Aapnu Gujarat
બ્લોગ

અસ્મા જહાંગીર એકલ વીરાંગના

૬૬ વર્ષનાં અસ્મા જહાંગીરે હૃદયરોગના હુમલામાં વિદાય લીધી, તે પહેલાં પાકિસ્તાનના અને દુનિયાભરના કર્મશીલોને દર્શાવી આપ્યું કે વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે કામ ચાલુ રખાય. ખૂનની ધમકીઓ તેમને છાશવારે મળતી, તેમની હત્યાનો એક પ્રયાસ તો અમેરિકાના એક અખબારે ખુલ્લો પાડ્યો હતો. ત્યાર પછી પણ અસ્મા સડકો પર ઊતરતાં અચકાતાં નહીં. રૂઢિચુસ્ત મૂલ્યો, સ્ત્રીવિરોધી કાયદા, સરકારી-લશ્કરી કાર્યવાહીમાં ‘ગુમ’ થઈ જતા પાકિસ્તાની નાગરિકો, બાળમજૂરી, ઈશનિંદા (બ્લાસ્ફેમી)ના કાયદાનો ભોગ બનેલા લોકો… આ બધા માટે અસ્મા જહાંગીરની લડાઈ ચાલુ રહી.અભ્યાસે તો એ વકીલ હતાં. સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં ને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ધાર્યું હોત તો નિરાંતે વકીલાત કરીને એશોઆરામમાં જીવી શક્યાં હોત. પણ તેમણે પીડિતો-વંચિતો-અન્યાયનો ભોગ બનેલા લોકો માટે જીવવાનું નક્કી કર્યું. એ માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવું પદ પણ સહજતાથી જતું કર્યું. અઢળક ભંડોળ મળી ગયા પછી સુંવાળા થઈ જતા સગવડીયા અને વહીવટીયા કર્મશીલો કરતાં અસ્મા ઘણાં જુદાં હતાં. સંઘર્ષ તેમના જીવનકાર્યમાં કેન્દ્રસ્થાને રહ્યો. તેમની ઑફિસ પણ પીડિતો માટેનું આશ્રયસ્થાન બની રહી.તેમને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હતો. ભ્રષ્ટાચારના બહાને લશ્કરી અફસરો ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી દે, તેનાં એ વિરોધી હતાં. એટલે જુદા જુદા પ્રસંગે તેમણે ચૂંટાયેલી સરકારોની બરતરફીની માંગણી કરતા વિપક્ષોને સહકાર ન આપ્યો. તેમને લાગતું હતું કે એમ કરનારા ઇચ્છા-અનિચ્છાએ પાકિસ્તાની લશ્કરની કઠપૂતળી બની રહ્યા છે. કોઈ પાકિસ્તાની સ્ત્રી અમેરિકા-ઇંગ્લેન્ડમાં નહીં, પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાની સત્તાસ્થાનોની છડેચોક ટીકા કરે, તે સ્વાભાવિક રીતે જ ભારતીયોને બહુ ભાવે એવી વાત હતી, પરંતુ અસ્મા જહાંગીરની માનવ અધિકારો સામેની અને માનવતા માટેની નિસબત વૈશ્વિક હતી. એટલે તે કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા થતી કડક લશ્કરી કાર્યવાહીને કે પેલેટ ગનના ઉપયોગ જેવી બાબતોને પણ લાગુ પડતી. આવી કંઈક વાત કરે ત્યારે અસ્મા ઘણા ભારતીયો માટે ‘પાકિસ્તાની એજન્ટ’ બની જતાં હતાં અને બાકીના સમયમાં ઘણા પાકિસ્તાનીઓ તેમને ‘ભારતનાં (કે અમેરિકાનાં) એજન્ટ’ તરીકે ખપાવવાની કોશિશ કરતા. અસ્મા જહાંગીરનું જીવનકાર્ય અને તેમણે વેઠેલી કઠણાઈ ધ્યાનમાં લેતાં એ પણ વિચારવા જેવું છે કે પાકિસ્તાનને ધિક્કારતાં ધિક્કારતાં ભારત-ભારતીયો માનવ અધિકારોના મુદ્દે પાકિસ્તાન જેવા ન બની જાય.ઇતિહાસ એમ કહે છે કે સમાજમાં પરિવર્તનો વ્યક્તિ થકી થયાં છે, સમૂહ થકી નથી થતાં. સમૂહો ચોક્કસ પ્રકારનાં હિતો, માન્યતાઓ અને પરંપરાઓના રક્ષણ માટે રચાતા હોય છે. એમાં જોડાનારી વ્યક્તિ પરંપરાપરસ્તીને કારણે અને સમૂહની વચ્ચે સુરક્ષિત હોય છે. ખોટી પરંપરા સામે કે બીજી કોઈ પણ પ્રકારની અમાનવીયતા સામે અવાજ ઉઠાવનાર અને લડનાર વ્યક્તિ એકલી હોય છે. કેટલીક વાર એવી વ્યક્તિઓની આસપાસ એના દૃષ્ટિકોણમાં માનનારા લોકોનો સમૂહ રચાય છે એ જુદી વાત છે તો કેટલીક વાર એવું પણ બને છે કે એવી એકલી ચાલનારી વ્યક્તિ જીવનભર એકલી જ રહે છે અને સમૂહ નથી રચાતો. અસ્મા જહાંગીર આવાં જીંદગીભર એકલાં રહેનારાં અને હાર્યા વિના એકલાં ચાલનારાં વીરાંગના હતાં. આવા એકલવીરોથી સમૂહ ડરતો હોય છે અને છેવટે એનો પરાજય થાય છે. ઇતિહાસમાં આવાં સેંકડો ઉદાહરણો છે.
