Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાયનાડ બેઠક પર રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું

વાયનાડમાં ૫૬ ટકા મુસ્લિમ અને ૪૯.૭ ટકા હિંદુ વસ્તી : નારાજ સીપીએમ વિરુદ્ધ એકપણ શબ્દ ન બોલવા ખાતરી
હાઈપ્રોફાઇલ બની ગયેલી કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જોરદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ માટે આ સુરક્ષિત સીટ દેખાઇ રહી છે. યુડીએફની બીજી સૌથી મોટી ભાગીદાર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આ ક્ષેત્રમાં સારા પ્રભાવમાં છે. વાયનાડ જિલ્લામાં હિન્દુ વસ્તી ૪૯.૭ ટકાની આસપાસ છે. જ્યારે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોક્રમશ ૨૧.૫ અન ૨૮.૮ ટકાની આસપાસ છે. જો કે મલપ્પુરમમાં ૭૦.૪ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં ૨૭.૫ ટકા હિન્દુ વસ્તી છે. બે ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં કુલ સવા ૧૩ લાખ વોટરો પૈકી ૫૬ ટકા વોટર તો મુસ્લિમ છે. કોંગ્રેસને આશા છે કે અહીંથી રાહુલ ગાંધીને ઉતારી દેવામાં આવ્યા બાદ પાર્ટીની સ્થિતી વધારે મજબુત થશે. તેમને લઘુમતિ સમુદાયના એકતરફી મત મળનાર છે. મુસ્લિમ સમુદાયના લોકો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જનસેનાના અધ્યક્ષ આ બેઠક પરથી રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલના નિર્ણય બાદ આને લઇને રાજકીય ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. ઉત્તરીય કેરળમાં સ્થિત વાયનાડ સીટ કોંગ્રેસ માટે ગઢ સમાન છે. ૨૦૦૯માં ચૂંટણી પહેલા સીમાંકનના પરિણામ સ્વરુપે બનેલી આ સીટમાં પ્રથમ ચૂંટણીમાં એમઆઈ સાનાવાસે ૧.૫૩ લાખ મતેથી જીત મેળવી હતી. ૨૦૧૪માં પણ તેઓ ફરી જીત્યા હતા પરંતુ જીત માટેનું અંતર ૨૦ હજાર રહ્યું હતું. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમની ત્રણ-ત્રણ વિધાનસભા સીટો અને કોઝીકોડેની એક વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ લીગ એક મોટી તાકાત તરીકે છે. ગાંધી પરિવાર દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડવાનો ઇતિહાસ ધરાવે છે. ૧૯૭૮માં ઇન્દિરા ગાંધીએ કર્ણાટકના ચીખમંગલુર પેટાચૂંટણીમાં જીત હાંસલ કરીને વાપસીનો સંકેત આપ્યો હતો. જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં કોંગ્રેસને ફરીવખત સત્તામાં લાવવામાં સફળ થયા હતા ત્યારે આંધ્રપ્રદેશના મેઢક અને ઉત્તરપ્રદેશમાં રાયબરેલીની સીટો જીતી લીધી હતી. ૧૯૯૯ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કર્ણાટકમાં બેલ્લારીમાં ભાજપના સુષ્મા સ્વરાજને હરાવવાની સાથે સાથે અમેઠીની સીટ પણ જીતી હતી. જો કે, સોનિયા ગાંધીએ મોડેથી બેલ્લારી સીટ પરથી રાજીનામુ આપી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ રાહુલે કહ્યું હતું કે, તેઓ પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિાયન સીપીએમની સામે એક શબ્દનો પણ ઉપયોગ કરશે નહીં. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક વર્ગોમાં તેમના નિર્ણયને લઇને વિપક્ષી એકતા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેરળના ડાબેરીઓએ પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી હતી. રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓ સીપીએમના તેમના ભાઈ અને બહેનોની સામે કોઇ નિવેદન કરશે નહીં. રાહુલે આ નિવેદન કરીને ખેંચતાણને દૂર કરવાના પ્રયાસ કર્યા છે. વાયનાડમાંથી ચૂંટણી લડવાના રાહુલના નિર્ણય બાદ ડાબેરીઓ સાથે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. હવે રાહુલે આ નિવેદન કરીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓએ હજુ પણ સીપીએમ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. રાહુલની