમાં ભારત સ્ટેજ (બીએસ) ૬ માનક ધરાવતા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ બંને ઇંધણના ભાવવધારા અંગે ગ્રાહકો જેટલા ચિંતિત છે એટલી જ સરકાર પણ ચિંતિત છે, પરંતુ તેના ભાવ ઘટાડવા માટે તાત્કાલિક કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલને લાવવા માટેની કાર્યવાહીએ હવે વેગ પકડયો છે.ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર અગાઉ આ વિષય પર કોઇ વાત સાંભળવા જીએસટી કાઉન્સિલ તૈયાર પણ નહોતી, પરંતુ હવે જીએસટી કાઉન્સિલ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઇ ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે અમે અપીલ કરી છે કે જીએસટી કાઉન્સિલમાં આ સંબંધિત પ્રસ્તાવ લાવીને તેને પાસ કરવામાં આવે. સરકાર માટે ગ્રાહકોનું હિત સર્વોપરી છે, પરંતુ અમારે તમામ પાસાંઓ પર પણ વિચાર કરવાનો હોય છે. તેમણે જણાવ્યું હતું કે હું પણ ફરી એક વાર જીએસટી કાઉન્સિલને પેટ્રોલિયમ પેદાશો જીએસટીના દાયરામાં લાવવા અપીલ કરું છે જેથી ગ્રાહકોને ફાયદો થાય.ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યોનાં કલ્યાણ માટે પણ ઘણા કામ કરવાં પડે છે અને તેમની પાસે સંસાધનોનો અભાવ હોય છે. એટલા માટે પેટ્રોલ અને ડીઝલ પર વધુ કર લગાવીને મહેસૂલ એકત્ર કરવું પડે છે. આ માટે કોઇ ઉપાય શોધવામાં આવશે કે જેથી પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં સહેલાઇથી આવી શકે.ધર્મેન્દ્ર પ્રધાને એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ઘરેલું બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો નિર્ધારિત કરવામાં સરકારની કોઇ ભૂમિકા નથી. ગઇ સાલ જૂનથી જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઘરેલું બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં આંતરરાષ્ટ્રીય બજારની કિંમતને આધાર બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૭૦ ડોલરને વટાવી જતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી છે.

Related posts

પ્લાસ્ટિકના ધ્વજનો ઉપયોગ લોકો ન કરે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ

editor

राफेल 48 घंटे में पहुंचेंगे भारत

editor

રાંધણ ગેસ / સબસિડીવાળો સિલિન્ડર ૬.૫ અને સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1