Aapnu Gujarat
ગુજરાત

ડોકટર દંપતિના ઘરમાં તસ્કરો ત્રાટકયા

શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, તેમાં પણ ચડ્ડી-બનિયાનધારી ટોળકીનો તો એ હદે ત્રાસ છે કે તે ગમે ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપે છે. નરોડા વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ અક્ષય રેસિડન્સીમાં રહેતા ડોક્ટર દંપતીના ઘરમાં ઘૂસીને ૩.ર૪ લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સિવાય તે જ સોસાયટીમાં એક મકાનનું તાળું પણ તસ્કરોએ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. અક્ષય રેસિડન્સીના રહીશોની સતર્કતાના કારણે તસ્કરો કોટ કૂદીને નાસી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે નરોડા વિસ્તારમાં આવેલ અક્ષય રેસિડન્સીમાં રહેતા અને શેલ્બી હોસ્પિટલના ડોક્ટર સ્નેહલભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. સ્નેહલભાઇ અને તેમનાં પત્ની દિશાબહેન શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર છે. બન્ને જણાની ડ્‌યૂટી રાતના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીની છે. ચાર દિવસ પહેલાં દિશાબહેનને ડેન્ગ્યુ થઇ ગયો હોવાથી તેમને ઓઢવ ખાતે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. શનિવારે રાતે ડો.સ્નેહલભાઇ નોકરી પર ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ તેમની સોસાયટીમાં રહેતા મલ્હારભાઇએ સ્નેહલભાઇને ફોન કર્યો હતો અને તમારા ઘરનું તાળું તૂટેલું છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્‌યો છે તેના સમાચાર આપ્યા હતા. સ્નેહલભાઇ ઘરે પહોંચ્યા ત્યારે પોલીસ પહેલાંથી જ હાજર હતી અને તપાસ ચાલુ કરી દીધી હતી. તસ્કરોએ સ્નેહલભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ૩.ર૪ લાખના દાગીનાની ચોરી કરી હતી. સ્નેહલભાઇએ સોસાયટીમાં રહેતા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે ત્રણ ચાર શખ્સો ચોરી કરવા માટે આવ્યા હતા, પરંતુ લોકોએ ચોર-ચોરની બૂમો પાડતાં તે સોસાયટીનો કોટ કૂદીને નાસી ગયા હતા. તસ્કરોએ સ્નેહલભાઇના મકાન સિવાય અન્ય એક મકાનમાં ચોરી કરવા માટે લોક તોડ્‌યું હતું, જોકે ત્યાં તેમને કશું જ મળ્યું હતું નહીં. નરોડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી નરોડા વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.
થોડાક દિવસ પહેલાં નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી બાલાજી એન્કલેવમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ઘૂસી હતી, જોકે રહીશોની સતર્કતાના કારણે તે કોટ કૂદીને નાસી ગયા હતા. ડોક્ટર દંપતીના ઘરમાં થયેલી ચોરી પણ ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ કરી હોય તેવું પોલીસને લાગી રહ્યું છે, તેથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

खोखरा क्षेत्र में १३वीं मंजिल से कूदी महिला बुजुर्ग पर गिरी, दोनों की मौत

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીની નવતર પહેલ

editor

માત્ર દારૂ પીધો હોય તો પોલીસ સ્ટેશનમાં જામીન મળી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1