Aapnu Gujarat
ગુજરાત

કોઇની પાછળ શક્તિ વેડફવાને બદલે લક્ષ્ય પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જોઇએ

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબરઃ- 9824856247

        એ વહેલી સવારનો સમય હતો અને નગરના તમામ મંદિરોમાં આરતી થઇ રહી હતી. નાના બાળકો શાળામાં જવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે સૌની સાથે પરીવારની લાડલી મુગ્ધા પણ તૈયાર થઇ રહી હતી. મગ્ધાને આજે શાળામાં જવાની ઇચ્છા ન હોવાથી માતાને કહ્યુ કે, મમ્મી મારે રોજ શાળામાં કેમ જવાનું? અઠવાડીયામાં ત્રણ રજા તો હોવી જોઇએ ને? માતાએ કહ્યુ કે, બેટા શાળા આપણા નિયમોથી ન ચાલે, રવિવારની રજા અને વર્ષમાં બે વેકેશન તો હોય છે. અત્યારે વધારાની રજા નહી મળે. તું મન લગાવીને અભ્યાસ કરને બીજી બધી ચિંતા કરવાની છોડ અને શાળામાં જા. માતા અને દિકરી વચ્ચે લાબો સંવાદ ચાલે છે અને આખરે માતાની શીખામણ મુગ્ધા માની ગઇ. પછી તો મુગ્ધા મન લગાવીને ભણી અને ધોરણ બાર સુધી તમામ પરીક્ષાઓમાં પ્રથમ આવી. કોલેજમાં અભ્યાસ કરવાની મુગ્ધાની બહુ ઇચ્છા ન હતી પરંતુ પિતાના કહેવાથી મુગ્ધા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મુગ્ધા કોલેજના વિદ્યાર્થીઓ કરતા ઘણુ આગળ વિચારતી અને અભ્યાસ ઉપરાંત લોકોને પોઝીટીવ જીવન જીવતા શીખવતી. વીસ વર્ષની યુવતી જ્યારે મોટી ઉંમરના લોકોને પણ જીંદગી કેવી રીતે જીવવી જોઇએ તે અંગે સમજ આપતી ત્યારે સૌ કોઇ મંત્ર મુગ્ધ બની જતા અને મુગ્ધાને સાંભળ્યા જ કરતા. મુગ્ધા પણ કોઇને મોર્ગદર્શન આપવામાં થાકતી નહી અને તેને જે યોગ્ય લાગે તે સલાહ આપ્યા કરતી. કોલેજના જીવનમાં મુગ્ધાના સંપર્કમાં અનેક યુવક યુવતીઓ આવ્યા. જેમાંથી કેટલાક યુવક યુવતીઓ મુગ્ધાના મિત્ર બન્યાને કોલેજ પછી પણ આ મિત્રતા અકબંધ રહી.
        કોલેજનો અભ્યાસ પુર્ણ થયા પછી મુગ્ધાએ થોડા મહિનાઓ સુધી ઘરે જ રહીને પરીવાર સાથે સમય પસાર કર્યો. પરંતુ સાવ નવરા બેસી રહેવાનું મુગ્ધાને ન ગમ્યુ અને મુગ્ધાએ પરીવારની મંજુરીથી મોટીવેશનલ ક્લાસ શરૂ કર્યા. થોડા દિવસમાં જ મુગ્ધાના ક્લાસીસમાં અનેક લોકો આવવા લાગ્યા અને મુગ્ધાની પ્રેરણાથી પોઝીટીવ વિચારવાળા બનીને ખુશીથી જીંદગી જીવવા લાગ્યા. હવે મુગ્ધા મોટીવેશનલ ક્લાસમાં જ લોકોનું કાઉન્સિલીંગ કરવા લાગી અને ખાસ કરીને પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવક યુવતીઓને મુગ્ધા શાંત ચિત્તથી સાંભળવા લાગી. મુગ્ધા પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવક યુવતિઓને સમજાવાતી કે કોલેજની ઉંમરમાં થયેલા દરેક પ્રેમમાં ખરેખર પ્રેમ હોતો નથી, ઘણી વખત એ ફક્ત આકર્ષણ જ હોય છે. પ્રેમમાં મળેલી નિષ્ફળતાએ જીવનના દરેક તબક્કે નિષ્ફળતા અપાવશે એવુ નથી. મુગ્ધાના કાઉન્સિલીંગ પછી ઘણા યુવક યુવતિઓ પોઝીટીવ થીંકીંગ સાથે જીંદગી જીવવા લાગ્યા અને લગ્ન કરીને સુખી પણ થયા. મુગ્ધા પાસે કાઉન્સિલીંગમાં આવતો આવો જ એક યુવક એટલે દર્શન. પ્રેમમાં એક વખત નિષ્ફળ ગયા પછી દર્શન ખુબ દુઃખી રહેતો અને દરેક યુવતીને બેવફા સમજવા લાગ્યો. દર્શન કોઇ પણ યુવતિ પર વિશ્વાસ નથી કરતો અને દરેકને ધિક્કારવા લાગ્યો. દર્શને મુગ્ધાને પણ કહી દિધુ કે, તમે પણ આ બધી યુવતી જેવા જ મને તો સ્વાર્થી લાગ્યા. પહેલી વખત મુગ્ધાને કોઇએ સ્વાર્થી કહી અને કાઉન્સિલીંગ માટે આવેલો દર્શન વધારે બોલવા લાગ્યો.
 
