Aapnu Gujarat
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા છે

પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા હોવાનું જણાવતા ભાજપના મહિલા અગ્રણી રેશમા પટેલે આજે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા કે, ગુજરાતના ગૌરવને વધારવા માટે કરોડો રૂપિયાના ધુમાડા કરવાવાળા નેતાઓ આ ચાર દિવસની ચાંદની પછી લોકોને અંધારામાં ધકેલીને ગાયબ થઈ જાય છે. ટૂંકમાં, નક્કર પરિણામ કંઇ સામે દેખાતું નથી એમ કહેવાનો અર્થ રેશમા પટેલનો હતો. પાસ છોડીને ભાજપમાં સક્રિય બનેલા રેશમા પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમીટના શુભારંભ અગાઉ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અન્યાય થયો હોવું જણાવી વિવાદ સર્જ્યો હતો. તેના ત્રણ દિવસ પછી આજે રેશમા પટેલે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત સમીટના કરોડો રૂપિયાના ખર્ચાઓને ઉડાઉ અને ખોટા ગણાવ્યા છે. રેશમા પટેલે કહ્યું કે, ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા છે. જયારે પાંચ દિવસથી ખડે પગે ઊભેલી પોલીસના જમવાના પણ કોઈ ઠેકાણા નથી. પરંતુ મહેમાનોને પીરસાઈ રહી છે રૂપીયા ચારથી છ હજારની ભોજનની થાળી..રેશમા પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમીટનાં આયોજન સામે આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, આ વાઇબ્રન્ટ મહેમાનોના ભોજનમાં પીરસાઇ રહ્યા છે ખેડૂતોની પરસેવાની કમાણી, બેરોજગાર યુવાનોનાં તૂટેલા સપના, મહિલાઓની સુરક્ષાની ખોખલી વાતો, બળાત્કારીઓને સજા માટે ન્યાય માંગતી બાળકીઓની ચીસો અને ભય-ભૂખ-ભ્રષ્ટાચારથી ત્રાહીમામ પ્રજાના આંસુ એ બધા મુદ્દા જાણે ભૂલાઇ ગયા લાગે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, શું ચારેય બાજુ લાખોના ખર્ચે પથરાયેલી લાઇટની ચમક-ધમકથી ગુજરાતમાં ભય-ભૂખ-ભ્રષ્ટાચાર રૂપી અંધારુ ગાયબ થઈ જશે..? રેશમા પટેલે કહ્યું કે, ગુજરાતના ગૌરવને વધારવા લોકોના કરોડો રૂપિયાના ધુમાડા કરવાવાળા નેતાઓ ચાર દીવસની ચાંદની પછી લોકોને અંધારામાં ધકેલી ગાયબ થઈ જાય છે એ વાતનું દુઃખ છે. આમ, રેશ્મા પટેલની ભાજપ સામેની નારાજગી ફરી એકવાર સામે આવતાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

Related posts

ત્રણ સભ્યોના સસ્પેન્શનને લઇ કોંગ્રેસ હાઇકોર્ટના દ્વારે

aapnugujarat

ચંદ્રનગરમાં બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત

editor

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

editor

Leave a Comment

UA-96247877-1