Aapnu Gujarat
બ્લોગ

ધ્વનિ પ્રદુષણ અંગે જાગૃત્તિ અનિવાર્ય

લગભગ શ્રાવણ મહિનાથી જ સિઝનલ શ્રદ્ધાની મોસમ પૂરબહારમાં ખીલતી હોય છે. ભક્તિભાવનો આ માહોલ આમ તો છેક થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી રહેશે. આ મોસમ ઘોંઘાટિયું વાતાવરણ લઈને પણ આવે છે. આપણા કેટલાક તહેવારોમાં તહેવાર કરતા ઘોંઘાટનું મહત્ત્વ વિશેષ રૂપે જોવા-સાંભળવા મળે છે. આપણે ભાવભક્તિમાં એટલાં બધા અંધ થઈ જઈએ છીએ કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બહેરા કાને અથડાય છે. ઘોંઘાટ વિના પણ ભગવાનની ભક્તિ શક્ય છે એવું માનનારાઓની સંખ્યા હવે ઘટતી જાય છે. અવાજ પ્રદૂષણ ફેલાવનારાઓ ખુદને પણ ઘોંઘાટ સભળાતો નથી, પરંતુ કેટલાક મુઠીભર લોકોને આ ઘોંઘાટિયું વાતાવરણ ચેનથી જીવવા દેતું નથી. તેઓ શ્રદ્ધાળુઓની વિરુદ્ધ બિલકુલ નથી, તેમને વાંધો છે એમના ભક્તિના ઓઠા હેઠળ- બેફિકરાઈથી નિયમોને ચાતરી જઈને ફેલાવાતા આ ઘોંઘાટ સામે.ગણેશોત્સવ દરમિયાન આ વખતે ડીજેને પરવાનગી અપાઈ ન હોવા છતાં પણ પાંચમાં દિવસના ગણેશ વિર્સજન વખતે ભયંકર ઘોંઘાટિયું વાતાવરણ હતું. શહેર અને સબર્બના લગભગ દરેક ચોક, ગલી-કૂંચી અને ઘરોમાં ગણપતિ બાપ્પા પધારે છે. આમાં ઘરોમાં લવાતા ગણપતિના વિસર્જન વખતે કદાચ ઘોંઘાટ ઓછો થતો હશે, પરંતુ સાર્વજનિક ગણપતિના આગમન તથા ખાસ કરીને વિસર્જન વખતે કલાકો સુધી આખે રસ્તે ઘોંઘાટ પથરાતો રહે છે. મોટા ભાગના રહેવાસીઓને અવાજ પ્રદૂષણ સામે વાંધો છે, પરંતુ એમનો અવાજ કોઈ નહીં સાંભળે એ વાતે તેઓ ચૂપચાપ સહન કરી લેતા હોય છે એ એક વાસ્તવિકતા છે અને એને સ્વીકારવી જોઈએ. પાંચમા દિવસના ગણપતિ વિસર્જનમાં શહેરભરમાં ૭૯,૪૪૭ મૂર્તિઓનું ‘ધામધૂમ’થી વિસર્જન થયું અને ખાસ કરીને રાતના આઠથી મધરાત સુધી ઘોંઘાટે શહેરને ધમરોળી નાખ્યું હતું. વરવી વાસ્તવિકતા તો એ છે કે ગયા વર્ષની સરખામણીએ ઘોંઘાટનું પ્રદૂષણ વધુ હતું. લાઉડસ્પીકરો પર ઢોલ, ત્રાંસા, બેન્જો અને ડ્રમ જેવા વાજિંત્રોએ કાન ફાડી નાખે એવો ઘોંઘાટ સર્જ્યો હતો. લાઉડસ્પીકર વિના વાગતા દેશી વાજિંત્રોનો પણ ઘોંઘાટનું પ્રદૂષણ ફેલાવવામાં ઓછું પ્રદાન ન હતું. શહેરના સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા સ્થળોની યાદીથી સત્તાવાળાઓ વાકેફ હોવા છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા એ કંઇક જુદી જ વાત સૂચવે છે. વિસર્જન વખતે તો ખાસ ‘સાઈલન્સ ઝોન’ની સૂચનાઓની ‘ઐસી કી તૈસી’ કરવી એ સામાન્ય બાબત બની જાય છે. વિસર્જન દરમિયાન ઠેર ઠેર ફટકાડા ફોડીને અવાજ પ્રદૂષણ ફેલાવવાનું પણ સામાન્ય થઈ ગયું છે. પાંચ-દસ હજાર ફટાકડાની લૂમ ફોડવાથી કે મોટા સૂતળી બૉમ્બ ફોડવાથી અસ્થમાના દરદીઓની યાતના વધે છે કે નાના બાળકોની ઊંઘ ઉડી જાય છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે છે એ વાત કેમ સમજાતી નહીં હોય! સોસાયટીઓમાં પણ ગણેશત્વના દસ દિવસ દરમિયાન રોજ સવાર-સાંજ આરતી પણ લાઉડસ્પીકર પર ઢોલ-નગારા-ત્રાંસા