Aapnu Gujarat
ગુજરાત

૯૮ લાખની ચોરીના કેસમાં ત્રીજા આરોપીનું ખુલેલું નામ

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે મોડી સાંજે સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં હવે વધુ એક આરોપીની સંડોવણી ખુલવા પામી છે. ચાંદખેડાના પુનિત નામના શખ્સની સંડોવણી સામે આવતાં અને તેણે પણ આટલી મોટી ચોરીના ગુનાને અંજામ આપવામાં મદદગારી કરી હોવાની આશંકાને આધારે પોલીસે હવે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ પ્રકરણમાં બીજા નવા સીસીટીવી ફુટેજ પણ કબ્જે કર્યા છે અને તપાસ હાથ ધરી છે. જો કે, હજુ ત્રણ દિવસ વીતી ગયા બાદ અને સીસીટીવી ફુટેજની પ્રાથમિક કડીઓ મેળવવવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી તે પણ એટલી જ વાસ્તવિકતા છે. કેશવાનની રૂ.૯૮ લાખની રોકડરકમની ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા કેશવાનના ડ્રાઇવર સુધીર વાઘેલા સહિત ત્રણ આરોપીઓ હોવાનું હવે ખુલવા પામ્યુ છે. આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાના વતની હતા અને ચાંદખેડાના જનતાનગરમાં મકાન રાખીને સાથે જ રહેતા હતા અને સાથે જ મકાન ખાલી કરી અહીંથી નાસી ગયા છે. પોલીસને પૂરી શંકા છે કે, ત્રણેય જણાંએ ભેગા મળીને જ સમગ્ર ચોરીનું કાવતરૂ ઘડયું હશે અને તેને અંજામ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે મોડી સાંજે સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા એ ડિવીઝનની અધ્યક્ષતામાં ત્રણ જુદી જુદી ટીમો અને શહેર ક્રાઇમબ્રાંચની અલગ-અલગ છ સહિત કુલ દસ જેટલી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ હજુ સુધી પોલીસને આરોપીઓના લોકેશન વિશે કોઇ જ નક્કર માહિતી કે સગડ મળ્યા નથી. પોલીસે રીંગ રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી પૈસા મૂકેલી લોખંડની પેટી અને ગુનામાં વપરાયેલી બાઇકને લઇ તે દિશામાં પણ તપાસનો દોર આંરભી આરોપીઓને પકડવાની કવાયત તેજ કરી છે. બે દિવસ પહેલાં સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઇવર સુધીર વાઘેલા તેના ગનમેન અને અન્ય બે કર્મચારીને ગઇ મોડી સાંજે ચામાં નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી પૈસા ભરેલી પેટી લઇ ફરાર થઇ ગયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાનો રહેવાસી ડ્રાઇવર સુધીર બપોરે ૨-૩૦ વાગ્યે એટીએમમાં પૈસા ભરવા માટે તેના ત્રણ સાથી કર્મચારીઓ ધવલ પાનવાલ, સિધ્ધાંત ચાવડા અને ગનમેન જિતેન્દ્રસિંહ ગુર્જરસિંહ તોમર સાથે નીકળ્યો હતો. સુધીરે કોર્ટયાર્ડ મેરિયોટ હોટલ પાસે કેફી પદાર્થવાળી ચા તેના સાથી કર્મચારીઓને પીવડાવી હતી અને સાંજે સાત વાગતાં તેઓ રાજપથ કલબ પાસે એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ભરવા પહોંચ્યા હતા. પરંતુ કેફી દ્રવ્યની અસર થઇ હોવાના કારણે પેલા ત્રણ સાથી કર્મચારીઓ વાનમાં બેભાન થઇ ગયા હતા. બીજીબાજુ, ડ્રાઇવર સુધીર વાનમાં લોખંડની પેટીમાં રહેલી રોકડ રૂ.૯૮.૧૦ લાખ ચોરી તેના સાગરિતો સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ત્રણેય કર્મચારીઓ ભાનમાં આવતાં તેમને સમગ્ર હકીકતનો ખ્યાલ આવી ગયો હતો, તેમણે તરત જ ૧૦૮ને બોલાવી તબીબી તપાસ કરાવી હતી અને બીજીબાજુ, પોલીસને પણ જાણ કરી દીધી હતી.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ નક્કી

editor

રાહુલનો ગુજરાતનો પ્રવાસ વિસર્જન યાત્રા સાબિત થશે

aapnugujarat

સુરતમાં લોકો રામ ભરોસે ! રેમડેસિવિર નથી તે હોસ્પિટલને પણ ઇન્જેક્શનના અપાઇ ગયા !

editor

Leave a Comment

UA-96247877-1