Aapnu Gujarat
ગુજરાત

હાઈટેક વી.એસ.હોસ્પિટલનાં લોકાર્પણને લઈ લોકોમાં ઉત્સુક્તા

રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ અંદાજે રૂ.૬૦૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલ પરિસરમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ આકાર પામી રહી છે. નાગરિકોમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણને લઇ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ નવી હાઇટેક અને અત્યાધુનિક હોસ્પિટલના ઓપીડી વિભાગનું ઉદ્‌ઘાટન ચાલુ મહિનાના ત્રીજા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તેવી ચર્ચા હતી, પરંતુ તેમનો પ્રવાસ રદ થતાં હવે આ નિર્ધારિત કાર્યક્રમમાં લગભગ એક મહિનાનો વિલંબ થશે અને નવી હાઇટેક વીએસ હોસ્પિટલમાં ઓપીડી વિભાગનું ઉદ્‌ઘાટન સપ્ટેમ્બર માસમાં થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે. દેશભરનું ધ્યાન ખેંચે તે પ્રકારે બનાવાયેલી હાઇટેક અને નવી મલ્ટિ સ્પેશિયાલિટી વી.એસ.હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓપીડી વિભાગ કાર્યરત થનાર હોઇ તંત્ર દ્વારા આ બન્ને માળની કામગીરીને પૂર્ણ કરાઇ છે. આ ઉપરાંત અગિયારમા, બારમા અને તેરમા માળનું કામ પણ આટોપી લેવાયું છે. મ્યુનિ. સૂત્રોના મતે, શાસકો દ્વારા પહેલા અને બીજા માળે ઓપીડી વિભાગ કાર્યરત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉ વિધિવત્‌ આમંત્રણ પાઠવાયું હતું, પરંતુ વડા પ્રધાન મોદીના હસ્તે ઓગસ્ટ મહિનામાં લોકો માટે ઓપીડી વિભાગ શરૂ કરાશે તેવી શક્યતા હતી. પરંતુ આગામી તા.ર૩ ઓગસ્ટે નિર્ધારિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં અમદાવાદનો સમાવેશ થતો ન હોઇ ફરીથી નવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્‌ઘાટનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ અંગે મેયરના હોદ્દાની રૂએ વી.એસ. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડનાં ચેરેમેન બીજલબહેન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, મેયર ઓફિસ તરફથી અગાઉ નરેન્દ્રભાઇને આમંત્રણ પાઠવાયું હતું, પરંતુ તેમનો પ્રવાસ રદ થયો હતો. વડા પ્રધાનના નવા પ્રવાસ કાર્યક્રમમાં અમદાવાદ નથી એટલે મેયર ઓફિસ તરફથી નવેસરથી તેમને નવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓપીડી વિભાગના લોકાર્પણ માટેનું આમંત્રણ પાઠવાશે. દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે, હવે ઓપીડી વિભાગનું લોકાર્પણ ઓછામાં ઓછું એક મહિનાના વિલંબમાં મૂકાયું છે. આગામી નવરાત્રિના તહેવાર દરમ્યાન ઓપીડી વિભાગ ધમધમતો થાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા ઓપીડીનો ચાર્જ રૂ.૧૦૦ નક્કી કરાયો છે, જે પ્રથમ કન્સલ્ન્ટસીના સાત દિવસ સુધી માન્ય રહેશે. ત્યારબાદ ફોલોઅપ ફી રૂ.પ૦ છે. કન્સલ્ટેશન ફી અને ફોલોઅપ ફીમાં પણ ક્રમશઃ રૂ.૩૦૦, રૂ.ર૦૦ ચૂકવીને દર્દીને અગ્રતા ક્રમ અપાશે. હાઇટેક અને અત્યાધુનિક સુવિધાયુકત વી.એસ.હોસ્પિટલના ઉદ્‌ઘાટનને લઇ માત્ર દર્દીઓ અને તેમના સગાવ્હાલા જ નહી પરંતુ નગરજનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Related posts

राज्य के ३१ तहसीलों में उल्लेखनीय बारिश दर्ज की गई

aapnugujarat

સૂર્યનગરમાં ક્રિકેટ મેચમાં આઉટ આપતાં તકરાર થઇ ચકલાસી પોલીસે 11 વિરૂદ્ધ ગુનો નોંધ્યો

aapnugujarat

‘જયપુર, નાગોરમાં મને દાખલ થવા માટે રોકવામાં આવ્યો હતો : જિગ્નેશ મેવાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1