Aapnu Gujarat
ગુજરાત

ખંડણીખોર શિવા મહાલિંગમ્‌ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો

કુખ્યાત ખંડણીખોર શિવા મહાલિંગમ્‌ને શહેર ક્રાઇમબ્રાંચે આજે ઝડપી લીધો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરાના બિલ્ડરને ફોન કરી પહેલા રૂ.૫૦ લાખ અને બાદમાં રૂ.બે કરોડની ખંડણી માંગનાર કુખ્યાત આરોપી શિવા મહાલિંગમની ધરપકડ બતાવી હતી. જો કે, શિવા મહાલિંગમ્‌ આટલી સરળતાથી કેવી રીતે ક્રાઇમબ્રાંચને હાથ લાગ્યો તેને લઇને પણ અનેક અટકળો અને ચર્ચા શરૂ થયા છે. એક ચર્ચા મુજબ, આરોપી શિવાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાજર કરાવ્યો છે. શિવા મહાલિંગમે બિલ્ડરને આપેલી ધમકીની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં શિવા મહાલિંગમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રન, અન્ય અધિકારી રોજીયા તેમજ ડામોરનું નામ લે છે. જેમાં શિવા બિલ્ડરને કહે છે કે આ લોકો પાસે જાવ તો પણ તમારે પૈસા તો આપવા જ પડશે. આ પ્રકારની ક્લિપ આવતા જ ક્રાઈમ બ્રાન્ચે શિવાના વચેટિયા સાથે સંપર્ક કરી અને તેને હાજર કરવાની ગોઠવણ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે. બીજીબાજુ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી ગોહિલના જણાવ્યા મુજબ, આરોપી શિવા મહાલિંગમ જુહાપુરામાં કીટલીવાળાની હત્યામાં સાબરમતી જેલમાં હતો, ત્યારે છેતરપિંડીના ગુનામાં આરોપી તલ્લાહ મન્સૂરી સાથે મિત્રતા થઈ હતી. તેના મિત્ર સજ્જુએ તેના અબજોપતિ કાકા છેતરપિંડીના કેસમાં ફસાવ્યો હતો. સજ્જુ પાસે બહુ પૈસા હોઇ તેને ફોન કરી ધમકી આપી, ખંડણી માંગવાનો જેલમાં પ્લાન બનાવ્યો હતો અને પેરોલ પર છૂટી ધમકી આપી હતી. ગત તા. ૧૨ ડિસેમ્બર,૨૦૧૮ના રોજ શિવા સાત દિવસના પેરોલ પર છૂટ્યો અને બાદમાં હાજર થયો ન હતો. તે પત્ની અને બાળકોને લઈ અંકલેશ્વરમાં રહેતો હતો. મધ્યપ્રદેશના ધાર ખાતેથી એક પિસ્તોલ અને ચાર કારતુસ લાવ્યો હતો, જેને કબ્જે કરવામાં આવ્યા છે. દરમ્યાન શિવા મહાલિંગમે અમદાવાદના જુહાપુરાના બિલ્ડર પાસેથી ગત મહિને રૂ.૫૦ લાખની ખંડણી માંગી હતી. જેને પગલે બિલ્ડરે વેજલપુર પોલીસમાં ફરિયાદ કર્યા બાદ શિવાએ ફરી બિલ્ડર પાસે રૂ.૨ કરોડની ખંડણી માંગી હતી. ૧૨ દિવસ અગાઉ શિવા મહાલિંમગનો ફરિયાદી બિલ્ડર ઇસ્માઇલ શેખને ફરી ફોન આવ્યો, જેમાં શિવા મહાલિંગમે કહ્યું કે, પોલીસમાં ફરિયાદ કરી છે, એટલે હવે રૂ.૨ કરોડની ખંડણી આપવાની રહેશે અને કોઈપણ પોલીસ અધિકારી પાસે જઇશ તો પણ પૈસા તો આપવા જ પડશે, તેવી ધમકી આપી હતી. જેની ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે. જેમાં અયુબ નામનો શખ્સ શિવા મહાલિંગમનું પોલીસ અધિકારીઓથી લઈ દરેક જગ્યાએ પાવરફૂલ નેટવર્ક હોવાનું કહે છે. શિવા મહાલિંગમ વચેટિયા દ્વારા ફરિયાદી પાસે પૈસા મંગાવી રહ્યો હોવાનું ઓડિયો ક્લિપ પરથી ફલિત થઈ રહ્યું છે. ઓડિયો ક્લિપમાં કોઈ સામાન લાવીને વેચવાની વાત છે. તેમાં પણ પોલીસ નાનો સામાન લાવવાનું કહે છે, મોટો નહીં એટલે આ કયા સામાન લાવવાની વાત કરે છે એ પણ તપાસનો વિષય બન્યો છે. જો કે, હાલ તો વાયરલ થયેલી ઓડિયો કલીપને લઇ ભારે ચર્ચા ચાલી છે.

Related posts

પૈસાના બદલામાં કિશોરી

aapnugujarat

ગુજરાતનું દેવું વધીને અધધ…૨,૬૭,૬૫૦ કરોડ થયું

editor

રૂપાણી સરકારને ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો

editor

Leave a Comment

UA-96247877-1