Aapnu Gujarat
બ્લોગ

ભાજપ સાથેનું ગઠબંધન પીડીપીને ભારે પડ્યું?

કાશ્મીરમાં કોઈ પક્ષને બહુમતી ના મળી તે પછી ભાજપે પીડીપીને ટેકો આપીને સરકારમાં સામેલ થવાની જાહેરાત કરેલી ત્યારે તે સમાચાર આંચકાજનક હતા. ભાગલાવાદીઓ માટે સોફ્ટ કોર્નર ધરાવતા કાશ્મીરી પક્ષ સાથે ભાજપ જોડાણ કરે તે વાત ભાજપના ટેકેદારોને પણ ગળે ઉતરતી નહોતી. આ કજોડું કેટલું ચાલશે તેવો સવાલ પહેલા દિવસથી જ પૂછાવા લાગ્યો હતો. આખરે જૂન ૨૦૧૮માં ગઠબંધન તોડી નખાયું. ડિસેમ્બર ૨૦૧૪માં ચૂંટણી થઈ ત્યારે કુલ ૮૭ બેઠકોમાંથી પીડીપીને ૨૮ બેઠકો હતી. ભાજપને ૨૫, નેશનલ કૉન્ફરન્સને ૧૫ અને કોંગ્રેસને ૧૨ મળી હતી. ભાજપ સિવાયના ત્રણેય પક્ષો ભેગા મળે તો જ સરકાર બને તેમ હતી, પણ મુફ્તિ અને અબ્દુલ્લા પરિવાર એક થઈ શકે તેમ નહોતા. બે મહિના વાટાઘાટો ચાલ્યા પછી માર્ચ ૨૦૧૫માં આખરે ભાજપના ટેકા સાથે મુફ્તિ સરકાર બની હતી.
ભાજપની ગણતરી હતી કે કોઈ પણ ભોગે કાશ્મીરની સરકારમાં ભાગીદારી હોય અને જમ્મુ વિસ્તારને પણ હિસ્સેદારી મળે. કાશ્મીર ખીણમાં ૪૬ બેઠકો છે, જ્યારે જમ્મુ અને લડાખમાં ૪૧ બેઠકો છે. જમ્મુ અને લડાખમાંથી વધુમાં વધુ બેઠકો મેળવી લેવી અને કાશ્મીર ખીણમાં ત્રણ પક્ષો અલગઅલગ લડે તેથી સત્તામાં ભાજપને ભાગીદાર બનાવ્યા સિવાય છુટકો ના રહે. જોકે તક મળ્યા પછી ભાજપે સરકારમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. ગત રમજાન વખતે શસ્ત્રવિરામ જાહેર કરાયો અને તે પૂરો થયો તે સાથે જ ભાજપે મોકો જોઈને ગઠબંધન છોડી નાખ્યું.
સત્તામાં ભાગીદારીના ફાયદા હોય છે. તે વાત જમ્મુના ટેકેદારોને પણ ભાજપે સમજાવાની હતી, પણ તે પછી રાષ્ટ્રીય ધોરણે થનારું નુકસાન ઘટાડવા માટે ગઠબંધન તોડી નખાયું. ત્યાં સુધીમાં પીડીપીને જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. હવે વધારે નુકસાન કરવા માટેની કોશિશો શરૂ થઈ હતી. પીડીપીના કેટલાક ધારાસભ્યોને તોડીને સજ્જાદ લોનની આગેવાનીમાં સરકાર બનાવવા માટેની કોશિશો થવા લાગી હતી. તેથી સરકાર રચવાનું નાટક ભજવાયું અને મહેબૂબા તથા ઓમર અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો. તે પછી રાતોરાત ગર્વનરે વિધાનસભાનું વિસર્જન કરી નાખ્યું. હવે કેન્દ્ર સરકારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ કરી દીધું છે. શક્યતા એવી છે કે લોકસભાની ચૂંટણી સાથે જ કાશ્મીરની ચૂંટણી પણ હવે થશે.પણ સવાલ એ છે કે પીડીપીને કેટલું નુકસાન થયું. ભાજપને જમ્મુમાં ખાસ કોઈ નુકસાન થાય તેવી શક્યતા નથી. જમ્મુમાં પોતાનો ટેકેદાર વર્ગે ભાજપ સાચવી શક્યું છે, પણ પીડીપી માટે કાશ્મીર ખીણમાં, ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં પોતાના ટેકેદારોને સાચવી રાખવા મુશ્કેલ બન્યા છે. ભાજપ સાથેની ભાગીદારી તેના ટેકેદારોને આમ પણ બહુ પસંદ પડી નહોતી. તે પછી જે રીતે છેહ દઈને ભાજપે સરકાર તોડી નાખી તે પછી ટેકેદારોને ખ્યાલ આવ્યો છે કે પીડીપીના નેતાઓ બેવકૂફ બન્યા છે.