વગાડીને બેસૂરા અવાજે ગાવામાં આવે છે. ભક્તિભાવનો આ કયો પ્રકાર છે? કઈ રીત છે? ભક્તિ-ભજન કીર્તન-આરતી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે, સાવ સાદગીથી પણ થઈ શકે છે. ઘોંઘાટ ભગવાનને પસંદ પડે છે એવું ભક્તો કેમ માને છે! લાઉડસ્પીકરોના ઉપયોગ વિના આરતી થઈ શકે, વિસર્જન પણ કરી શકાય. ૮૦ ડેસિબલ્સથી વધુ અવાજ કાનને નુકસાન કરી શકે છે એવું ડૉક્ટરો પણ કહે છે. એનાથી થોડો વખત માટે કે લાંબા સમય માટે કોઈ વ્યક્તિ શ્રવણશક્તિ ગુમાવી બેસે છે. હાઈપર ટેન્શન, હાઈ બ્લડપ્રેશર જેવી વ્યાધિઓ વધી જાય છે. કેટલાક કિસ્સામાં સગર્ભાને પ્રિમેચ્યૉર ડિલિવરી પણ થઈ શકે છે. આપણા ભારતીયોમાં ભક્તિભાવનો મહિમા છે. ભક્તિ આપણી સંસ્કૃતિ અને પ્રણાલિ છે, પરંતુ સંસ્કારીતા સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે તો એનો આનંદ અને મહિમા ઓર વધશે. દસમા દિવસના મહા ગણપતિ વિસર્જનને આડે બે દિવસ છે. હજી ઘોંઘાટ પ્રદૂષણ નહીં ફેલાવીને વિસર્જન કરવાની ગણપતિ બાપ્પા ના નહીં પડે. કદાચ તેઓ પણ શાંતિપ્રિય હશે, ઘોંઘાટ પસંદ નહીં હોય પરંતુ એ ફરિયાદ કોને કરે! કદાચ એ પામર મનુષ્યો-ભક્તોના મનમાં ધીમેધીમે આ વાત ઉતારી દે અને ભક્તજનો ધ્વનિ પ્રદૂષણ નહીં ફેલાવવાનું પ્રણ લે તો એ પણ એક ભક્તિનો પ્રકાર ગણાશે.એક રીતે જોવા જઈએ તો ‘અવાજ’ એ કુદરતનું વરદાન છે. અવાજ માણસની એકલતાને દૂર કરે છે અને જીવનને આનંદમય બનાવે છે, પરંતુ આધુનિક માનવી એ વરદાનને જાણે કે શ્રાપમાં બદલી રહ્યો છે. જે રીતે અતિરેક કરીને આપણે ગ્લોબલ ર્વિંમગ પેદા કર્યું છે એ જ રીતે આપણે ઘોંઘાટ પેદા કરીને માનવજાતને નુકસાન કરી રહ્યા છીએ. ખાસ કરીને મોટા શહેરોમાં વસતા માનવીઓ એનો ભોગ બની રહ્યા છે.
અવાજને વૈજ્ઞાાનિક રીતે ‘ડેસિબલ’થી માપવામાં આવે છે. સામાન્ય રીતે અવાજ એંસી-નેવું ડેસિબલથી વધારે ઊંચો થઈ જાય ત્યારે એ માણસને નુકસાન કરતો થઈ જાય છે અને જ્યારે એથી પણ એનું પ્રમાણ વધારે ઊંચું જાય છે ત્યારે એટલે કે એકસો ત્રીસ ડેસિબલથી પણ વધારે ઊંચું જાય છે ત્યારે એ માણસની સાંભળવાની શક્તિને ઘણું મોટું નુકસાન કરે છે. બહુ ઊંચા અવાજથી માણસને કાયમી બહેરાશ આવી જવાનો સંભવ રહે છે.અત્યારે આપણે હવાના પ્રદૂષણથી બચવા માટે જે રીતે માસ્ક પહેરવા પડે છે એ જ રીતે કદાચ થોડા સમયમાં જ આપણે અવાજના પ્રદૂષણથી બચવા માટે કાન ઉપર પ્રોટેક્ટર રાખવું જરૂરી બની જશે.
આજના યુવાન-યુવતીઓ જે રીતે કાનમાં ઈયર ફોન રાખીને સંગીત સંભાળે છે એમને એ ખબર નથી કે એથી એમની સાંભળવાની શક્તિને જો ક્ષતિ પહોંચશે તો તેઓ અમુક અવસ્થાએ પહોંચશે ત્યારે ઘણી પરવશતા અનુભવશે.સામાન્ય રીતે આપણા અવાજનું લેવલ ત્રીસેક ડેસિબલ જેટલું રહેતું હોય છે, ક્યારેક એ પચાસેક ડેસિબલ સુધી પણ પહોંચતું હોય છે, પરંતુ આપણે જ્યારે કાર, ટ્રક કે ટ્રાફિકના ઘોંઘાટમાં રહીએ છીએ ત્યારે એનું લેવલ ઘણાં વધારે ઊંચા લેવલે જતું હોય છે, આવો ઘોંઘાટ આપણી સાંભળવાની શક્તિને તો નુકસાન કરે જ છે, પણ એથી માણસના બ્લડ પ્રેશરમાં પણ વધારો થાય છે.