Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. સૌપ્રથમવાર સ્માર્ટ અમદાવાદની થીમ પર આ વખતનું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટ મારફતે મ્યુનિસિપલ કમિશનરે શહેરને સ્વચ્છ બનાવવા, પર્યાવરણની શુધ્ધતા, સાબરમતી નદીની સ્વચ્છતા, શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-રસ્તા, બ્રીજની સમસ્યાઓના નિવારણ માટે મહત્તમ જોગવાઇ અને બજેટની ફાળવણી કરી છે. કોઇપણ વધારાના કરવેરા વિનાનું અમ્યુકોનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ સસ્ટેઇનેબલ અમદાવાદ, મોર્ડન અમદાવાદ, એફોર્ડેબલ અમદાવાદ, રેસીલિએન્ટ અમદાવાદ અને ટેકનોલોજી ડ્રીવન અમદાવાદ એમ સ્માર્ટ અમદાવાદની મુખ્ય થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તો, સૌપ્રથમવાર અમદાવાદને ઇલેક્ટ્રીક મોબીલીટીમાં સમગ્ર દેશમાં મોડલ સ્વરૂપ બનાવવાનું આયોજન આ બજેટમાં કરાયું છે, જેના ભાગરૂપે શહેરમાં ચાલુ વર્ષે ૪૦૦ ઇલેક્ટ્રીક બસો દોડાવાશે તો, આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં એક હજાર જેટલી ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડશે. આ જ પ્રકારે રૂ.૮૦૦ કરોડના ખર્ચે આઠ મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. તો, ૫૦૦ કરોડના ખર્ચે સાબરમતી નદીને પ્રદૂષણમુકત અને શુધ્ધ કરવાનો પ્રોજેકટ હાથ ધરાશે. જયારે અમ્યુકો દ્વારા હાલનું આઠ મેગાવોટ વીજળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારી ૪૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. આજે મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મોર્ડન અમદાવાદ અને સ્પોર્ટસને પ્રાધાન્યતા આપવાના ભાગરૂપે સાબમરતી રિવરફ્રન્ટની બંને બાજુએ પશ્ચિમ કિનારે એનઆઇડીની પાછળ, પૂર્વ કિનારે શાહપુરની પાછળ એમ અદ્યતન સુવિધા સાથેના બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉભા કરવામા આવશે. તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાંચ નવા સ્વીમીંગ પુલ બનાવવામાં આવશે. આ જ પ્રકારે શહેરના દસ જુદા જુદા સ્થાનોએ પ્રોફેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ માટે ખાસ ટેનીસ કોર્ટ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રૂ. દસ કરોડના ખર્ચે શહેરમાં તમામ ૪૦ જીમ્નેશીયમનું આધુનિકીકરણ અને પાંચ નવા જીમ્નેશીયમ બનાવવાનું આયોજન છે. તો, શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિક પોલીસના સહકારમાં રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં રૂ.૧૦.૨૫ કરોડના ખર્ચે નવી ૧૨૩ આંગણવાડીઓ બનાવવાનું પણ આયોજન કરાયું છે. શહેરની વીએસ હોસ્પિટલ અને ચિનોઇ પ્રસૂતિગૃહનું રૂ.૬૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ કરાશે. તો શહેરની ઓળખસમા સી.જી રોડનું રૂ.૩૩ કરોડના ખર્ચે નવીનીકરણ આગામી વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જાહેરસુવિધાના કામમાં રૂ.૮૫ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં નારમપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઇટેક સ્ટેડિયમ બનાવાશે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટોની ફરતે રૂ.૨૬.૪૬ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની બજેટમાં જોગવાઇ કરાઇ છે.

Related posts

સોનિયા દે મર્ડર કેસમાં બેને જન્મટીપની સજા ફટકરાઈ

aapnugujarat

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

editor

અમદાવાદની અસારવા બેઠક પર દર્શના વાઘેલાની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1