તેના કારણે પીડીપીમાં તિરાડો પહોળી થવા લાગી છે. પાંચેક પ્રધાનો અને મોડા નેતા અને અડધો ડઝન બીજા નેતાઓ પણ પીડીપી છોડીને જતા રહ્યા છે. હસીબ દ્રાબૂ, બશારત બુખારી, પીર મોહમ્મદ હુસૈન, આબિદ અન્સારી અને ઇમરાન રઝા અન્સારી જેવા નેતાઓની ખોટ પીડીપીને પડી છે. કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે, પણ પીડીપી માટે ચિંતાની વાત એ છે કે તેમના કેટલાક નેતાઓ સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સમાં જોડાયા છે. સજ્જાદ લોનની ભાજપ સાથેની દોસ્તી જાણીતી છે. સજ્જાદ લોન કેટલાક વધુ પ્રાદેશિક નેતાઓને ભેગા કરે અને આઠથી દસ બેઠકો કાશ્મીર ખીણમાંથી મેળવે તો ભાજપ તેની સાથે મળીને સરકાર બનાવી શકે છે. જમ્મુમાં ભાજપે પોતાની બેઠકો પણ વધારવી પડે.મુફ્તિ મોહમ્મદ સૈયદના અવસાન પછી મહેબૂબા પક્ષને જાળવી શકશે કે કેમ તે સવાલ છે. સત્તા હતી ત્યાં સુધી પક્ષ તેમની સાથે રહ્યો, પણ હવે વીખેરાવા લાગ્યો છે. ૧૯૯૯માં મુફ્તિએ અલગ પીડીપીની રચના કરી હતી. ૨૦૦૨માં પક્ષને ૧૬ બેઠકો મળી અને તે પછી ૨૦૦૮ની ચૂંટણીમાં ૨૨ બેઠકો સાથે તે મહત્ત્વનો પક્ષ બની ગયો હતો. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત સરકાર બની એટલે પીડીપીને સત્તા ના મળી. તેથી આખરે ૨૦૧૪માં ભાજપના ટેકા સાથે સરકાર બનાવવાની તક મુફ્તિએ ઝડપી લીધી હતી.ભાજપે તે ચૂંટણીમાં ‘મિશન ૪૪’ના નારા સાથે સત્તા માટે પ્રચાર ચલાવ્યો હતો, ત્યારે મુફ્તિએ ભાજપને રોકો તેવા નારા સાથે પ્રચાર કર્યો હતો. પણ પછી તેની સાથે જ ભાગીદારી કરવી પડી, કેમ કે પક્ષને ૨૮ બેઠકો જ મળી હતી. ભાજપને સત્તામાં આવતો રોકવા માટે જ લોકોએ પીડીપીને ટેકો આપ્યો હતો. તેમને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જોકે સત્તા હતી ત્યાં સુધી અસંતોષ કાબૂમાં રહ્યો, પણ હવે તે અસંતોષ ઝડપથી બહાર આવી રહ્યો છે.શ્રીનગરમાં પથ્થરમારો વધવા લાગ્યો હતો. પોલીસ અને સેનાની કડક કાર્યવાહીથી સરકાર લોકપ્રિયતા ગુમાવવા લાગી હતી. સૈનિકો પર પથ્થરમારો કરનારા યુવાનો અને કિશોરો વિશે મહેબુબાએ કેટલાક નિવેદનો કર્યા હતા તેનાથી નારાજી વધી રહી હતી. પીડીપીના એક નેતા તારિક હમીદ કર્રાએ ૨૦૧૬માં જ પક્ષને છોડી દીધો. તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને લાગ્યું કે મહેબૂબા હવે દિલ્હીની ભાષા બોલવા લાગ્યા છે અને જનતા પર થતા અત્યાચાર વિશે બોલતા નથી. પિતાના અવસાન પછી મુખ્યપ્રધાન બનેલા મહેબૂબા હવે પોતાના સગાઓને મહત્ત્વ આપવા લાગ્યા હતા. તેનો પણ અસંતોષ જાગ્યો હતો. એક નેતા બશારત બુખારી પાસેથી મહત્ત્વના ત્રણ ખાતાં લઈ લેવાયાં હતાં. નારાજ થયેલા બુખારી થોડો સમય સમસમીને બેઠા રહ્યા પણ છેવટે નેશનલ કૉન્ફરન્સમાં જોડાઈ ગયા છે.