Aapnu Gujarat
ગુજરાત

ઈ મેમોથી આવક ઘટતાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પણ મેમો ફાડશે

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ઈ-મેમો દ્વારા જ દંડ ફટકારવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવાના કારણે ટ્રાફિક પોલીસે સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી બંધ કરી દીધી હતી, અને તેના બદલે પોલીસ માત્ર લોકોના ફોટા પાડી તેમને ઈ-મેમો મોકલતી હતી. જોકે, ૧ જાન્યુઆરીથી ટ્રાફિક પોલીસને પણ સ્થળ પર દંડ વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઠેરઠેર કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, અને તેના આધારે ટ્રાફિકનો નિયમ તોડતા લોકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. આ ઉપરાંત, પોલીસ પણ આવા લોકોના ફોટા પોતાના મોબાઈલમાં લઈ ઈ-મેમો મોકલવાની કામગીરી કરે છે. જોકે, અત્યાર સુધી લાખો ઈ-મેમોનો દંડ ભરવા હજુ સુધી કોઈ આવ્યું જ નથી. જેથી પોલીસની દંડની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ-મેમો ન ભરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે, પરંતુ તેને ન ભરનારા લોકોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. વળી, ઘણા કિસ્સામાં તો વાહન કોઈ અલગ સરનામે નોંધાયેલું હોય છે, અને તેનો માલિક કોઈ બીજી જ જગ્યાએ રહેતો હોય છે, તેવામાં વાહન માલિક સુધી પહોંચતા પોલીસ પણ હાંફી જાય છે. તેવામાં હવે ફરી ટ્રાફિક પોલીસે જુની પદ્ધતિથી દંડ લેવાનું શરુ કર્યું છે. હાલ અમદાવાદમાં અનેક જગ્યાએ નવા કેમેરા પણ ઈન્સ્ટોલ કરાઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ નિયમનો ભંગ કરનારા લોકોને ઈ-મેમો તો મોકલશે જ, સાથે જ હવે સ્થળ પર પણ દંડ વસૂલશે, જેથી લોકોમાં પોલીસનો ડર પણ જળવાઈ રહે. અત્યાર સુધી અનેક કિસ્સામાં પોલીસ પાસેથી દંડ વસૂલવાની સત્તા જ લઈ લેવાતા પોલીસ પોતે જ લાચાર સ્થિતિમાં મૂકાઈ જતી હતી. સ્થળ પર દંડ ન વસૂલવાનો આદેશ આપવા પાછળ એક તર્ક એ પણ હતો કે, પોલીસ મેમા ફાડવાની કામગીરીમાં વ્યસ્ત રહેવાને બદલે ટ્રાફિકના મેનેજમેન્ટ પર ધ્યાન આપે અને ટ્રાફિક સ્મૂધલી ચાલતો રહે. જોકે, મેમો ફાડવાની સત્તા જતી રહેતા પોલીસે પણ જાણે ટ્રાફિક મેનેજ કરવા પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું, અને લોકો પણ પોલીસને ગાંઠતા નહોતા.

Related posts

નર્મદાના સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગતા ઉપરવાસના લોકોની વધી મુશ્કેલી

aapnugujarat

હિંમતનગર ખાતે હર્ષોલ્લાસથી મોહરમની ઉજવણી કરાઈ

aapnugujarat

ડુંગળી, લસણ અને બટાકાના ભાવ ગગડતા ખેડૂતોને વાવણીનો ખર્ચ માથે પડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1