Aapnu Gujarat
ગુજરાત

નવા પશ્ચિમ ઝોનમાં સફાઇમાં બનાવટી બિલિંગને લઇ કાંડ

શહેરીજનો માટે દર વર્ષે કરોડો રૂપિયાના જંબો બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તૈયાર કરાય છે. તેમ છતાં નાગરિકો ઊભરાતી ગટરો, પીવાનાં પાણીમાં ગટર લાઇનનું લીકેજ જેવી બાબતોથી હરહંમેશ ત્રસ્ત થઇ તોબા પોકારે છે તો એની પાછળનું એકમાત્ર કારણ ઇજનેર વિભાગનો ભ્રષ્ટાચાર છે. જો કે, અમ્યુકો સત્તાવાળાઓએ હજુ સુધી આ ડુપ્લીકેટ બીલીંગ કૌભાંડ મામલે નક્કર તપાસ કે પગલા લીધા ના હોઇ તેને લઇ વિપક્ષ કોંગ્રેસે પણ હવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગાઉના નવા પશ્ચિમ ઝોનમાં ગટરોની સાફ સફાઇને લગતા વિવિધ પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવ્યાં છે. જેમાં કોન્ટ્રાકટરને ડુપ્લીકેટ પેમેન્ટ કરાઇને મ્યુનિસિપલ તિજોરીને ચૂનો લગાડવાનો કિસ્સો પણ સામેલ છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ કૌભાંડ આચરાયું હોવા છતાં તંત્ર બેદરકાર છે. તંત્ર દ્વારા ગટરોની સાફ સફાઇ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. આ કામના કોન્ટ્રાકટરો પાસે સીસીટીવી કેમેરા ન હોવા છતાં સીસીટીવીની મદદથી ગટરોની સાફ સફાઇના ઓઠા હેઠળ મળતિયા કોન્ટ્રાકટરોને આર્થિક બખ્ખાં તંત્ર દ્વારા કરાવાઇ રહ્યાં છે. આને લગતા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવ્યા છે. જો કે, ઇજનેર વિભાગમાં ભ્રષ્ટાચાર એટલી હદે ફૂલ્યો છે કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ લાગતા-વળગતા કોન્ટ્રાકટરોને ડુપ્લીકેટ પેમેન્ટ કરતા પણ અચકાતા નથી. અગાઉના નવા પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગ દ્વારા ગટર લાઇનની સાફ સફાઇમાં જે જગ્યાએ અને જે તારીખે કોન્ટ્રાકટરે કામ કર્યું હતું. તે જ જગ્યા અને તારીખે અન્ય કોન્ટ્રાકટરને પેમેન્ટ કરાયાં હોવાનું જાણવા મળતા મ્યુનિ. વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. જાણકાર સૂત્રોના મતે, છેલ્લાં ત્રણ વર્ષથી ગટરોની સાફ સફાઇમાં ડુપ્લીકેટ પેમેન્ટ થયાં હોઇ આ અંગે છેક કમિશનરને લેખિતમાં જાણ કરાઇ છે. તેમ છતાં ઇજનેર વિભાગ દ્વારા જે તે કોન્ટ્રાકટર પાસેથી ડુપ્લીકેટ પેમેન્ટને મ્યુનિસિપલ તિજોરીમાં જમા કરાવવાની તસદી લેવાઇ નથી. ગટર લાઇનની સાફ સફાઇમાં એકના એક કામદારોને એક સમયે જુદી જુુદી જગ્યાએ કામગીરી કરતા દર્શાવીને મ્યુનિસિપલ તિજોરીને ખાલી કરવી તેમજ જે કોન્ટ્રાકટરે કામદારોની ઇન્સ્યોરન્સ પોલિસી રજૂ કરીને આવું કૌભાંડ આચર્યું હતું. તે જ તારીખે તે જ કામદારો અને તે જ કામદારોની ઇન્સ્યોરન્સ પોલિસીથી અન્ય કોન્ટ્રાકટરે અન્ય જગ્યાએ કામગીરી કરી હોવાનું દર્શાવીને પેમેન્ટ મેળવ્યા હોવાના કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યાં છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનહોલ બ્રેક ડાઉનના રિપેરિંગમાં રીતસરનું કૌભાંડ આચરાઇ રહ્યું છે. નવા પશ્ચિમ ઝોનમાં કમિશનરના છેક તા.રર સપ્ટેમ્બર, ર૦૧પના ઠરાવથી કોન્ટ્રાકટરોની ૧૩.૧૦ ટકા ઓછા ભાવની એમ પેનલ બનાવાઇ છે. તેમ છતાં ગત વર્ષે જોધપુર અને મકતમપુરા વોર્ડમાં જે તે કોન્ટ્રાકટરને માત્ર પાંચ ટકા ઓછા ભાવથી એટલે કે એમ-પેનલમાં નિર્ધારીત ભાવથી વધારે ભાવ ચૂકવીને તંત્રને આર્થિક નુકસાન કરાવ્યું હોવાની બાબત પણ પ્રકાશમાં આવી છે. આ પ્રકારનાં કૌભાંડોના કારણે ગટર લાઇનની સફાઇ ફક્ત કાગળ પર થતી હોઇ આજે પણ સ્માર્ટ સિટી અમદાવાદમાં ઠેર ઠેર ઊભરાતી ગટરો મોટી સમસ્યા બની છે. દરમ્યાન આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, આ મામલે મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી. જો કોઇ ફરિયાદ આવશે તો તેની તપાસ કરાવાશે. ટૂંકમાં તંત્રને આટઆટલા કિસ્સાઓ છતાં તપાસ કરવાની વાતની કોઇ પડી નથી તે સ્પષ્ટ થાય છે, જેને લઇ વિપક્ષ કોંગ્રેસે પણ હવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Related posts

શ્રી ક્મલમ કાર્યાલય ખાતે બીજેપી એસસી મોરચા ગુજરાતની બેઠક યોજાઈ

aapnugujarat

“બીબીબીપી કાર્યક્રમ”ની અમદાવાદ જીલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રસિંહ રાઠોડને સન્માનિત કરાયા

aapnugujarat

ધગધગતા તાપથી બચવા ફોલો કરો આ સરળ ટિપ્સ, નહિં તો લૂ લાગી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1