Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પુલવામામાં આતંકી હુમલો : ૪૦ જવાનો શહીદ

જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ આજે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. આજે સાંજે પુલવામામાં હુમલા કરવામાં આવ્યો હતો. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. આદિલ અહેમદ દાર નામના આતંકવાદીએ સીઆરપીએફ કાફલા ઉપર હુમલા માટેની જવાબદારી સ્વીકારી છે અને કાવતરુ પણ રચ્યું હતું. આતંકવાદી દાર કાકાપોરા વિસ્તારોનો નિવાસી છે. સીઆરપીએફની ૫૪મી બટાલિયનના જવાનો પર આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૩૫ જવાનો હતા. બીજી બાજુ હુમલાખોર આદિલ ૨૦૧૮માં જૈશમાં સામેલ થયો હતો. ઘાયલ થયેલા જવાનો પૈકી અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. સીઆરપીએફના આઈજી ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સેના, જમ્મુ કાશ્મીર અને સીઆરપીએફ દ્વારા મોરચા સંભાળી લઈને સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં અગાઉ પણ ભીષણ હુમલા થતાં રહ્યા છે. આજે હુમલો કરવામાં આવ્યા બાદ દક્ષિણ કાશ્મીરને એલર્ટ જારી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશની પ્રક્રિયા હવે આગામી દિવસોમાં પણ જારી રહે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં હુમલા બાદ તરત જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. બ્લાસ્ટના સ્થળે ફોરેન્સિક વિભાગની ટીમો પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રાયફલ અને અન્ય સુરક્ષા દળોની ટીમો પણ પહોંચી ચુકી છે. આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી કાશ્મીર રેંજ પ્રકાશ પાનીએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, આ ત્રાસવાદી હુમલો છે. ત્યારબાદ તપાસ થઇ રહી છે. શહીદોની સંખ્યા અંગે પુરતી માહિતી મળી શકી નથી પરંતુ પોલીસ, ફોરેન્સિક વિભાગ અને બોંબ ડિસ્પોઝલ ટીમો પુરાવા એકત્રિત કરવામાં લાગી ગઈ છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે. આ પહેલા રવિવારના દિવસે પણ શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા. આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર શરૂ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એકબાજુ તાકિદે ઇમરજન્સીની બેઠક બોલાવી હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીરના તમામ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. રાજનાથસિંહ આવતીકાલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ કાશ્મીર પણ પહોંચનાર છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ સચિવોએ બેઠક યોજી હતી. બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠકોનો દોર હાથ ધર્યો છે જેમાં સીઆરપીએફ કાફલા પર કરાયેલા હુમલા બાદની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આજે યોજાયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, આઈબી પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાવિ યોજનાની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી.
આજે પુલવામામાં હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શકમંદ વાહનો ઉપર નજર રાખવામાં આવી રહી છે. મોટા બજારો, ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં એલર્ટની જાહેરાત કરાઈ છે.

Related posts

મોદીના વચન વાંસ જેવા ખોખલા : સિદ્ધુ

aapnugujarat

અવિશ્વાસ દરખાસ્ત પ્રશ્ને કેન્દ્ર પર દબાણ વધારવાની તૈયારી : અન્નાદ્રમુક પરિસ્થિતિનો લાભ ઉઠાવવા ઇચ્છુક

aapnugujarat

કુલભુષણ જાધવની માતા અને પત્ની સાથે યોગ્ય રીતે મુલાકાત ન કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1