Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક.માં અરાજકતાથી સાઉદી અરબ, યુએઈ અને ચીન ચિંતિત

પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને સેના આમને સામને આવી ગયા બાદ સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે સાઉદી અરબ, યુએઈ અને ચીન જેવા દેશોના પેટમાં ફાળ પડી છે.
પાકિસ્તાનમાં સર્જાયેલી કટોકટીને ઉકેલવા માટે હવે આ ત્રણે દેશો ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે. મળતી વિગતો અનુસાર પાકિસ્તાની સેનાના ચીફ આસીમ મુનીરને ફોન કરીને યુએઈના રાષ્ટ્રપતિ મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી પણ આર્મી ચીફે આ ઓફર ફગાવી દીધી છે. હવે સાઉદી અરબના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પોતાના વિશેષ દૂત તરીકે ડેપ્યુટી હોમ મિનિસ્ટર ડોક્ટર નસીર બિન અબ્દુલ અઝીઝને પાકિસ્તાન મોકલ્યા છે.
પાકિસ્તાની સરકારનો દાવો છે કે, સાઉદીના દૂત રોડ ટુ મક્કા પ્રોજેક્ટના કરાર માટે આવ્યા છે. જેનાથી હજ યાત્રા આસાન બનશે. જોકે પાકિસ્તાનના વિશ્લેષકોનો દાવો છે કે, સાઉદી પ્રિન્સે આ દૂતને સેના તેમજ ઈમરાન ખાન વચ્ચેના વિવાદને શાંત કરવા માટે મોકલ્યા છે. સાઉદી અરબે પાકિસ્તાનને મોટા પાયે લોન આપી છે અને તેના કારણે પાકિસ્તાનની રાજનીતિ પર સાઉદી અરબનો ખાસો એવો પ્રભાવ છે.
બીજી તરફ ચીન પણ પાકિસ્તાનમાં ચાલી રહેલા ઘમાસાણના કારણે ગભરાયુ છે. ચીનને પાકિસ્તાનમાં અસ્થિરતા પોસાય તેમ નથી. અને તેના કારણે ચીને પાકિસ્તાનમાં બની રહેલી ઘટનાઓનુ પોતાના દેશમાં પ્રસારણ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાનને લગતા હેશટેગ પર બેન મુકવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીનના નાગરિકોને પણ ચીનની સરકારે સાવધ રહેવા માટે સૂચના આપી દીધી છે.
પાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડ બાદ થયેલી હિંસા અને આર્મીને ઈમરાનના સમર્થકોએ ટાર્ગેટ કર્યા બાદ હવે પાક સેનાએ ઈમરાન ખાન અને તેમના સમર્થકો સામે ઓફિશિયલ સિક્રેટ એકટ અને આર્મી એકટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી છે. જેના કારણે પાકિસ્તાનમાં સ્થિતિ વધારે વણસી શકે છે.

Related posts

જર્મનીમાં ચર્ચમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરતાં 6 લોકોનાં મોત

aapnugujarat

અમેરિકા ફરી ઇરાન પર પ્રતિબંધ લાદવાની તૈયારીમાં

editor

સાઉદી અરબે લાદયો ભારતીયો પર માથા દીઠ માસિક વેરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1