અસ્મા જહાંગીરના પિતા મલિક ગુલામ જીલાની સરકારી નોકરી કરતા હતા. નિવૃત્તિ પછી તેમણે પાકિસ્તાનમાંની લશ્કરી સરમુખત્યારી સામે અવાજ ઉઠાવ્યો હતો. ૧૯૬૯-૧૯૭૧નાં વર્ષોમાં પાકિસ્તાનમાં રહીને પૂર્વ પાકિસ્તાનમાંના બંગાળીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો એ કેટલું મોટું પરાક્રમ હતું એની કલ્પના કરી જુઓ. એ સમયે ગણ્યાગાંઠ્યા પાકિસ્તાનીઓ હતા જેઓ બંગાળીઓને મળવા જોઈતા ન્યાયના પડખે ઊભા રહ્યા હતા અને એમાં તેઓ એક હતા. અમેરિકાના વિયેટનામ યુદ્ધ સામે અવાજ ઉઠાવનારા લોકોને અમેરિકામાં બિરદાવવામાં આવે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટર અને બિલ ક્લિન્ટન તેમ જ તેમનાં પત્ની હિલેરી ક્લિન્ટનનું આજે પાંચ દાયકા પછી પણ ગૌરવ કરવામાં આવે છે. બંધારણ દ્વારા સુરક્ષિત અને અદાલતો દ્વારા રક્ષિત માનવઅધિકારોવાળા દેશમાં અવાજ ઉઠાવવો અને જ્યાં બંધારણ અને કાયદાના રાજનું કોઈ ઠેકાણું ન હોય એવા દેશમાં અવાજ ઉઠાવવો એમાં જમીન-આસમાનનો ફરક છે. અસ્માના પિતા આવા મૂલ્યનિષ્ઠ લડવૈયા હતા જેમના સંસ્કાર અસ્માને ગળથૂથીમાં મળ્યા હતા.
અસ્મા વ્યવસાયે વકીલ અને અન્યાય સામે રસ્તા પર ઉતરનારાં ઍક્ટિવિસ્ટ એમ બન્ને હતાં. પાકિસ્તાનની મસ્જિદમાં અને મદરેસાઓમાં જેવાં અને જેવડાં ટોળાં જોવા મળતાં હતાં એમની સામે તેમણે લડવાનું હતું. આ ઉપરાંત આપખુદ અને ભ્રષ્ટ શાસકો પણ ખરા. તેમની લડાઈ મૃત્યુ પર્યંત અવિરત ચાલુ રહી હતી અને ક્યારેય હાર માની નહોતી. એ ટોળાંઓ ઇસ્લામની ભવ્ય પરંપરાની વાત કરતાં હતાં. એ ટોળાઓ વિધર્મીઓ સામે ઇસ્લામ ખતરામાં હોવાની વાતો કરતાં હતાં. એ ટોળાંઓ ઇસ્લામ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદની વાતો કરતાં હતાં. એ ટોળાંઓ ઇસ્લામિક પાકિસ્તાનની વાત કરતાં હતાં. એ ટોળાંઓ વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાયનો તેમ જ અત્યાચારોનો બચાવ કરતાં હતાં. એ ટોળાંઓ સંકુચિત ધાર્મિક રાષ્ટ્રવાદને દેશભક્તિ સાથે જોડીને એને દેશભક્તિના પર્યાય તરીકે રજૂ કરતાં હતાં. એ ટોળાંઓ આમ પાકિસ્તાનીને વિધર્મીઓથી ડરાવતાં હતાં. એ ટોળાંઓ અસ્મા જહાંગીર જેવા ઉદારમતવાદી માનવતાવાદીઓને દેશના દુશ્મન અને ભારતના એજન્ટ તરીકે ઓળખાવતાં હતાં. એ ટોળાંઓ અસ્મા જેવા લોકોને ભારત જતા રહેવાની વણમાગી સલાહ આપતાં હતાં.સુજ્ઞ વાચકને આજના ભારત સાથે સમાનતા નજરે પડે તો તેણે એક નજર આજના પાકિસ્તાન પર કરી લેવી જોઈએ. જો અવાજ બુલંદ નહીં કરીએ તો ભારતની હાલત પણ પાકિસ્તાન જેવી થશે. અસ્મા જહાંગીરોનો હાથ પકડવામાં દેશનું અને માનવજાતનું કલ્યાણ છે. અસ્મા જેવાઓની કોઈ નાગરિકતા હોતી નથી. આવા માનવો વિશ્વમાનવો હોય છે. તેઓ જ્યાં પણ હોય ત્યાં માનવતાના પક્ષે ઊભા રહે છે. રાષ્ટ્રના સીમાડાઓ તેમના માટે ગૌણ હોય છે.