“તારામાં ખુબ જ શક્તિઓ રહેલી હોય તેમ લાગી રહ્યુ છે અને અત્યારે તારી શક્તિઓ અનિયંત્રીત હોય તેમ લાગી રહ્યુ છે.” આટલુ મુગ્ધા બોલી
 
ત્યા તો વચ્ચેથી વાત કાપીને દર્શન બોલ્યો “મારી શક્તિઓને હજુ સુધી તો કોઇ ઓળખી શક્યુ નથી અને કોઇ યુવતીમાં એવી શક્તિ નથી કે મને ઓળખી પણ શકે”
 
 “હા એ વાત તારી સાચી છે કે તને ઓળખવો અને સમજવો બહુ અઘરો છે. પરંતુ મને લાગી રહ્યુ છે કે તું વ્યક્તિ તો સારો છે”
 
“હું કેવો છુ તે મને એકલાને જ ખબર છે. તમારે મને કોઇ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. તમે તમારૂ કામ કરો ને હું મારુ કામ કરતો રહીશ”
 
“હું મારૂ કામ જ કરી રહી છુ. તમને સાચી સલાહ આપવનું મારૂ કામ છે. જો આપને મારી સલાહ પસંદ ન હોય તો હું આપને કોઇ સલાહ નહી આપુ. મહેરબાની કરીને મારી ક્લાસમાં હવે તમે ન આવતા” તેમ મુગ્ધાએ કહ્યુ.
 
“તમે તો નારાજ થઇ ગયા હોય તેમ લાગી રહ્યુ છે. આપના ચહેરા પર ગુસ્સે શોભતો નથી. થોડા શાંત થાવને મારી સમસ્યાનું સમાધાન મને જણાવો” તેમ દર્શને વિનંતી કરતા કહ્યુ.
 
        મુગ્ધાએ મોટીવેશનલ ક્લાસમાં આવવાની સ્પષ્ટ ના પાડી દેતા હવે દર્શન વિનંતી કરવા લાગ્યો. દર્શનને પોતાની ભુલ સમજાઇ ગઇ હોવાથી તેણે મુગ્ધા સાથે કરેલા વ્યવહાર અંગે માફી પણ માગી. મુગ્ધાએ મોટુ મન રાખીને દર્શનને માફ કરી દીધો. હવે કોઇ પણ નિર્ણય કરતા પહેલા દર્શન એક વખત તો મુગ્ધાની સલાહ અવશ્ય લેવા લાગ્યો. એક વખતના પ્રેમમાં મળેલી નિષ્ફળતા બાદ મુગ્ધાના સતત કાઉન્સિલીંગના કારણે દર્શનનો યુવતિઓ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાઇ ગયો અને યુવતિઓ પ્રત્યેનો દર્શનનો દ્વેશ સમાપ્ત થઇ ગયો. દર્શન હવે યુવતિઓ સામે પણ પ્રેમાળ નજરથી જોવા લાગ્યો. મુગ્ધા સાથે સતત રહેવા તથા સંવાદના કારણે દર્શનના મનમાં પ્રેમના અંકુર ફુટવા લાગ્યા. દર્શનના વ્યવહારમાં આવેલા પરિવર્તનને મુગ્ધા સમજી ગઇ અને દર્શનને ફરીથી પ્રેમમાં ન પડવાની સલાહ આપી. દર્શનને મુગ્ધાને સમજાવતા કહ્યુ કે, હું ક્યા કહુ છું કે તમે પણ મને પ્રેમ કરજો પરંતુ મને પ્રેમ કરતો ન અટકાવશો. તમે જ મારી જીંદગી સુધારી છે અને તમે જ મારા પ્રેરણાસ્ત્રોત છો. હવે હું તમારા સિવાય કોઇને પ્રેમ નથી કરી શકતો. જો તમે પણ મને પ્રેમ કરવાની ના પાડશો તો હું ફરીથી પહેલાના જેવો જ બની જઇશ અને તેના માટે હું નહિ પરંતુ તમે જ જવાબદાર રહેશો. શું તમે ઇચ્છો છો કે મારી જીંદગીમાં ફરીથી આપત્તિઓ આવે? મારી જીંદગીનો નિર્ણય હવે આપના હાથમાં છે. મને મારવો કે તારવો એ તમારે નક્કી કરવાનું છે.
 
