Aapnu Gujarat
બ્લોગ

ભાજપ માટે ખરાખરીનો જંગ

લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. પહેલા ત્રણ તબક્કામાં લોકસભાની ૫૪૨ બેઠકોમાંથી ૩૦૨ બેઠકો માટે મતદાન પતી ગયું છે ને હવે ૨૪૦ બેઠકોનું મતદાન બાકી છે. આ ૨૪૦ બેઠકો માટેનું મતદાન હવે પછી ચાર તબક્કામાં થવાનું છે ને ૧૯ મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થશે એ સાથે લોકસભાની ચૂંટણીનો ખેલ પણ પૂરો થશે. એ પછી ૨૩ મેના રોજ આવનારા પરિણામની રાહ જોવાની રહેશે.એક રીતે જોઈએ તો લોકસભાની અડધા કરતાં વધારે બેઠકો પર મતદાન પતી ગયું છે ને પ્રમાણમાં ઓછી બેઠકો પર મતદાન બાકી છે. જો કે વાસ્તવમાં લોકસભાની બેઠકો માટેનો ખરાખરીનો ખેલ હવે પછી શરૂ થાય છે ને તેનાં બે કારણ છે. પહેલું કારણ એ કે, હવે પછી જે બેઠકો પર મતદાન થવાનું છે એ બધી કકળાટવાળી બેઠકો છે. સરકારી ભાષામાં જેમને સંવેદનશીલ કહેવાય એવી આ બેઠકો છે ને ત્યાં મતદાન તાકડે ધમાધમી થાય, થાય ને થાય જ એ સામી ભીંતે લખાયેલું છે.
લોકસભાની ચૂંટણીના પહેલા ત્રણ તબક્કામાં ગુજરાત, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, આસામ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ એટલાં નોંધપાત્ર બેઠકો ધરાવતાં રાજ્યોમાં મતદાન પૂરું થઈ ગયું છે. આ રાજ્યોમાંથી આસામ ને છત્તીસગઢ એ બે જ રાજ્યો એવાં છે કે જ્યાં હિંસાનો ખતરો હોય. બાકીનાં રાજ્યોમાં તો સામાન્ય દિવસોમાં પણ સંપૂર્ણ શાંતિ હોય છે ત્યારે ચૂંટણી ટાણે નાનાં મોટાં છમકલાંને બાદ કરતાં બીજું કશું થતું નથી. એ સિવાય ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા જેવાં ઉચકૂચિયાં રાજ્યો ને આંદામાન-નિકોબાર, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ તથા લક્ષદ્વીપ એટલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ મતદાન પતી ગયું છે. આ બધા કેન્દ્રશાસિત પ્રદેશો તો સાવ શાંતિપૂર્ણ છે તેથી ત્યાં તો કોઈ ડખા થવાનો સવાલ જ નહોતો.
હવે પછી જ્યાં મતદાન છે એ બેઠકો પર હિંસાનો પૂરેપૂરો ખતરો છે. આમ તો ચૂંટણીના પહેલા ત્રણ તબક્કામાં પશ્રિ્‌ચમ બંગાળ, ઉત્તર પ્રદેશ ને બિહાર જેવાં કકળાટિયાં રાજ્યોની ઘણી બેઠકો પર મતદાન પતી ગયું છે પણ જ્યાં વધારે કકળાટ છે ને પડે તેના કટકા થાય એવી હાલત છે એવી બેઠકો પર મતદાન હજુ બાકી છે.
આ ત્રણેય રાજ્યોની મોટા ભાગની હાઈ પ્રોફાઈલ બેઠકો પર હવે પછીના ચાર તબક્કામાં મતદાન છે. ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૫૪, બિહારની ૪૦માંથી ૨૬ ને પશ્રિ્‌ચમ બંગાળની ૪૨માંથી ૩૨ બેઠકો પર હજુ મતદાન બાકી છે. એ સિવાય ઓડિશાની ૬ બેઠકો પર ને મહારાષ્ટ્રની ૧૭ બેઠકો પર મતદાન બાકી છે. મહારાષ્ટ્ર શાંત રાજ્ય છે પણ ઓડિશા માટે એવું ના કહી શકાય. હરિયાણા, પંજાબ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં તો બધી બેઠકો પર મતદાન બાકી છે. આ પૈકીનાં મોટા ભાગનાં રાજ્યોમાં ચૂંટણી ટાણે ભારે ઉત્તેજનાનો માહોલ હોય છે તેથી ત્યાં મતદાન ગુજરાત કે મહારાષ્ટ્રની જેમ શાંતિપૂર્ણ રીતે થાય એવી આશા રાખવા જેવી નથી. જો કે હવે પછીના ચાર તબક્કા વધારે મહત્ત્વના છે તેનું બીજું કારણ એ છે કે, હવે પછીના ચાર તબક્કા કેન્દ્રમાં કોની સરકાર આવશે એ નક્કી કરવામાં મહત્ત્વના સાબિત થશે. ભાજપે લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપના આ ભવ્ય વિજયમાં જે રાજ્યોનું મહત્ત્વનું યોગદાન હતું તે પૈકીનાં મોટા ભાગનાં રાજ્યોમાં હવે પછી મતદાન છે તેથી ખરેખર તો કેન્દ્રમાં હવે પછી કોની સરકાર આવશે તે આ ચાર રાજ્યોનું મતદાન નક્કી કરશે. હવે પછીના ચાર તબક્કામાં જે બાજી મારશે તે દિલ્હી પર રાજ કરશે. ભાજપે ૨૦૧૪માં પોતાનું રોલર ફેરવી દીધું હતું તેવાં રાજ્યો પૈકી મોટા ભાગનાં રાજ્યોમાં હવે પછી મતદાન છે.
ભાજપનો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જયજયકાર થયો તેનું કારણ ૧૫ રાજ્યો હતાં. ઉત્તર પ્રદેશ (૮૦), મહારાષ્ટ્ર (૪૮), બિહાર (૪૦), મધ્ય પ્રદેશ (૨૯), કર્ણાટક (૨૮), ગુજરાત (૨૬), રાજસ્થાન (૨૫), આસામ (૧૪), ઝારખંડ (૧૪), છત્તીસગઢ (૧૧), હરિયાણા ( ૧૦), દિલ્હી (૭), ઉત્તરાખંડ (૫), હિમાચલ પ્રદેશ (૪) અને જમ્મુ અને કાશ્મીર (૬)માં ભાજપે વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાખેલાં. આ ૧૫ રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યા ૩૪૭ છે ને તેમાંથી ભાજપે પોતે એકલા હાથે ૨૬૬ બેઠકો જીતી હતી. મતલબ કે ૭૭ ટકા બેઠકો ભાજપે એકલા હાથે જીતી હતી.
ભાજપના સાથી પક્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ૧૮ ને સ્વાભિમાની પાર્ટીએ ૧ મળીને ૧૯, બિહારમાં લોકજનશક્તિ પાર્ટીએ ૬ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ૩ મળીને ૯ અને ઉત્તર પ્રદેશમાં અપના દળે ૨ બેઠકો મળીને કુલ ૩૦ બેઠકો જીતેલી. મતલબ કે ભાજપ તથા સાથી પક્ષોએ કુલ મળીને ૩૪૭માંથી ૨૯૬ બેઠકો જીતેલી. આ ૧૫ રાજ્યોમાં ભાજપે કુલ બેઠકોના ૮૫ ટકા બેઠકો જીતીને છાકો પાડી દીધેલો. પછીથી જનતા દળ (યુ) ને પીડીપી ભાજપની પંગતમાં બેસી ગયાં. એ બંનેની ૩-૩ બેઠકો ઉમેરો તો આંકડો ૩૦૨ પર પહોંચે. મતલબ કે ૯૦ ટકા બેઠકો ભાજપ ને સાથી પક્ષોના કબજામાં આવી ગઈ હતી.
આ રાજ્યોમાં પણ ગુજરાત (૨૬), રાજસ્થાન (૨૫), દિલ્હી (૭), ઉત્તરાખંડ (૫) ને હિમાચલ પ્રદેશ (૪)માં ભાજપે બધી બેઠકો જીતીને સપાટો બોલાવી દીધેલો. મધ્ય પ્રદેશમાં ભાજપે માત્ર બે બેઠકો ગુમાવેલી તો છત્તીસગઢમાં એક બેઠક ગઈ હતી. ઝારખંડમાં પણ ભાજપ એક જ બેઠક હારેલો.હવે પછીના ચાર તબક્કામાં આ પૈકીનાં ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ સિવાયનાં બાકીનાં બધા રાજ્યોમાં મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહારમાં પહેલા ત્રણ તબક્કામાં મતદાન થયું છે, પણ આ રાજ્યોમાં પણ મહારાષ્ટ્રને બાદ કરતાં બાકીનાં બે રાજ્યોમાં પચાસ ટકા કરતાં વધારે બેઠકો પર મતદાન બાકી છે. ઉત્તર પ્રદેશમાં તો લોકસભાની ૮૦ બેઠકોમાંથી ૫૪ બેઠકો પર મતદાન બાકી છે તે જોતાં હવે પછીના તબક્કા ભાજપ માટે સૌથી વધારે મહત્ત્વના છે.
