Aapnu Gujarat
બ્લોગ

શિયાળામાં હોઠની કાળજી

ખૂબસુરત હોઠ નારીના સૌંદર્યનું અભિન્ન અંગ છે. નરમ-મુલાયમ-ગુલાબી અધર સ્ત્રીની સુંદરતામાં વૃદ્ધિ કરે છે. પંરતુ શિયાળાની ઋતુ એટલે ઓષ્ટની સુંદરતાની શત્રુ. ઠંડીની મોસમ શરૂ થતાં જ હોઠ ફાટવા લાગે. અને ફાટેલા હોઠ નરમ-મુલાયમ શી રીતે હોઈ શકે? આ ઋતુમાં તો અધરને પ્રયત્નપૂર્વક નરમ બનાવી રાખવાં પડે.જો જરા જેટલુંય ચૂક્યાં તો સુકી હવા, તડકો અને પ્રદૂષણ તમારા હોઠને સુકા બનાવીને તરડી નાખશે. આનું મૂળ કારણ એ છે કે હોઠની આસપાસ કોઈ તૈલીય ગ્રંથિ નથી હોતી, પરિણામે તે સુકી હવાના સંપર્કમાં આવતાં જ સુકાઈને ફાટી જાય છે. આવા હોઠ સ્ત્રીની સુંદરતાનો જ નાશ નથી કરતાં પણ તેને તકલીફ પણ આપે છે.નરમ-મુલાયમ અને ગુલાબી હોઠ માટે સૌથી જરૂરી છે વિટામીન ’ઈ’ યુક્ત ભોજન. વિટામીન ’ઈ’ના અભાવથી હોઠની આજુબાજુ ખેંચાઈ આવતી અત્યંત ઝીણી રેખાઓ, જેને આપણે લાફ લાઈન કહીએ છીએ તે વધારે ઊંડી બને છે. વિટામીન ’ઈ’ માટે ભોજનમાં પૂરતી માત્રામાં દૂધ, માખણ અને ઈંડાનો સમાવેશ કરો. આ ઉપરાંત પાંદડાવાળા લીલા શાકભાજીમાં પણ વિટામીન ’ઈ’ પ્રચૂર માત્રામાં મળી રહે છે.હોઠ ફાટવાનું અન્ય કારણ છે વિટામીન બી કોમ્પ્લેક્સનો અભાવ. વિટામીન બી કોમ્પ્લેક્સની કમી કોડલીવર ઓઈલ, અનાજ અને પાંદડાવાળા લીલા શાકભાજીથી દૂર કરી શકાય છે. જ્યારે અધરની ચમક જાળવી રાખવા માટે વિટામીન ’સી’ અત્યંત જરૂરી છે. વિટામીન ’સી’નું મુખ્ય સ્ત્રોત છે સંતરા અને મોસંબી ઉપરાંત આમળા. શિયાળાની ઋતુમાં આ ત્રણે ફળથી બજારો છલકાય છે. તેથી આ દિવસોમાં આ ત્રણે ફળોનું ભરપૂર સેવન કરવું. આ ઉપરાંત ફ્લાવર, કોબી, ટામેટાં, ફણગાવેલાં ચણા જેવા શાકભાજી અને કઠોળમાંથી પણ પૂરતા પ્રમાણમાં વિટામીન ’સી’ મળી રહે છે.હોઠને મુલાયમ બનાવી રાખવામાં વિટામીન ’એ’ પણ સહાયક પુરવાર થાય છે. વિટામીન ’એ’ દૂધ અને દૂધની બનાવટો, જેમ કે પનીર, ચીઝ, દહીં ઉપરાંત લીલાં શાકભાજીમાં મુખ્યત્વે ગાજર, પાલક અને બ્રોકલીમાંથી પ્રચૂર માત્રામાં મળી રહે છે. હોઠને સુકાતા અટકાવવા માટે દિવસભરમાં છઠી આઠ ગ્લાસ પાણી અચૂક પીઓ. શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તો હોઠની ભીનાશ પણ જળવાઈ રહે છે.