Aapnu Gujarat
ગુજરાત

પત્નીના ત્રાસથી કંટાળી રેલ્વે કર્મચારીએ આત્મહત્યા કરી

શહેરના ગોમતીપુર વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે સંબંધ નહી રાખવા ભયંકર માનસિક ત્રાસ આપનાર પત્નીના દબાણ અને હઠાગ્રહથી કંટાળેલા એક રેલ્વે કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, પત્નીના ત્રાસથી પોતાનો પુત્ર ગુમાવનારા પિતાએ પોતાની પૂત્રવધુ ગુડિયાદેવી વિરૂદ્ધ ગોમતીપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બિહારના ભલાર ગામમાં રહેતા અનિલકુમાર સીંગનો પુત્ર અંજનીકુમાર છેલ્લા પાંચ વર્ષથી રેલ્વેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતો હતો અને ગોમતીપુર રેલ્વે કોલોની ખાતે રહેતો હતો. પાંચ વર્ષ પહેલાં અંજનીકુમારના લગ્ન બિહારમાં રહેતી ગુડિયાદેવી સાથે થયા હતા. અંજનીકુમાર, તેની પત્ની ગુડિયાદેવી અને અઢી વર્ષનો તેમનો પુત્ર બધા ગોમતીપુર રેલ્વે કોલોની ખાતે રહેતા હતા. ૨૦૧૭માં ગુડિયાદેવીએ ખોખરા પોલીસમથકમાં તેના પતિ અંજનીકુમાર વિરૂધ્ધ મારઝુડ અને ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળની ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ, અંજનીકુમારે પણ તેની પત્ની અને અન્ય વ્યકિતઓ સામે બિહારના થાણા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સમાજના આગેવાનોએ તેમના બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જો કે, એ પછી પણ ગુડિયાદેવી અને અંજનીકુમાર વચ્ચે ઝઘડા ચાલુ રહ્યા હતા. ગુડિયાદેવી તેના પતિ અંજનીકુમારને તેના માતા-પિતા સાથે કોઇપણ સંબંધ નહી રાખવા સતત દબાણ કરતી અને આ વાતને લઇ માનસિક ત્રાસ આપતી હતી. એટલું જ નહી, પગારના રૂપિયા પણ તેણીની પિયરમાં મોકલવા દબાણ કરતી હતી. ગુડિયાદેવીનો ત્રાસ વધી જતાં તેણીએ અંજનીકુમારને આત્મહત્યા કરી નાંખવા માટેની ધમકી આપી હતી. અંજનીકુમારે તેમની વચ્ચે થયેલી આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેના માતા-પિતાને મોકલી આપ્યું હતું. દરમ્યાન તા.૭મી મેના રોજ ધરહરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અંજનીકુમારના પિતા અનિલકુમારના ઘેર આવ્યા હતા અને તેમના પુત્રના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાત પામેલા પિતા અને પરિવારજનોએ ગોમતીપુર રેલ્વે કોલોની આવી તપાસ કરી તો, ગુડિયાદેવી નાના પુત્રને લઇ ગાયબ હતી, અંજનીકુમારનો મોબાઇલ પણ ગુમ હતો અને પત્નીના ત્રાસથી પોતાના પુત્ર અંજનીકુમારે આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતાં આખરે લાચાર પિતાએ પોતાની પૂત્રવધુ સામે ગોમતીપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી પત્નીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

પ્રાંતિજમાં શિક્ષકોને કોરોના રસી અપાઈ

editor

ભરૂચ જિલ્લામાં એક લાખ પરિવારો ત્રણ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

aapnugujarat

અમદાવાદમાં પહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1