Aapnu Gujarat
તાજા સમાચાર

આવતીકાલે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી : લોકો ઉત્સાહિત

આવતીકાલે મહાશિવરાત્રિ છે એટલે, દેવાધિદેવ મહાદેવ, ભોળાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મ્ય ધરાવતો દિવસ. વર્ષો બાદ એવો સંયોગ આવ્યો છે કે, મહાશિવરાત્રિ મંગળવારે આવી રહી છે એટલે કે, ભૌમ પ્રદોષે આ વખતે મહાશિવરાત્રિ આવી રહી છે. મંગળવાર એટલે હનુમાનજીનો વાર છે અને હનુમાનજી પોતે પણ શિવજીનો જ અવતાર છે, તેથી આવતીકાલની મહાશિવરાત્રિનું મહત્વ પણ ઘણું વધી જાય છે. આવતીકાલે મહાશિવરાત્રિના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવમંદિરોમાં શિવજીના અભિષેક-બિલીપત્રની પૂજા, આરતીના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.
સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરમાં આવતીકાલે મહાશિવરાત્રિને લઇ ભોળાનાથી વિશેષ પૂજા-આરતી અને મહામૃત્યુંજય યજ્ઞ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. મહાશિવરાત્રિના પર્વને લઇ આવતીકાલે સોમનાથ મહાદેવ ખાતે ભકિતનું ઘોડાપૂર ઉમટશે. આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠશે. સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને લઇ ખાસ કરીને ભકતોને ભોળાનાથના શાંતિથી દર્શન થઇ શકે તે હેતુથી અવિરતપણે ૪૨ કલાક ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો, સોમનાથ મંદિર અને સમગ્ર પરિસરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારી નયનરમ્ય રીતે સુશોભિત કરાયું છે.
સોમનાથ મંદિરના મુકેશભાઇ વઢવાણાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ચાર વાગ્યે સોમનાથ દાદાની ભવ્ય પૂજા-આરતી થશે, ત્યારબાદ સવારે ૬-૦૦ વાગ્યે મહાશિવરાત્રિને લઇ ખાસ મહાપૂજા, સવારે ૭-૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞ, સવારે ૮-૦૦ વાગ્યે મંદિરનો ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે લઘુરૂદ્રના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે ૯-૦૦ વાગ્યે સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકળશે, જેમાં એક યાત્રા મંદિર પરિસરમાં અને એક વેરાવળથી નીકળશે.
બપોરે ૧૨-૦૦ વાગ્યે દાદાની મધ્યાહ્ન આરતી, સાંજે ૪થી ૮-૩૦ સુધી શૃંગારદર્શન, સાંજે ૭-૦૦ વાગ્યે સંધ્યા આરતી ત્યારબાદ મહાશિવરાત્રિને લઇ રાત્રએ ૯-૩૦ વાગ્યે પ્રથમ પ્રહરની આરતી, ૧૨-૩૦ વાગ્યે દ્વિતીય પ્રહરની, રાત્રે ૩-૩૦ વાગ્યે તૃતીય પ્રહર અને વહેલી સવારે ૫-૩૦ વાગ્યે ચતુર્થ પ્રહરની આરતી કરવામાં આવશે. આ જ પ્રકારે આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ શહેરના લોગાર્ડન વિસ્તારમાં આવેલા સમર્થેશ્વર મહાદેવ, સોલારોડ પર આવેલા નીલકંઠ મહાદેવ, સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ, રાયપુર વિસ્તારના ચકલેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડિયા મહાદેવ, ઇશ્વરભુવન પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સેન્ટઝેવિયર્સ લોયલા, મેમનગર પાસેના કામનાથ મહાદેવ, નારણપુરા અંકુર ચાર રસ્તા પાસેના કામેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં ભોળાનાથની પૂજા, આરતી અને અભિષેકના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પ્રાંતિજ પાસેના સુપ્રસિધ્ધ માર્કેન્ડેશ્વર મહાદેવ, ગાંધીનગર સ્થિત કોટેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભોળનાથની વિશેષ પૂજા-આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આવતીકાલે શિવમંદિરોમાં ભોળાનાથના શિવલિંગને જળ અને દૂધ ઉપરાંત, બિલીપત્ર ચઢાવી પંચામૃત અભિષેક કરાશે તો, આવતીકાલે ધનધાન્યાદિનો પણ અભિષેક કરવામાં આવશે. ભોળાનાથ એ દેવોના પણ દેવ છે એટલે તો એ દેવાધિદેવ કહેવાય છે. તેમનું નામ જ ભોળનાથ છે એટલે કે, સ્વભાવના ભોળા હોવાથી ભકતો પર જલ્દીથી પ્રસન્ન થાય છે. આવતીકાલે મહાશિવરાત્રિની સાચા દિલથી પૂજા ભકિત કરનારની ભોળાનાથ અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે અને તેથી જ આવતીકાલનો મહાશિવરાત્રિનો અવસર શ્રધ્ધાળુ ભકતો માટે ભોલેબાબા પાસેથી વરદાન માંગવાનો સોનેરી લ્હાવો છે, મહાશિવરાત્રિની પૂજાનું શાસ્ત્રોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય છે.

Related posts

आजाद और तिलक को देश ने किया याद, प्रधानमंत्री ने दी श्रद्धांजलि

aapnugujarat

Israel can be help increase availability of water in Bundelkhand : Adityanath

aapnugujarat

અમે ભાજપ-આરએસએસની નફરત ફેલાવનારી વિચારધારાને જીતવા દઇશું નહીં : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1