Aapnu Gujarat
Uncategorized

મા નર્મદા મહોત્સવ યાત્રાનો મુખ્યમંત્રીનાં હસ્તે સુરેન્દ્રનગરથી આરંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા મહોત્સવ યાત્રાનો સુરેન્દ્રનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. મા નર્મદાના જળને વધાવવા માટે રાજ્યના તમામ ગામડાંઓને આવરી લેતી આ નર્મદાયાત્રા તા. ૬ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગામડે ગામડે ફરી નાગરિકોને નર્મદાજળની નર્મદાજળની વધામણી આપશે અને તેનું મહત્વ સમજાવી પાણીના ટીપે ટીપાની બચત કરવાનો સંદેશો રાજ્યની જનતાને આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, તા. ૧૬ જુને નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. ખેતરે ખેતરે પહોંચેલા નર્મદાના પાણીથી રાજ્યનો ખેડુત વિકાસમાં અગ્રેસર બની શકશે. ગુજરાત હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેશે એવો વિશ્વાસ પણ રુપાણીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. સૌની યોજનાની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આ યોજનાનો સૌથી વધુ રૂપિયા ૨૨૦૦ કરોડનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને થયો છે, જિલ્લાનો ખેડુત વર્ષમાં ત્રણ પાક લઈ શકશે અને પ્રત્યેક ગામડાં વધુને વધુ સમુદ્ધ થશે.
મુખ્યમંત્રીએ નર્મદા ડેમના નિર્માણની તવારિખી વિગતો આપી જણાવ્યુ હતું કે, નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી વધારાનું પોણા ચાર ગણું પાણી સંગ્રહ કરી શકાશે, જેનાથી સમગ્ર ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલશે. સૌની યોજનાથી જ ઢાંકી પપીંગ સ્ટેશન તથા ધોળી ધજા ડેમમાં નર્મદાના નીર પહોંચી શક્યા છે એવી મુખ્યમંત્રીની જાહેરાતને ઉપસ્થિત જનસમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. નર્મદા યોજનાનો વિરોધ કરતા વિપક્ષની મુખ્યમંત્રી રૂપાણીએ ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને તેમની બેધારી નિતી સામે વડાપ્રધાન મોદીની શાંત પણ મકકમ નીતિની સરાહના થકી રાજયને મળેલા નર્મદા નીર માટે વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નર્મદા યોજનાનો પાયો નંખાયો ત્યારથી ૧૯૯૫માં ભાજપાને સત્તા સુકાન મળ્યું ત્યાં સુધી સત્તા સંભાળનારા પૂર્વ શાસકોએ માત્રને માત્ર ગુજરાત વિકાસ વિરોધી માનસિકતાથી યેનકેન પ્રકારે વિલંબમાં પાડી હતી તેમ પણ તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ૨૦૧૪માં શરૂ કરેલી સૌની યોજના ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ દોહરાવી હતી. મુખ્યમંત્રીએ રાજયના નાગરિકોને જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા રાજયના તમામ રસ્તાઓ ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવશે, જેથી જનજીવન પૂર્વવત ધબકતું થઈ શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગરથી પ્રસ્થાન કરાવેલી નર્મદા મહોત્સવ યાત્રાનું રાજયના ગામે ગામ ફરીને ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં તેમના જન્મ દિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરે ડભોઈ ખાતે સમાપન થશે. આ યાત્રા દરમ્યાન નર્મદાનીરના પૂજન અર્ચન કરી નર્મદા જળના સમજપૂર્વકના કરકસરયુક્ત ઉપયોગ માટે સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીનું સુરેન્દ્રનગરના ધારાસભ્યો તથા સંસદસભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ધાર્મિક સંતો તથા પ્રતિષ્ઠિત નાગરિકોએ ફુલોના વિશાળ હાર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

Related posts

ગીરના તમામ સિંહનું સેંકડો કર્મચારી થયેલ દ્વારા સ્ક્રીનિંગ

aapnugujarat

મોરબી આવતી ડેમુ ટ્રેનની અચાનક બ્રેક ફેઇલ, ડ્રાઇવરે મહામુસીબતે થોભાવી

aapnugujarat

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1