ઉમેદવારીના પરિણામ સ્વરુપે ડાબેરીઓની અંદર ખેંચતાણ વધી ગઈ હતી. આમાં સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી એકલા પડી ગયા હતા. રાહુલ ગાંધી માટે હળવું વલણ અપનાવવાના પરિણામ સ્વરુપે સીતારામ યેચુરી એકલા દેખાઈ રહ્યા હતા. યેચુરીએ કહ્યું હતું કે, ડાબેરીઓએ ચૂંટણીના સમયમાં કોઇપણ પ્રકારના વિવાદમાં પડવાના બદલે એક સમાન વિચારધારાવાળા પક્ષો સાથે તાલમેલ બેસાડવાની જરૂર છે. ભાજપને પરાજિત કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય હોવો જોઇએ. આના માટે બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયાસ કર્યા હતા. કેરળમાં પણ નરમ દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. યેચુરીએ કોંગ્રેસની સાથે બેઠકોની વહેંચણીને લઇને કોઇ જાહેરાત કર્યા વગર જ છ સીટો છોડી દીધી છે. બીજી બાજુ ડાબેરીઓ રાહુલને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, જમીન પર ચૂંટણી કઈરીતે લડવામાં આવે છે તે હવે રાહુલને સમજાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ લોકસભા સીટ પરથી અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને દિગ્ગજ કોંગ્રેસી નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાઢેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ ભગવાનના પોતાના દેશ તરીકે ગણાતા વાયનાડ લોકસભા સીટમાંથી ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં પ્રિયંકા ગાંધી વાઢેરા અને અન્ય નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા. આશરે બે કિલોમીટર લાંબા રોડ શો મારફતે રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. લઘુમતિઓની વધારે વસતી ધરાવતી આ સીટ ઉપર રાષ્ટ્રીય તાકાતનો પરચો રાહુલે આપ્યો હતો. રાહુલ ગાંધીના રોડ શોને ધ્યાનમાં લઇને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમના સ્વાગત માટે જમા થયા હતા.
રાહુલ ગાંધીના રોડ સો માટે અગાઉ મંજુરી મળી ન હતી પરંતુ મોડેથી સરકારે મંજુરી આપી હતી. આ પહેલા વાયનાડથી ઉમેદવારીપત્ર દાખલ કરવાના પ્રશ્ન ઉપર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દક્ષિણ ભારતમાં એક ભાવના પ્રવર્તી રહી છે કે, વર્તમાન એનડીએ સરકાર તેમના ઉપર ધ્યાન આપી રહી નથી. દક્ષિણ ભારતને લાગે છે કે, નરેન્દ્ર મોદી તેમની સાથે દુશ્મનાવટ રાખે છે. તેમને લાગે છે કે, દેશના નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમને સામેલ કરવામાં આવી રહ્યા નથી પરંતુ તેઓ દક્ષિણ ભારતને સંદેશો આપવા માંગતા હતા કે, અમે તેમની સાથે ઉભા છે જેથી કેરળમાં ચૂંટણી લડવા આવ્યા છે. કેરળની તમામ ૨૦ સીટો માટે આગામી ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારતધર્મ જનસેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી રાહુલ ગાંધીની સામે વાયનાડથી ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર બીડીજેએસના દમ ઉપર એનડીએ અહીં શાનદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. પાર્ટી આ માન્યતા સાથે મેદાનમાં છે કે, કેરળમાં વર્ષો સુધી એલડીએફ અને યુડીએફ સરકારોમાં લઘુમતિઓને પ્રતિનિધિત્વ મળ્યું છે જેથી રાજ્યમાં હિન્દુઓની વાત કરનાર એક પાર્ટી પણ જરૂરી છે. બીજી બાજુ સત્તારુઢ ડાબેરી દળોના ગઠબંધને વાયનાડથી સીપીએમના પીપી સુનિર મેદાનમાં છે. જિલ્લાના નેતા વિજયન ચેરુકારાનું કહેવું છે કે, રાહુલ ગાંધી એક અદૃશ્ય દેવતા જેવા છે. તેમના માટે અમેઠી પર જીત સરળ છે.

Related posts

આજે વસંત પંચમી , શુભ કાર્યોનું વણજોયુ મુહૂર્ત

editor

देश के दूसरे हिस्सों में दाखिल हुआ दक्षिण-पश्चिमी मॉनसून

aapnugujarat

कश्मीर में छह महीने में ५० युवा आतंकवाद में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1