Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસના નેતાઓને તેમના મતવિસ્તારમાં જનમત નહીં

લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ અને એનડીએ માટે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક રહ્યા તો, કોંગ્રેસ માટે બહુ ખતરનાક આઘાત સમાન બની રહ્યા . ખાસ કરીને ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભગવો લહેરાતાં કોંગ્રેસની હાલત તો બહુ કફોડી બની ગઇ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ હારની સાથે પોતાના જ મત વિસ્તારમાંથી જ જનમત નહી મળતાં ધાનાણી સહિત કોંગ્રેસના અનેક મોટા માથાઓ વધેરાઇ ગયા હતા. ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના મતવિસ્તાર આંકલાવમાં પણ ભાજપને જંગી લીડ મળી હતી એટલે કે, ભાજપે કોંગ્રેસના મતવિસ્તારમાંથી પણ બહુ પ્લાનીંગ અને સિફતતાપૂર્વક મતો આંચકી લીધા હતા. લોકસભા ચૂંટણીના પરિણામોના આઘાતમાંથી બહાર આવતાં કોંગ્રેસને ઘણો સમય લાગી જશે એમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે. વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીતનારા ધારાસભ્યો પણ આ વખતે તેમના મતવિસ્તારોમાં કોંગ્રેસને મત અપાવવામાં સફળ રહ્યા નથી. ભાજપના લોકસભા ઉમેદવાર તેમના મત વિસ્તારોમાં જંગી લીડ મેળવી હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને બોલકા નેતા માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં તેઓ જીતતા આવ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેમનું પાણી મપાઈ ગયું હતું. અમરેલીમાંથી વિધાનસભા જીતી હોવા છતાં લોકસભામાં તેમના જ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારે તેમની પર ૨૦ હજારથી વધુ મતે લીડ મેળવી હતી. તો, લલિત કગથરા માટે લોકસભા ચૂંટણી દરમિયાન અકસ્માતમાં પુત્રનું મોત નીપજતાં હિંમત હારી ગયા હતા. રાજકોટ બેઠક પર ચૂંટણીમાં ઝંપલાવીને જંગી લીડથી હારી ગયા હતા. ત્યારે તેમના મત વિસ્તાર ટંકારામાં ૧૬ હજારથી વધારે મતની લીડ ભાજપના ઉમેદવારે આપી હતી તેવી સ્થિતિમાં તેમનું પણ મતવિસ્તારમાં જનાધાર ગુમાવ્યો હોવાનું પરિણામ સામે આવ્યું હતું. પોરબંદર સીટ પરથી ચૂંટણી લડીને પ્રમોશન લેવા નીકળેલા હાર્દિક પટેલના સાથીને પોરબંદર સીટ પર ભાજપની ઉમેદવાર સામે કારમી હારનો સામનો કરવો પડ્‌યો હતો. પોરબંદર લોકસભાનો જોરશોરથી પ્રસાર કરવા છતાં તેમના મત વિસ્તાર ધોરાજી-ઉપલેટાના મતદારોએ નકારીને ભાજપના ઉમેદવારને ચાર હજારની લીડ આપી હતી. રાદડીયા પરિવારની ગેરહાજરીમાં પોરબંદર સીટ પર પહેલીવાર કોઈ ઉમેદવાર જીત્યો છે. જૂનાગઢ બેઠકના પૂંજા વંશે જનાધાર ગુમાવી દીધો હતો. ભાજપના ઉમેદવાર સામે તેમના જ મતવિસ્તાર ઉનામાં ૨૯ હજાર મતોથી પાછળ રહ્યા હતા. કોંગ્રેસને આ બેઠક પરથી બહુ અપેક્ષા હતી. ગાંધી પરિવારનો ઇતિહાસ રહ્યો છે કે વલસાડ બેઠક જીતે તો કોંગ્રેસની દિલ્હીમાં સરકાર બને છે. ત્યારે કપરાડાના ધારાસભ્યને ઉતાર્યા હતા. પરંતુ મોદી લહેરમાં બધું સુનામીમાં ધોવાઇ ગયું હતું. અહીં કોંગ્રેસના જીતુ ચૌધરીની જંગી હાર થઈ હતી. તેમના મતવિસ્તાર કપરાડામાં પણ લોકોએ તેમને જાકારો આપ્યો હતો. ગાંધીનગર ઉત્તરથી ધારાસભ્ય એવા સી.જે.ચાવડાનો પણ જંગી અંતરથી હારવાનો ઈતિહાસ રચાયો છે. ભાજપના શહેનશાહ અમિત શાહ સામે હારવામાં ચાવડાનો મતવિસ્તાર પણ બાકાત રહ્યો ન હતો. ચાવડાને તેમના મતવિસ્તારમાં ૩૦ હજાર મત ઓછા મળ્યા હતા. સોમા પટેલની સુરેન્દ્રનગર બેઠક પર કારમી હાર થઈ હતી. તેમના મતવિસ્તાર લીંબડીમાં તેમને પ્રતિસ્પર્ધી ઉમેદવારને ૩૧ હજારની લીડ મળી હતી. આમ, કોંગ્રેસના નેતાઓને તેમના જ મતવિસ્તારમાંથી જનસમર્થન નહી સાંપડતાં પરિણામો અણધાર્યા આવ્યા હતા, કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

Related posts

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર : ત્રણનાં મોત

aapnugujarat

ગુજરાતનું દેવું વધીને અધધ…૨,૬૭,૬૫૦ કરોડ થયું

editor

બીટકોઈન કેસ : નલિન કોટડિયાની ધરપકડ માટે કોર્ટમાં કરાયેલ અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1