“મને તારામાં એક શ્રેષ્ઠ મિત્ર દેખાય છે, તારી મૈત્રી પણ મને પસંદ છે પરંતુ એનો અર્થ એવો નથી કે હું તને પ્રેમ કરૂ છુ. તું સમજદાર છુ એટલે કહુ છુ કે મને પ્રેમ ન કરીશ. જો તું પ્રેમનું આવુ નાટક કરીશ તો આપણી વચ્ચે મિત્રતા પણ નહી રહે. કોઇની પાછળ શક્તિ વેડફવાને બદલે લક્ષ્ય પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જોઇએ. તારે મારી પાછળ પણ તારો સમય ન વેડફવો જોઇએ અને જીવનમાં ઉચ્ચત્તમ લક્ષ્ય નક્કી કરીને તેની પ્રાપ્તી માટે પ્રયત્ન કર તો હું વધારે ખુશ થઇશ” તેમ મુગ્ધાએ કહ્યુ.
 
“હું આપણી મૈત્રી તુટવા નહી દવ અને ફરીથી ક્યારેય પ્રેમની વાત નહી કરૂ. આજે હું દ્રઢ સંકલ્પ કરૂ છુ કે આગામી ત્રણ વર્ષમાં હું લગ્ન કરીને પરીવાર સાથે વૈભવી જીવન જીવતો હોઇશ અને હું મારા પરીવારને પ્રાધાન્ય આપીશ” તેમ દર્શને કહ્યુ.
        આ દિવસ પછી દર્શનને તમામ યુવતિઓ સાથેના સબંધો ઓછા કરી નાખ્યા અને લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી દર્શન સખત મહેનત કરીને થોડા મહિનાઓમાં જ આર્થિક રીતે સમૃધ્ધ થઇ ગયો. ત્રણ વર્ષ પછી જ્યારે દર્શન મુગ્ધાને મળ્યો ત્યારે કહ્યુ કે, આજે હું જે પણ છુ તે આપના કારણે છું. મને મિત્રની સાચી સલાહ કામ આવીને મારૂ જીવન બદલાઇ ગયુ. મુગ્ધાએ કહ્યુ કે, મે તારી શક્તિઓ ઓળખીને ફક્ત દિશા આપી હતી, બાકી શક્તિઓ તો તરામાં અપાર હતી જ. દર્શને કહ્યુ કે, મુગ્ધા જેવી એક મિત્ર જો દરેકના જીવનમાં હોય તો ક્યારેય કોઇ દુઃખી નહી થાય. (પ્રતિકાત્મક તસવીરઃ- દર્શના હિતેશ પટેલ, અમદાવાદ)

Related posts

શ્રાવણના સોમવારે સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ

aapnugujarat

मुख्यमंत्री विजय रुपाणी ने १००० की कीमत पर टेब्लेट वितरण का आरंभ कराया

aapnugujarat

सोशल मीडिया पर फर्जी अकाउंट बनाकर, दोस्त को बदनाम करने वाली महिला गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1