ભાજપે મહેબૂબાને આપેલો ટેકો પાછો લીધો ત્યારે ગણતરીએ હતી કે પીડીપીના બે ફાડિયા કરીને સત્તા કબજે કરી લેવી. પીડીપીના એક નેતા ઇમરાન રઝા અન્સારીને ઓપરેશન સોંપાયું હતું. તેમની સાથે છ ધારાસભ્યો જોડાયા હતા અને વધારે ધારાસભ્યોને એકઠા કરીને બળવો કરવાનો હતો. અન્સારી અને તેમના ટેકેદારોએ પીડીપી હવે એક પરિવારની જ પાર્ટી છે એમ કહીને જુદા થઈ ગયા હતા.જોકે પૂરતા પ્રમાણમાં ધારાસભ્યો એકઠા ના થયા તેથી બળવો થઈ શક્યો નહિ. મહેબૂબાએ પોતાના ભાઈને બે સગાઓને મહત્ત્વના પદેથી હટાવ્યા. પક્ષમાં હસીબ દ્રાબૂને મહત્ત્વનું સ્થાન આપવાની વાત પણ મહેબૂબાએ કરી, પરંતુ હવે મોડું થઈ ગયું હતું. તેમણે જાહેરમાં ટીકા કરી અને કહ્યું કે પક્ષનું સંગઠન મજબૂત બનાવવા માટે નહિ, પરંતુ અસંતુષ્ટોની ભીંસ વધી છે એટલે મહેબૂબામાં હોદ્દા આપવાની વાત કરી રહ્યા છે.પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કૉન્સફરન્સ ત્રણેય ભેગા મળીને પણ હવે સરકાર બનાવી શકે તેમ નથી. હવે ચૂંટણીમાં જ કસોટી થવાની છે, ત્યારે પીડીપીના નેતાઓ જાણે છે કે મતદારો સામે જવું મુશ્કેલ બનવાનું છે. ભાજપ સાથેની ભાગીદારી બહુ ભારે પડી છે. સત્તામાં ભાગીદારીથી ફાયદો છે, તે વાત ભાજપ પોતાના ટેકેદારોને સમજાવી શક્યું હતું, પણ પીડીપી માટે તે કામ અશક્ય બની ગયું છે.તેથી ચૂંટણી પહેલાં પીડીપીમાં વધારે ભાગલા પડે તેવી શક્યતા છે. ભાજપનો એક હેતુ આ રીતે પાર પડ્યો છે. એક પ્રાદેશિક પક્ષને નબળો પાડી શકાયો છે. પીડીપી માટે હવે સૌથી મોટો પક્ષ બનવું શક્ય રહ્યું નથી. જોકે ભાજપ ફરીથી સત્તા કબજે ના કરે તે માટે ત્રણેય પક્ષો ભેગા થયા હતા, તે ચૂંટણી પહેલાં ભેગા થશે કે કેમ તે જોવાનું રહે છે. જો ત્રણેય ભેગા મળીને ચૂંટણી લડે તો સ્થિતિ શું થશે તે જોવાનું બાકી છે.મહારાષ્ટ્રમાં શિવસેના માટે પણ આવી જ વિમાસણ છે. શિવસેનાના સાથેના જોડાણથી ભાજપને વધારે ફાયદો થયો છે અને તે મોટો પક્ષ બની ગયો છે. મુંબઈની બહાર અમુક પોકેટ સિવાય શિવસેના માટે એકલા હાથે જીતવું મુશ્કેલ છે. ભાજપ કરતાંય હવે શિવસેનાને ગઠબંધનની વધારે ગરજ છે. શિવસેનાને વધારે નબળી પાડીને ભાજપ કોંગ્રેસ અને એનસીપી સામે મુખ્ય હરિફ પક્ષ બનવા માગે છે. જોકે કાશ્મીર અને મહારાષ્ટ્રની સ્થિતિ જુદી છે અને બિહારમાં પણ પ્રાદેશિક પક્ષોને મહત્ત્વ આપવાની ભાજપને ફરજ પડી છે. પરંતુ આ પ્રકારના જોડાણનું શું પરિણામ આવે અને કોને ફાયદો અને કોને નુકસાન તેની ગણતરી હવે આ ત્રણ મહિના દરમિયાન વધારે થશે. કોંગ્રેસ સાથે જોડાનારા, ભાજપ સાથે જોડાનારા અને યુપી જેવા રાજ્યમાં પરસ્પર જોડાનારા પ્રાદેશિક પક્ષોએ માત્ર ૨૦૧૯ની નહિ, પણ તે પછીની ચૂંટણીઓની પણ ગણતરીઓ કરવાની રહેશે.

Related posts

गरीबी का मजाक है, यह

aapnugujarat

જેકસન બ્રાઉન”ની 55 સુંદર વાતાે

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1