Aapnu Gujarat
શિક્ષણ

ફીના દબાણ તેમજ ધમકીને લઇ વાલીઓના ઉગ્ર દેખાવ

ગુજરાત રાજયમાં ફી નિયમન કાયદાનો વિવાદ શમવાનું નામ નથી લેતો. હજુ પણ ઘણા શાળા સંચાલકો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફી ભરવાથી લઇ ઉંચી ફી વસૂલવાનું અસહ્ય દબાણ લાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા સુધીની ધમકી આપવામાં આવી રહી છે. આવા જ શહેરના વધુ સામે આવેલા કિસ્સામાં, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ હાઇસ્કૂલ અને ચાંદખેડાની એચ.બી.કાપડિયા હાઇસ્કૂલમાં વાલીઓએ આજે જોરદાર અને ઉગ્ર દેખાવો યોજયા હતા. વાલીઓએ શાળા સંચાલકો સામે ઉગ્ર દેખાવો યોજી ભારે હોબાળો મચાવ્યો હતો અને આવા શાળા સંચાલકો વિરૂધ્ધ કાયદાનુસાર પગલાં ભરવા ઉગ્ર માંગણી કરી હતી. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ હાઇસ્કૂલમાં તાજેતરમાં રૂ.૧૫ હજારની ફી હાલમાં ફી રેગ્યુલેશન કમીટી દ્વારા નિશ્ચિત કરાઇ હોવાછતાં શાળા સત્તાવાળાઓએ મનસ્વી રીતે એકાએક સીધો જ રૂ.૨૨૦૦નો વધારો ઝીંકી દીધો છે અને વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીપૂર્વક અને મનસ્વી રીતે રૂ.૧૭,૨૦૦ની ફી ઉઘરાવાઇ રહી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. વાલીઓ આજે સવારે દિવ્યપથ હાઇસ્કૂલની બહાર ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેને લઇ દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર એક તબક્કે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આ જ પ્રકારે ચાંદખેડાની એચ.બી.કાપડિયા હાઇસ્કૂલમાં શાળા સંચાલકો દ્વારા તેમની માંગેલી ફી ભરવા દબાણ કરી રહ્યા છે. સંચાલકો દ્વારા વાલીઓને લેખિતમાં ખાતરી આપવા ફરજ પડાય છે કે, તેમની પાસેથી લીધેલી વધારાની રકમ સરકાર જયારે ફીનું આખરી ધોરણ નક્કી કરે તે પછી જ પરત કરાશે. શાળા સંચાલકોના આવા દબાણ અને પ્રવેશ રદ કરવાની ધમકીને લઇ વાલીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એચ.બી.કાપડિયા સ્કૂલ ખાતે પણ આજે વાલીઓએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ઉગ્ર દેખાવો યોજયા હતા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજના દેખાવો અને હોબાળાના કાર્યક્રમો દરમ્યાન મહિલાઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વાલીઓ દ્વારા આવા કસૂરવાર શાળા સંચાલકો વિરૂધ્ધ કાયદાનુસાર પગલાં લેવા પણ સરકાર સમક્ષ માંગણી કરાઇ હતી.

Related posts

અમદાવાદ ઝોનની વધુ ૩૩ શાળાની પ્રોવીઝનલ ફી જાહેર

aapnugujarat

બજેટમાં શ્રેણીબદ્ધ જાહેરાતો : શિક્ષણમાં સુધાર માટે એક લાખ કરોડનો ખર્ચ કરાશે

aapnugujarat

બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે : ગુલેરિયા

editor

Leave a Comment

UA-96247877-1