ઘોંઘાટથી માણસના જ્ઞાાનતંતુઓ એટલા ઉશ્કેરાયેલા રહે છે કે એને અલ્સરથી માંડીને બીજા અનેક પ્રકારના રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે.એક અમેરિકન ડોક્ટરના કહેવા પ્રમાણે સતત વધુ પડતા ઘોંઘાટમાં જીવતા માણસોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને આ ચીડિયા સ્વભાવની અસર એમના કુટુંબજીવન ઉપર પડે છે. આ બધું કંઈ એક દિવસમાં બનતું નથી, પરંતુ વધતાં જતાં નોઈસ પોલ્યુશનથી લાંબે ગાળે આવું બને જ છે અને એટલે જ સમયસર એનાથી ચેતી જવાની જરૂર છે.
અવાજ અને ઘોંઘાટનો ભેદ સમજવાનું આપણે જાણે કે છોડી દીધું છે, આજે આપણું સંગીત પણ એની મધુરતા ગુમાવીને ઘોંઘાટિયું બની ગયું છે.બેશક, અવાજ એ કુદરતનું અમૂલ્ય વરદાન છે, અવાજ વિનાની દુનિયા, સંગીત વિનાની દુનિયા, વાતચીત વિનાની દુનિયા તો કેવી સ્મશાન જેવી નિષ્પ્રાણ લાગે! અવાજની મધુરતાથી તો આ પૃથ્વી પરનું જીવન હર્યુંભર્યું લાગે છે. અવાજ શું કરી શકે છે એનો દાખલો અમિતાભ બચ્ચન છે. એની અભિનયની સફળતામાં એના અવાજના જાદુનું મહત્ત્વ જરાય ઓછું નથી.પણ, કુદરતે આપેલી અવાજની અણમોલ ભેટને આપણે ઘોંઘાટમાં-નોઈસ પોલ્યુશનમાં ફેરવીને આપણે માનવજાતને નુકસાન કરી રહ્યા છીએ ત્યારે એ માટે જાગૃત થઈ જવું જોઈએ.અમદાવાદમાં દર ચારમાંથી એક વ્યક્તિ સાંભળવાની ક્ષમતા ગુમાવી ચુક્યો છે. તેમજ દર ૧૦માંથી ૪ ટ્રાફિક પોલીસકર્મી યોગ્ય રીતે સાંભળી નથી શકતા કારણકે તે લોકો આખો દિવસ ટ્રાફિકના ઘોંઘાટમાં જ રહે છે. લગભગ દર ૧૩ વ્યક્તિએ ૧ વ્યક્તિ ધ્વની પ્રદૂષણની સમસ્યાથી પરેશાન છે. ત્યારે સવાલ એ થાય છે કેશું આ ધ્વનિ પ્રદૂષણ એ સાઈલન્ટ કિલર ન ગણી શકાય૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે એક ધ્વનિ પ્રદૂષણ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન જણાવ્યુ હતું કે વ્યક્તિના જીવન જીવવાના અધિકારમાં એ નક્કી કરવાના અધિકારનો પણ સમાવેશ થાય છે કે તે કેટલો ઘોંઘાટ સાંભળવા માંગે છે અથવા નહીં.પરંતુ તેમ છતા આપણા દેશમાં દરેક વિસ્તારમાં લોકો પોતાના પડોશમાં વાગતા લાઉડ સ્પિકર, વાહનોના હોર્ન લગ્નનું કાન ફાડી નાખતા સંગીત, રાજનૈતિક અને ધાર્મિકઆયોજનમાં થતા ઊંચા અવાજના હોબાળા સાંભળવા માટે મજબુર થાય છે. જે વ્યક્તિનાજીવન જીવવાના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. સવાલ એ છે કેખુશીઓ મનાવવા માટે પ્રચાર કરવા માટે કે ભક્તિ દર્શાવવા માટે શું ધ્વનિ પ્રદૂષણ કરવુ જરુરી છેશાંતિ પ્રિય ભારતની છાતિ ચીરીને નિકળતો આ શોર આજના મહાનગરોમાં રહેતા લોકો માટે અભિશાપરુપ બની ચુક્યો છે.

Related posts

ग्रहण में क्या करें, क्या न करें

aapnugujarat

વધતી વયના લક્ષણો અટકાવી રહો સદાકાળ યુવાન

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસમાં ‘ધસુંબલો’ : રાજનીતિ એક મિશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1