Aapnu Gujarat
ગુજરાત

ધારાસભ્યોના પગાર વધારા સામે નવો મોરચો ખુલ્યો

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ એકસંપ થઇ પગારવધારાનું વિધેયક બારોબાર મંજૂર કરાવી ૬૫ ટકા જેટલા તોતીંગ પગારવધારાનો લાભ મેળવી લેતાં હવે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે રાજયના તમામ ૧૮૨ ધારાસભ્યો સામે ખુલ્લો મોરચો માંડવાની આજે જાહેરાત કરી હતી. ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી રાજયના તમામ ધારાસભ્યોને એક પત્ર પાઠવી પ્રવીણ રામે તેમનો સાફ અભિપ્રાય માંગ્યો છે. જો ધારાસભ્યો પ્રજાના હિતમાં જવાબ નહી આપે તો, એવું માની લેવામાં આવશે કે, જે જનતાએ તેમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે, તે જનતાની વેદનામાં જ ધારાસભ્યોને રસ નથી. જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે તા.૩૦ સપ્ટેમ્બર સુધી એક સપ્તાહનું ધારાસભ્યોને અલ્ટિમેટમ આપ્યું છે અને ત્યારબાદ પણ જો જવાબ નહી અપાય તો, તા.૩જી ઓકટોબરથી તા.૫મી ઓકટોબર સુધી પ્રવીણ રામ ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કરનારા તમામ ધારાસભ્યોના પગારવધારા મુદ્દે પ્રતિક ઉપવાસ પર બેસશે. ગુજરાતના રાજકારણમાં પાસના હાર્દિક પટેલ, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર, દલિત યુુવા નેતા જિગ્નેશ મેવાણી અને જન અધિકાર મંચના પ્રવીણ રામ એ ચાર યુવાઓ બહુ મહત્વની ભૂમિકામાં આગળ વધી રહ્યા છે ત્યારે આજે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે રાજયના તમામ ધારાસભ્યોએ ગુજરાતની જનતાના મોંઘવારી, ભાવવધારા અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ભૂલી જઇને આર્થિક ફાયદાની લાલચમાં વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસે એકબીજા સાથે ખાનગીમાં હાથ મિલાવી ૬૫ ટકાનો તોતીંગ પગારવધારો લઇ લીધો તેને લઇ આજે આકરા પ્રહારો કર્યા હતા. રામે જણાવ્યું કે, ગુજરાતના ધારાસભ્યોને વળી મોંઘવારી કયારથી નડતી થઇ ગઇ? પ્રજાએ જેની પર વિશ્વાસ મૂકયો એ ધારાસભ્યોએ તેઓને ચૂંટીને મોકલનાર જનતા સાથે વિશ્વાસઘાત કરી તેમની મહેનત-પરસેવાની કમાણીમાંથી આ પગારવધારો મેળવ્યો છે, જે બિલકુલ ગેરવાજબી, અન્યાયી અને ગેરકાયદે પગલું છે. એકબાજુ, પ્રજા મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સહિતની સમસ્યાઓ, ખેડૂતોની કફોડી હાલત, રાંધણગેસના બાટલાના ભાવમાં વધારો, દૂધ-શાકભાજીના ભાવમાં વધારો સહિતની અનેકવિધ સમસ્યાઓથી પીડાઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં દલા તરવાડીની નીતિ અપનાવી તોતીંગ પગારવધારો લઇ લીધો તે આઘાતજનક બાબત છે. ધારાસભ્યોને રાજયના આશરે ૨૫ લાખ જેટલા ફિક્સપગાર, કોન્ટ્રાકટ, આઉટસોર્સ, મધ્યાહનભોજન, સફાઇ કર્મચારી, આશાવર્કર અને આંગણવાડી જેવા કર્મચારીઓના પગારમાં વધારોનો કેમ વિચાર નથી આવતો?, ધારાસભ્યોને જો મોંઘવારી નડતી હોય તો, ગુજરાતની છ કરોડ જનતા, ખેડૂતો, ગરીબ-મધ્યમવર્ગને પણ મોંઘવારી નડી રહી છે તો તેમના માટે ધારાસભ્યોએ શું કર્યું અને શું કરવા માંગે છે? ગુજરાતની પ્રજાની મોંઘવારી નિવારવા, ખેડૂતોના દેવા માફ કરવા, પેટ્રોલ-ડિઝલ અને ગેસના બાટલાના ભાવ ઘટાડા માટે આપ શું કરવા માંગો છો તે મામલે તમામ ધારાસભ્યો પાસેથી પ્રવીણ રામે અરજન્ટ પત્ર પાઠવી સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો છે. જો ધારાસભ્યો જવાબ નહી આપે તો, રામ દ્વારા તા.૩જી ઓકટોબરથી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પ્રતિક ઉપવાસનું આંદોલન છેડવાની જાહેરાત કરાઇ હતી. રામે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા સમક્ષ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના ચહેરા ખુલ્લા પડી ગયા છે. જો તા.૩૦મી સુધીમાં ધારાસભ્યો જવાબ નહી આપે તો તા.૧લી ઓકટોબરે તે જવાબ નહી આપનાર ધારાસભ્યોના નામ ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરશે.

Related posts

સાગબારા ખાતે વન અને આદિજાતિ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીના વરદ્ હસ્તે ધ્વજવંદન યોજાશે

aapnugujarat

गणेश महोत्सव को उत्साह और भक्तिभाव के बीच प्रारंभ

aapnugujarat

દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળના સભ્યોનો સન્માન સમારોહ

editor

Leave a Comment

UA-96247877-1