આ વખતની ચૂંટણીમાં ક્યો પક્ષ જીતશે એ મુદ્દો છે જ નહીં પણ ભાજપ જીતશે કે નહીં એ જ મુદ્દો છે. આ સંજોગોમાં ભાજપ માટે હવે પછીના ચારેય તબક્કા મહત્ત્વના છે. ભાજપ આ ચારેય તબક્કામાં જેટલું વધારે જોર કરી જશે એટલું એ દિલ્હીમાં પોતાની સત્તા જાળવી રાખવાની વધુ નજીક પહોંચશે. આમ તો હવે પછીના ચારેય તબક્કા ભાજપ સામે મુખ્ય પડકાર બની શકે એવી કૉંગ્રેસ માટે પણ મહત્ત્વના છે. ભાજપ જે રાજ્યોમાં પ્રભુત્વ ધરાવે છે તે પૈકીનાં અડધાં રાજ્યોમાં ભાજપનો સીધો મુકાબલો કૉંગ્રેસ સાથે છે. મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આટલાં રાજ્યોમાં ભાજપની સીધી ટક્કર કૉંગ્રેસ સાથે છે. આ રાજ્યોમાં લોકસભાની ૧૨૩ બેઠકો છે અને ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેમાંથી ૧૧૨ બેઠકો જીતી હતી. પહેલા ત્રણ તબક્કામાં આ પૈકી ગુજરાત, આસામ, છત્તીસગઢ, ઉત્તરાખંડ એ ચાર રાજ્યોમાં મતદાન પતી ગયું છે. આ ચાર રાજ્યોમાં થઈને લોકસભાની કુલ ૫૬ બેઠકો છે ને હજુ ૬૭ બેઠકો પર મતદાન બાકી છે. કૉંગ્રેસ પણ આ રાજ્યોમાં જોર કરવાની જ છે ને કૉંગ્રેસ વધારે બેઠકો જીતે તેનો અર્થ એ થાય કે ભાજપની બેઠકો ઘટે. ભાજપે ૨૦૧૪માં આ રાજ્યોમાં સપાટો બોલાવી દીધેલો પણ અત્યારે રાજકીય સમીકરણો અલગ છે. આ રાજ્યો પૈકીનાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ચાર રાજ્યોમાં થોડાક સમય પહેલાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ.
આ ચૂંટણીમાં ભાજપને કારમી હાર મળેલી. પહેલાં ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી, પણ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ માત્ર ગુજરાતમાં જીત્યો, જ્યારે બાકીનાં ત્રણ રાજ્યોમાં ધબોનારાયણ થઈ ગયો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યોમાં અત્યારે કૉંગ્રેસની સરકારો છે. ૨૦૧૪માં કૉંગ્રેસે આ ચાર રાજ્યોમાં સાવ ધોળકું ધોળીને માત્ર ૩ બેઠકો જીતી હતી. આ વખતે કૉંગ્રેસ તેના કરતાં વધારે સારો દેખાવ કરશે એ નક્કી છે ને તેમાંથી મોટા ભાગની બેઠકો પર હવે પછી મતદાન છે તેથી આ તબક્કો વધારે મહત્ત્વનો છે. ભાજપે ઉત્તર પ્રદેશ ને બિહાર જેવા રાજ્યોમાં પણ પોતાનો દબદબો જાળવવો જરૂરી છે ને તેમાં હવે પછીના ચાર તબક્કા નિર્ણાયક છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

काबे अर्जून लूटियो वही धनुष्य वही बाण..समय की गति न्यारी है भगवान….!

aapnugujarat

ભારત નવી ગોલ્ડન ગર્લ : મનુ ભાકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1