Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી જાહેર થતાં સિલિંગ અભિયાન પર આખરે બ્રેક

દેશની ૧૭મી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં મૂકીને તેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે જેને લઇ દેશના તમામ રાજયો અને શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં તેની સીધી કે આડકતરી અસર પણ વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. ચૂંટણીપંચના કાર્યક્રમ મુજબ ગુજરાતમાં આગામી તા.ર૩ એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણીના કારણે એક તરફ રાજકીય વાતાવરણ ગરમાયું છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સને સીલિંગ ઝુંબેશના આકરા તાપ સામે થોડા સમય સુધી હવે રાહત મળશે. જો કે, ચૂંટણીના પરિણામો બાદ અમ્યુકો તંત્ર દ્વારા ડિફોલ્ટરો વિરૂધ્ધ ફરી આકરી કાર્યવાહી કરાય તેવી પૂરી શકયતા છે.અમ્યુકો તંત્ર દ્વારા શહેરવ્યાપી સીલિંગ ઝુંબેશ હેઠળ રૂ.પ૦ હજાર કે તેથી વધુ બાકી પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતોને તાળાં મરાઇ રહ્યાં હતા. ગત તા.૧ ફેબ્રુઆરી, ર૦૧૯થી બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત અભિયાન હેઠળ મિલકતોને સીલ કરાતી હતી. ટેક્સ વિભાગ દ્વારા ડિફોલ્ટર્સની મિલકતને સીલ કરાવવા રીતસરનો સપાટો બોલાવાયો હતો, જેના કારણે આકરી ઠંડીના દિવસોમાં સવારથી ડિફોલ્ટર્સ પોતાની મિલકતનાં તાળાં ખોલાવવા માટે દોડતા થઇ ગયા હતા. ગત તા.૧ ફેબ્રુઆરીથી ગત તા.૭ માર્ચ, ર૦૧૯ સુધીના ટેક્સ વિભાગની સીલિંગ ઝુંબેશ હેઠળ સત્તાવાર આંકડા મુજબ કુલ ૧૭,૯૮પ મિલકતને સીલ કરાઇ હતી. આ સીલિંગ ઝુંબેશથી તંત્રને રૂ.૯૬.પ૯ કરોડની આવક થઇ હતી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૯૩ર મિલકત, ઉત્તર ઝોનમાં ૩૪૮૯ મિલકત, દક્ષિણ ઝોનમાં ર૭૦૭ મિલકત, મધ્ય ઝોનમાં ર૪૭૩ મિલકત, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ર૩પ૦ મિલકત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૮૯૪ મિલકત અને પૂર્વ ઝોનમાં સૌથી ઓછી ૧૧૬૭ મિલકતને સીલ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે શાસક પક્ષ દ્વારા પહેલાં પણ તંત્ર દ્વારા કડકાઇથી હાથ ધરાતી સીલિંગ ઝુંબેશ સામે વિરોધ દર્શાવાયો હતો અને હવે ચૂંટણીની જાહેરાત થયા બાદ સત્તાવાળાઓ ડિફોલ્ટર્સ સામે નરમાશથી કામ લેશે. આ વખતે તો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ૪૦ ટકા સ્ટાફની અછત તેમજ સિટી સર્વે વિભાગ સાથેની પ્રોપર્ટીકાર્ડને ટેનામેન્ટ નંબર સાથે લિંક કરવાની સંયુક્ત કામગીરીના કારણે આકરી સીલિંગ ઝુંબેશ શક્ય બનવાની નથી. જો કે, ચૂંટણી અને પરિણામો બાદ સીલીંગ ઝુંબેશને લઇ અમ્યુકો તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરાય તેવી પૂરી શકયતા છે.

Related posts

બિટકોઇન કેસ : વકીલ કેતન પટેલને જામીન આપવાની ના

aapnugujarat

એસટી બસના ડ્રાઇવરને ડાકોર નજીક ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવતા મોત

aapnugujarat

મગફળી કાંડ : ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1