ઓષ્ટને નરમ-મુલાયમ બનાવી રાખવા તેની બાહ્ય જાળવણી પણ એટલી જ આવશ્યક છે. લિપ ગ્લોસ અને લિપ બામ લગાવી રાખવાથી અધર મુલાયમ રહે છે. બહાર જતી વખતે તે અચૂક લગાવો અને પર્સમાં પણ સાથે રાખો. લિપ ગ્લોસ અથવા વેસલીન ખરીદતી વખતે તે ’સન પ્રોટેક્શન’ એટલે કે તડકા સામે રક્ષણ આપનારા છે કે નહીં તે તપાસી લો. જેથી તડકાને કારણે હોઠ કાળા પડતા અટકાવી શકાય. રાત્રે સૂતીવખતે હોઠ પર લિપ બામ લગાવી શકાય.ઓષ્ટને આકર્ષક બનાવી રાખવા માટે તે કુદરતી રીતે જ લાલ દેખાય તે આવશ્યક છે. આને માટે ઘરે બનાવેલા પેકનો ઉપયોગ પણ કરી શકાય. એક ચમચી દૂધ અને એક ચમચી મલાઈ લઈને તેમાં થોડી કેસર ભેળવો. આ મિશ્રણ ફ્રીઝમાં થોડીવાર માટે મુકી રાખો. ત્યાર પછી આ પેસ્ટ હોઠ પર લગાડી થોડીવાર રહેવા દો. થોડીવાર પછી રૂનું પૂમડું ભીનું કરી તેના વડે હોઠ લુછી નાખો. આ પેકથી હોઠ મુલાયમ બનશે અને તેની કુદરતી ગુલાબી આભા પણ ખિલી ઉઠશે.આ સિવાય થોડા દૂધમાં ગુલાબની પાંખડીઓ નાખી થોડીવાર માટે મુકી રાખો. થોડીવાર પછી ગુલાબની પાંખડીઓ મસળીને બહાર કાઢી નાખો. થોડા ગુલાબી રંગના બનેલા દૂધમાં બદામનો પાવડર ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવો. પેસ્ટને થોેડીવાર માટે ફ્રીઝમાં મુક્યા પછી હોઠ પર લગાવો. થોડીવાર બાદ ભીના રૂથી હોઠ લૂછી નાખો. આ પેક પણ હોઠની કુદરતી લાલી પાછી મેળવવામાં અને ઓષ્ટને મુલાયમ બનાવી રાખવામાં સહાયક સિધ્ધ થશે.હોઠને આકર્ષક દર્શાવવામાં મેકઅપ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઉપરનો હોઠ થોડો પાતળો અને નીચેનો હોઠ થોડો જાડો હોય તો અધર અત્યંત સુંદર દેખાય છે. આવા હોઠ પર મેટ અને ગ્લોસ બંને પ્રકારની લિપસ્ટિક સુંદર લાગે છે.
લિપ લાઈનરથી અધરની આઉટલાઈન બનાવ્યા પછી હોઠ પર લિપ બ્રશ વડે લિપસ્ટિક લગાવો, પરંતુ જો તમારા ઓષ્ટ બહુ નાના હોય તો લિપ લાઈનર વડે હોઠની કિનારીથી થોડી બહાર એક રેખા ખેંચો, ત્યારબાદ જ તેમાં લિપસ્ટિક લગાવો. પરંતુ જો તમારા ઓષ્ટ જાડા હોય તો હળવા રંગનું લિપ લાઈનર લગાવો. વળી તે હોઠની બહાર કે અધરની કિનારી પર નહીં, પણ ઓષ્ટની અંદર તરફ આઉટલાઈન બનાવો. ત્યાર પછી લિપ બ્રશ વડે લિપસ્ટિક લગાવો. આમ કરવાથી હોઠ પાતળા દેખાશે. અધરને પાતળા દર્શાવવા મેટ ફિનિશની લિપસ્ટિક યોગ્ય ગણાય છે. લિપસ્ટિકનો રંગ પણ હોઠની સુંદરતામતાં અગત્યનો ભાગ ભજવે છે. લિપસ્ટિક એવા રંગની પસંદ કરો જેમાં તમારો લુક એકદમ સ્વાભાવિક લાગે.
