Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકનાં આવાસ ઉપર મીડિયા કર્મીઓની સાથે ખરાબ વર્તન

એસજીવીપી હોસ્પિટલમાંથી હાર્દિક પટેલ આજે પોતાના ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના નિવાસસ્થાને ઉપવાસ છાવણીના સ્થળે પહોંચ્યો ત્યારે પહેલા જ તેની એમ્બ્યુલન્સ અટકાવી હાર્દિક અને તેના સાથીઓ સાથે બબાલ કરી ચૂકેલી પોલીસે ત્યાં કવરેજ કરવા આવેલા મીડિયા કર્મીઓ સાથે પણ અપમાનજનક અને લુખ્ખી દાદાગીરી કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. પોલીસ દ્વારા એક તબક્કે મીડિયાકર્મીઓને હડધૂત કરી, ધક્કે ચઢાવી તેમના કેમેરા છીનવવાનો હીન પ્રયાસ પણ થયો હતો, જેને લઇ સમગ્ર મીડિયાઆલમમાં પોલીસના અસભ્ય અને અણછાજતા વર્તનને લઇ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. પોલીસની આ દાદીગીરીભર્યા વર્તન દરમ્યાન એક કેમેરામેનને ઇજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજીબાજુ, સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઇ ખુદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા સેકટર-૧ના જેસીપી પાસેથી ખુલાસો અને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. એટલું જ નહી, પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે જરૂરી તપાસ આદેશ આપી દેવાયા છે. તો, મીડિયાકર્મીના પ્રતિનિધિઓએ આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવાર પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ હોય તેઓની વિરૂધ્ધ તાત્કાલિક કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. પાસના કન્વીનર હાર્દિક પટેલ આજે એસજીવીપીમાંથી ડિસ્ચાર્જ થઇ સીધા એમ્બ્યુલન્સ મારફતે તેમના ગ્રીનવુડ ખાતેના નિવાસસ્થાને ઉપવાસ છાવણીએ પહોંચ્યા ત્યારે પોલીસે તેમની એમ્બ્યુલન્સ અટકાવતાં હાર્દિક અને તેના સાથીઓને છાવણી સુધી ચાલતાં જવાની ફરજ પડી હતી, આ વાતને લઇ પોલીસ અને હાર્દિક તેમ જ તેના સાથીઓ સાથે ગંભીર બબાલ થઇ હતી. આ મામલો હજુ શાંત પડે તે પહેલાં જ પોલીસે ત્યાં કવરેજ કરવા આવેલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફર્સને પોલીસે ઉપવાસ છાવણીના સ્થળે જતા અટકાવ્યા હતા અને મીડિયાકર્મીઓએ તેમને તેમની ફરજ અદા કરવામાંથી નહી રોકવાનો આગ્રહ કરતાં પોલીસે બળપ્રયોગ કરતાં વાત વણસી હતી. સેકટર-૧ જેસીપી વિશ્વકર્મા સહિતના કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મીડિયા કર્મીઓ સાથે લુખ્ખી દાદાગીરી શરૂ કરી તેમને ધક્કા મારી હડધૂત કર્યા હતા અને તેઓની સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો, એટલું જ નહી, કેટલાક પોલીસ કર્મચારીઓએ મીડિયાકર્મીના કેમેરા છીનવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસની આ દાદાગીરી અને બળપ્રયોગમાં એક કેમેરામેનને ઇજા પણ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની દાદાગીરી અને લુખ્ખાગીરીના દ્રશ્યો મીડિયામાં લાઇવ પ્રસારિત થતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વિવાદ બહુ આગળ વધતાં ખુદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે સમગ્ર મામલામાં સેકટર-૧ના જેસીપી પાસેથી ખુલાસો અને રિપોર્ટ માંગ્યો હતો. એટલું જ નહી, પોલીસ કમિશનરે વિવાદની ગંભીરતા સમજી આ સમગ્ર પ્રકરણમાં જરૂરી તપાસના આદેશો પણ જારી કર્યા હતા. બીજીબાજુ, પોલીસના અણછાજતા અને અસભ્ય વર્તનથી ખિન્ન ભરાયેલા મીડિયાકર્મીઓએ આ મામલામાં જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ હોય તે તમામની વિરૂધ્ધમાં કાયદાનુસાર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી હતી. જેને લઇ પોલીસ કમિશનરે તેઓને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને મીડિયા અને પોલીસ વચ્ચેના સહયોગ અને સુમેળભર્યા સંબંધોની પરંપરા જળવાઇ રહે તે માટે સાથે મળી હકારાત્મકતા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

aapnugujarat

પોલીસ સમન્વય ન્યૂઝ પેપર તથા સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માસ્કનું તથા હેન્ડગ્લબસ નું વિતરણ

aapnugujarat

करोड़ो की धोखाधड़ी करने वाले गैंग गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1