તેમણે ૧૯૮૦માં જનરલ ઝિયા ઉલ હકની આપખુદશાહી સામે લડત ચલાવી હતી. આ એ જ ઝિયા હતા જેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકર અલી ભુત્તોને પદભ્રષ્ટ કરીને ફાંસીએ ચડાવ્યા હતા. એ જ ઝિયા ઉલ હક હતા જેમણે પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરવાદને ખાતર-પાણી આપ્યાં હતાં. ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં આતંકવાદને પોષણ અને આશ્રય બન્ને આપ્યાં હતાં. એ સમયે જો પાકિસ્તાનીઓએ અસ્માઓને સાથ આપ્યો હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત, પરંતુ ત્યારે પાકિસ્તાનીઓને નાગરિકના અધિકાર કરતાં સમૂહની ઓળખ અને રક્ષણમાં વધારે રસ હતો જેમ આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. આમ છતાં અસ્મા જહાંગીરે પોતાની લડત હાર્યા વિના અને ડર્યા વિના ચાલુ રાખી હતી.૧૯૮૩માં અસ્માએ આસિયા બીબીનો કેસ હાથ ધર્યો હતો અને પાકિસ્તાનમાં એક લડાકુ મહિલા વકીલ તરીકે સ્થાપિત થયાં હતાં. જોઈ ન શકતી ૧૩ વરસની આસિયાને તેના હવસખોર માલિકે ગર્ભવતી કરી હતી અને પોતાની ઇજ્જત બચાવવા આસિયાને શરિયતના કાયદા મુજબ બદચલન માટે ઉલ્ટા ચોર કોતવાલ કો દાંટે એમ સજા કરાવી હતી. અસ્માએ બેવડી લડાઈ લડવાની હતી. એક શરિયત સામે અને બીજી એક સ્ત્રીને ન્યાય અપાવવા માટે. અસ્માએ બન્ને લડાઈ જીતી હતી.તેમણે પાકિસ્તાની લશ્કરના સ્થાપિત હિત સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. લશ્કરને અને દેશની સુરક્ષાને પવિત્ર ગાય સમજવામાં આવે છે એટલે એનો દુરુપયોગ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે એક પણ લડાઈ જીતી ન શકનાર પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ લાહોર અને ઇસ્લામાબાદમાં મોટી કોઠીઓ ધરાવે છે, ફાર્મહાઉસના માલિકો છે અને નિવૃત્તિ પછી શસ્ત્રસોદાગરોના એજન્ટો તરીકે કામ કરે છે. પાકિસ્તાનમાં લોકતંત્રનાં મૂળિયાં વિકસે નહીં એમાં તેમનું સ્થાપિત હિત છે.
તેમણે પાકિસ્તાનમાં લઘુમતી કોમને અન્યાય કરનારા અને દ્વિતીય નાગરિકત્વ આપનારા હુદૂદના કાયદા સામે પણ જેહાદ ચલાવી હતી. કુરાનમાં જેને જેહાદ-એ-અકબર (મોટાં મૂલ્યો માટેની જેહાદ) કહેવામાં આવે છે એ જો કોઈ હોય તો એ આ છે.તેઓ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના બાર અસોસિએશનનાં પહેલાં મહિલા અધ્યક્ષ હતાં અને હજી સુધી આ સ્થાન ભોગવનારાં તેઓ એકમાત્ર મહિલા છે.
તેમણે બાર અસોસિએશન દ્વારા પાકિસ્તાન હ્યુમન રાઇટ્‌સ અસોસિએશનની સ્થાપના કરી હતી જે બિનસરકારી સંસ્થા છે અને જે ભારત સરકારના નૅશનલ હ્યુમન રાઇટ્‌સ અસોસિએશન કરતાં વધારે પ્રભાવી કામ કરે છે. તેઓ ૨૦૧૧ સુધી એનાં અધ્યક્ષ હતાં. જનરલ મુશર્રફે પાકિસ્તાન હ્યુમન રાઇટ્‌સ અસોસિએશનને સતાવવાની ભરપૂર કોશિશ કરી હતી જેમાં તેઓ ફાવ્યા નહોતા.તો વાતનો સાર એટલો કે એક વ્યક્તિ અમર બની જાય છે અને ટોળાંઓ વિલન. અંતે વ્યક્તિનો વિજય થાય છે અને ટોળાનો પરાજય.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ અને સંતાપજનક નિરાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1