મોટાભાગે બ્રાઉન શેડ લગભગ દરેક સ્ત્રીને શોભે છે. બ્રાઉન રંગની લિપસ્ટિક લગભગ બધી જ માનુનીઓને શોભે છે. જ્યરે ગોરી ત્વચા ધરાવતી સ્ત્રીને ઘેરા રંગની લિપસ્ટિક શોેભે છે. સામાન્ય રીતે ગોરી યુવતીઓ લાલ રંગની લિપસ્ટિક લગાવવાનું પસંદ કરે છે. જોકે લાલ રંગમાં પણ જુદાં જુદાં શેડ આવે છે તેથી તમારા ચહેરા અને વસ્ત્રો સાથે સુંદર દેખાય એવો શેડ પસંદ કરવો. જ્યારે ઘઉંવર્ણી નારીને બ્રીક રંગનોે શેડ, હળવો ગુલાબી અને રેડીશ મરૂન શેડ વધુ શોભે છે.શિયાળામાં હોઠની કાળજી ન કરી હોય અને ફાટી જાય તે વખતે જ પાર્ટીમાં જવાનું બને તો? ફાટેલા હોઠ પર લિપસ્ટિક પણ ન શોભે. તો પછી કરવું શું? આવો પ્રશ્ન સહેજે થાય. મેકઅપ આર્ટિસ્ટો કહે છે કે પાર્ટી મેકઅપ કરવાથી પહેલા લિપ બામ વડે હોઠને થોડાં મુલાયમ બનાવો. ત્યાર પછી સ્પંજ વડે હોઠ પર ફાઉન્ડેશન લગાવો જેથી ફાટેલા હોઠના ચીરા ભરાઈ જાય. ત્યાર પછી તેની ઉપર હળવા હાથે ટેલ્કમ પાવડર લગાડય બાદ લિપસ્ટિક લગાવો. આમ કરવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી હોઠ પર ટકી રહેશે.લિપસ્ટિક ખરીદવી એ પણ એક કળા છે. માત્ર તમારી ત્વચાના રંગ સાથે સારો લાગે એવો શેડ લઈ લેવાથી વાત પૂરી નથી થઈ જતી. તેથી લિપસ્ટિક લેવા જતી વખતે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાં તો થોડાં પૈસા બચાવવાની લાલચમાં હલકી કક્ષાની લિપસ્ટિક ન ખરીદો. માત્ર સારી બ્રાન્ડની લિપસ્ટિક ખરીદવાનો જ આગ્રહ રાખો. હમેશાં મોઈશ્ચરાઈઝરયુક્ત લિપસ્ટિક જ ખરીદો. આવી લિપસ્ટિકથી હોઠની ભીનાશ અને કોેમળતા જળવાઈ રહે છે. જે રંગની લિપસ્ટિક ખરીદો તે જ રંગનું લિપ લાઈનર પણ ખરીદો.તમને તમારા વસ્ત્રોના રંગ મુજબ લિપસ્ટિક લગાવવાની ટેવ હોય તોય જરૂરી નથી કે બધા શેડની લિપસ્ટિક ખરીદો. હળવો ગુલાબી, ઘેરો ગુલાબી, બ્રાઉન, મરૂન જેવા ચારેક શેડ ખરીદી લો. દિવસ દરમિયાન હળવો ગુલાબી અને રાતની પાર્ટીમાં ઘેરો ગુલાબી કે લાલ રંગ સારો લાગશે. પણ મધ્યમ ગુલાબી રંગ જોઈતો હોય તો હળવા ગુલાબીનો એક કોટ લગાવ્યા પછી તેની ઉપર ઘેરો ગુલાબી રંગ લગાવી દો. વિવિધ રંગોેને તમારી આવડત પ્રમાણે મિક્સ એન્ડ મેચ કરીને નવા નવા શેડ બનાવી શકાય. શક્ય છે કે તમારા સુંદર હોઠ પર શાયર કોઈ શાયરી જ રચી નાખે.

Related posts

રાહુલ અને મોદીને નારાજ કરી સપા-બસપાએ કર્યું ગઠબંધન

aapnugujarat

વધુ બેસવાથી યાદશક્તિ ગુમાવશો : રિપોર્ટ

aapnugujarat

*इस संदेश को पढिये मन प्रसन्न हो जायेगा*

aapnugujarat

Leave a Comment

UA-96247877-1