Aapnu Gujarat
ગુજરાત

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વધારી શકે છે ગુજરાતની તકલીફો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સાથે જોડાયેલ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતના ડેમમાં પાણીની સ્થિતિ વિકટ છે. આવતા ચોમાસા સુધી પીવાના પાણી માટે મોટો આધાર નર્મદા ડેમ છે. સરકારે રવી અને ઉનાળુ સિઝન માટે સિંચાઈનું પાણી આપવા માટે માગણી મુજબ કે સ્પષ્ટ ના પાડી દીધી છે.
નર્મદા ડેમનો મોટાભાગનો હિસ્સો એ મધ્ય પ્રદેશમાં છે. હવે સરકારો બદલાઈ રહી છે. આ સ્થિતિમાં રાજકારણ શરૂ થયું તો ગુજરાતમાં પીવાના પાણીના ફાંફા પડશે એ નક્કી છે. મોદીનું જે પ્રકારે કોંગ્રેસ સાથે વર્તન છે એ જોતાં કોંગ્રેસ પણ મોદીના હોમગ્રાઉન્ડ ગુજરાતને હેરાન-પરેશાન કરવા માગે તો કરી શકે છે.
જો નવી સરકાર કરાર મુજબ પાણી છોડવામાં આડોડાઈ કરે તો ગુજરાતમાં આવતા દિવસોમાં પાણીની મુશ્કેલી થઈ શકે છે.છેલ્લા ૧૫ વર્ષથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે એટલે નર્મદાના મુદ્દે બે રાજ્યો વચ્ચે જાહેરમાં વિખવાદ થયો નથી. હવે રાજકીય સમીકરણો બદલાતા બન્ને રાજ્યો વચ્ચે નર્મદાના મુદ્દે રાજકીય રેલમછેલની શકયતા બની શકે છે. ગુજરાતનના મધ્યપ્રદેશ પાસેથી બાકી લેવાના નાણા અંગે પણ કડક ઉઘરાણીની સંભાવના છે. એ સામે પાણીની છૂટછાટના ધાંધિયા થાય તેવી પૂરી સંભાવના છે. એન.સી.એ.માં નક્કી થયા મુજબ મધ્યપ્રદેશે ઈન્દીરાનગર અને અન્ય ડેમમાંથી દર અઠવાડિયે પાણી છોડવાનું હોય છે તે પાણી ગુજરાત તરફ આવતા નર્મદા ડેમમાં પાણીની આવક થાય છે.
હાલ દર અઠવાડિયે સરેરાશ ૧૦ હજાર કયુસેક પાણી છોડવામાં આવે છે. મધ્યપ્રદેશ જળવિદ્યુતના હેતુથી પાણી છોડે તેનો ગુજરાતને ફાયદો છે. હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અછત છે. ૫૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમોમાં જળસપાટી જરૂર કરતા ઘણી ઓછી છે.સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા મુખ્ય આધાર હોય તેવા વિસ્તારોની સંખ્યા મોટી છે. ગુજરાત સરકારે આવતા ચોમાસા સુધીનું પીવાના પાણીનું આયોજન કર્યું છે તે પાણીની આવકને ધ્યાને રાખીને કર્યુ છે. હાલ વપરાશ અને બાષ્પીભવનના કારણે નર્મદા ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે. હાલની (આજની) જળસપાટી ૧૨૪.૫૨ મીટર છે. જો મધ્યપ્રદેશ પાણી ઓછું છોડે અથવા અનિયમિત છોડે તો નર્મદા ડેમની સપાટી વધુ નીચી જાય અને તેની અસર ગુજરાતમાં પાણી વિતરણ પર પડી શકે છે.પાણીનો મુદ્દો ભવિષ્યમાં રાજકીય સ્વરૂપ પકડી શકે છે. લોકસભાની ચૂંટણી ગાજી રહી છે. જો મધ્યપ્રદેશની નવી સરકાર હાલની પદ્ધતિ જાળવી રાખે તો ગુજરાત માટે ચિંતાનું કોઈ કારણ નથી પણ પાણીના મુદ્દે બે રાજ્યો અને બે પક્ષોની સરકાર વચ્ચે રાજકારણ શરૂ થાય તો પ્રજાની માઠી થઈ જશે. લોકસભા પહેલાં મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે ખટરાગ વધી શકે છે. નર્મદાનું પાણી બંને રાજ્યોને જોઇશે. એ માટે એક પણ સરકાર જતું કરવાની ભાવના રાખે તેવી સંભાવના ઘણી ઓછી છે. જેને પગલે આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બને તેવી પૂરી સંભાવના છે.

Related posts

અમદાવાદમાં વિહિપની બાઇક રેલીને ઘણાં સ્થળો પર લીલીઝંડી ન મળી

aapnugujarat

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

editor

બોટાદમાં ૧૯ હજાર થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1